આજના સમયમાં મખાના (Fox Nuts / Lotus Seeds) સૌથી લોકપ્રિય અને સ્વસ્થ નાસ્તા તરીકે ઉભરી આવ્યા છે. ઓછી કેલરી, ભરપૂર ફાઇબર અને જરૂરી પોષક તત્વોને કારણે તેને 'સુપરફૂડ' પણ કહેવામાં આવે છે. વજન ઘટાડવાથી લઈને હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મખાના અકસીર સાબિત થાય છે. જો કે દરેક હેલ્ધી વસ્તુ દરેક માટે ફાયદાકારક નથી હોતી. મખાના આ સમસ્યા ધરાવતા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ લોકોએ મખાના ખાતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જોઈએ.
શરીરમાં આ સમસ્યા હોય તો મખાનાનું સેવન ટાળવું
પાચન અને પેટની સમસ્યાઓ: જો તમને વારંવાર ગેસ, એસિડિટી, પેટ ફૂલવું (Bloating) કે પેટમાં ભારેપણું લાગતું હોય, તો મખાના ખાવામાં કંટ્રોલ રાખવો. મખાનામાં ફાઇબરની માત્રા ખૂબ સારી હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે સારી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) કે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (IBD) જેવી પાચનની ગંભીર બીમારીથી પીડાતું હોય, તો આ ફાઇબર તેમના પેટમાં દુખાવો, સોજો અને ગેસની તકલીફ વધારી શકે છે.
હાઈ યુરિક એસિડ અથવા ગાઉટ : જે લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે રહેતું હોય અથવા સાંધાના દુખાવાની (ગાઉટ/સંધિવા) સમસ્યા હોય, તેમણે મખાના ખાતા પહેલાં વિચારવું જોઈએ. કમળના આ બીજમાં મધ્યમ માત્રામાં પ્યુરિન (Purine) હોય છે. આ પ્યુરિન શરીરમાં તૂટીને યુરિક એસિડનું સ્તર વધારે છે, જેનાથી સાંધાનો દુખાવો અને સોજો અચાનક વધી શકે છે.
કિડનીની પથરીનું જોખમ: ભૂતકાળમાં કિડનીમાં પથરી (કિડની સ્ટોન) થઈ ચૂકી હોય અથવા ડોક્ટરે તેના જોખમ અંગે ચેતવણી આપી હોય તેવા લોકોએ મખાનાનું સેવન ટાળવું જોઈએ. નિષ્ણાતોના મતે, મખાનામાં ઓક્સાલેટ નામનું તત્વ હોય છે, જે કિડનીમાં પથરી બનવાની પ્રક્રિયાને વેગ આપી શકે છે. આવા દર્દીઓએ આહારમાં મખાનાનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત રાખવું હિતાવહ છે.
એલર્જીની સમસ્યા : ઘણા લોકોને કમળના બીજ એટલે કે મખાનાથી એલર્જી હોઈ શકે છે. ખાસ કરીને જે લોકોને ડ્રાયફ્રૂટ્સ (બદામ વગેરે) કે અન્ય બીજથી એલર્જી હોય તેમણે વધુ સાવધ રહેવું. જર્નલ ઓફ એલર્જી એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજીના અભ્યાસ અનુસાર, મખાનામાં રહેલા પ્રોટીન અન્ય એલર્જેનિક ખોરાક સાથે ક્રોસ-રિએક્ટ કરી શકે છે. જો મખાના ખાધા પછી શરીર પર ખંજવાળ, ફોલ્લીઓ, સોજો કે શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તેનું સેવન તરત જ બંધ કરી દેવું.
બ્લડ થિનર દવાઓ ચાલતી હોય ત્યારે : જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા હોવ, તો રોજિંદા આહારમાં મખાના ઉમેરતા પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી. મખાનામાં વિટામિન K જોવા મળે છે, જે લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા પર અસર કરે છે. આના કારણે ચાલુ દવાઓની અસરકારકતામાં ફેરફાર થઈ શકે છે.
મખાના સુપરફૂડ, સ્વાસ્થ્ય માટે બેસ્ટ
મખાના સુપરફૂડ છે. તે આ લોકોમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે સામાન્ય લોકો માટે તે વજન નિયંત્રણ, હૃદયની મજબૂતી અને બ્લડ સુગર મેનેજમેન્ટ માટે અત્યંત ગુણકારી છે. મખાનાને તમે બ્રેકફાસ્ટમાં અથવા તેની સ્મૂધી બનાવી વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકો છો. જે લોકો કિડની, લોહી પાતળું થવાની દવા, હાઈ યુરિક એસિડ અને પાચનની સંબંધિત તકલીફો ધરાવતા લોકોએ તેનું સેવન સમજી-વિચારીને કરવું જોઈએ.
આ પણ વાંચો : Beauty Tips: નાક પરના બ્લેકહેડ્સથી છો પરેશાન? અપનાવો આ ટીપ્સ, ત્વચા થશે ચમકાદાર
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )