એલોવેરા કે જેને દેશીભાષામાં કુંવારપાઠું કહે છે તે અનેક સમસ્યામાં ફાયદાકારક છે. વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં વિવિધ રીતે એલોવેરાનો ઉપયોગ થાય છે. એલોવેરામાંથી બનતો જયુસ બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આજે તમને વાળ માટે એલોવેરા કેટલું ફાયદાકારક છે તે જણાવીશું. વાળા લાંબા, જાડા અને ચમકદાર હોય તો દેખાવ વધુ આકર્ષક લાગે છે. એટલે જ દરેકની ઇચ્છા હોય છે કે તેમના વાળ સુંદર હોય. મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને સપ્લિમેન્ટ્સના બદલે વાળ સુંદર બનાવવા તમે દેશી ઉપચાર તરીકે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ જાણો કેટલી ફાયદાકારક
આજકાલ દરેક લોકો પોતાના ઘરમાં એલોવેરાનો છોડ રાખવા લાગ્યા છે. વાળના ગ્રોથ અને વિકાસ માટે એલોવેરા શ્રેષ્ઠ ઉપચાર છે. એલોવેરા એટલે કે કુંવારપાઠું એવો છોડ છે જેના પાંદડામાં ઠંડુ, ચીકણું જેલ જેવું પદાર્થ હોય છે. આ જેલમાં વિટામિન A, C, E અને B12, તેમજ ઝીંક, મેગ્નેશિયમ અને કેટલાક ફાયદાકારક ફેટી એસિડ હોય છે. આ જ કારણ છે કે લોકો ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ, ખોડો, બળતરા અને વાળને નરમ બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ કરે છે. તેમજ ચહેરા પરના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરી ગ્લોઈંગ સ્કીન મેળવવા આ જેલનો ઉપયોગ કરાય છે.













