આપણે શરીરમાં દેખાતા કેટલાક સામાન્ય લક્ષણને નજર અંદાજ કરીએ છીએ. માથાના દુખાવાને ગેસનો દુખાવો માનીએ છીએ. હેલ્થ એક્સપર્ટ કહે છે કે જો તમને માથું ફાટી જાય તેવો અસહ્ય દુખાવો થતો હોય તે સામાન્ય નથી. માથાનો આ ભયંકર દુખાવો માઈગ્રેનના કારણે હોઈ શકે છે. માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે. જેમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. 


માઈગ્રેનમાં જોવા મળશે આ લક્ષણો 

માઈગ્રેનની સમસ્યામાં વ્યક્તિને મોટા અવાજો અને વધુ પડતો પ્રકાશ સહન થતો નથી. માથામાં ગંભીર દુખાવાનો અનુભવ થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. તેમજ ઉલટી અને ઉબકાની ફરિયાદ વધે છે. માઈગ્રેન દરમિયાન અથવા પછી શારીરિક નબળાઈ અને થાક અનુભવી શકાય છે. કેટલાક સંજોગમાં આ બીમારી વારસાગત માનવામાં આવે છે. જયારે મહિલાઓમાં આ સમસ્યા કયારેક હોર્મોનલ ફેરફારોને કારણે પણ જોવા મળે છે. અને માનસિક તણાવ અને ચિંતા પણ માઈગ્રેનનું કારણ બની શકે છે. તો ચોકલેટ, કેફીન અથવા અન્ય પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન માઈગ્રેનનું કારણ બની શકે છે.

ઘરેલુ ઉપચારથી માઈગ્રેનના દુખાવામાં મળશે રાહત

હેલ્થ એક્સપર્ટે કહ્યું કે માઈગ્રેનના દુખાવાને સમયસર ઓળખવું જરૂરી છે. આ સમસ્યામાં યોગ્ય સારવાર મેળવવાથી લાભ થાય છે. તમે ઘરેલુ ઉપચાર કરી માઈગ્રેનની સમસ્યમાં રાહત મેળવી શકો છો. આદુની ચા પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તમે આદુને પાણીમાં ઉકાળીને સૂપ તરીકે પણ પી શકો છો. તેમજ શાંત વાતાવરણમાં બેસી 5-10 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો. શ્વાસ લેવાની કસરતો ઉપરાંત, સ્ટ્રેચિંગ કસરતો કરવાથી આ સમસ્યામાં રાહત મળશે. મધ અને લીંબુનો રસ અને ફુદીનાનું પાણી પીવાથી ચક્કરની સમસ્યા દૂર થાય છે. ડિહાઇડ્રેશન માઇગ્રેન અને ચક્કર આવવાનું મુખ્ય કારણ બની શકે છે. તેથી, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને શરીરને હાઇડ્રેટ રાખો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: