યમનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલામાં 33 લોકોના મોત થયા છે અને ૩૯થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં મોટાભાગના નિર્દોષ મહિલાઓ અને બાળકો સામેલ છે. હુથી-નિયંત્રિત સમાચાર એજન્સી 'સબા' અને યમનના આરોગ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર, રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે સાઉદી અરેબિયાએ યમનની રાજધાની સનાની પૂર્વમાં આવેલા અને હુથી બળવાખોરોનો ગઢ ગણાતા 'બાની હુશૈશ' ગામમાં આ એરસ્ટ્રાઈક કરી હતી.

યમનમાં ભયાનક હવાઇ હુમલો

આ હુમલામાં અનેક રહેણાંક ઘરોને સીધા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે અનેક નિર્દોષ નાગરિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જુલાઈમાં સાઉદી અરેબિયા અને હુથી બળવાખોરો વચ્ચે ફરીથી સંઘર્ષ શરૂ થયા બાદ આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને વિનાશક હુમલો માનવામાં આવે છે. સનાની સેહતુના હોસ્પિટલના ડિરેક્ટર અબ્દુલ-અઝીઝ અલ-દૈલામીએ જણાવ્યું હતું કે બચાવ ટીમ જ્યારે પણ ફસાયેલા લોકોને બહાર કાઢવા પહોંચે છે, ત્યારે સાઉદી બળો દ્વારા ફરીથી બીજો હુમલો કરવામાં આવે છે, જેના કારણે કેટલાક તબીબી અને બચાવ કાર્યકરોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. દરમિયાન, સાઉદી અરેબિયાના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશને આ ઘટના અંગે તપાસ હાથ ધરી હોવાનું નિવેદન આપ્યું છે.
https://x.com/HussainBukhaiti/status/2119110204365455429?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119110204365455429%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં યુનાઇટેડ નેશન્સ (UN) ની મધ્યસ્થતાથી સાઉદી અરેબિયા અને ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, જેથી લાંબા સમય સુધી હુમલા અટકી ગયા હતા. પરંતુ આ યુદ્ધવિરામ ભંગ થતાં ૨૦૨૬માં ફરી લડાઈ ભડકી ઊઠી છે. સના પર નિયંત્રણ ધરાવતા હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ અને તેલ સુવિધાઓ પર ડ્રોન તેમજ મિસાઈલ હુમલા કર્યા હતા, જેના જવાબમાં સાઉદી અરેબિયા યમનમાં હવાઈ હુમલા કરી રહ્યું છે.

 2,00,000 લોકોને ઘર છોડવાની પડી ફરજ

યમનમાં છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલું આ યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચેના વૈશ્વિક સંઘર્ષ સાથે પણ જોડાયેલું છે. આ લાંબા સંઘર્ષે સૌથી ગરીબ આરબ દેશ યમનને ઘોર માનવતાવાદી સંકટમાં ધકેલી દીધું છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) ના અહેવાલ મુજબ, તાજેતરમાં લડાઈ પુનઃ શરૂ થયા બાદ 2,00,000 થી વધુ લોકોને પોતાનું ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: દિવાળીના દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ વધારો નહી? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ