આપણે અનેક વખત વડીલોને કહેતા સાંભળીએ છીએ કે સવારે સ્નાન કર્યા વગર કોઈ કામ ના કરવું. ઉનાળામાં સ્નાન કરવાનું દરેકને પસંદ હોય છે. કારણ કે સ્નાન કરવાથી શરીરને ઉર્જા મળે છે. પરંતુ શિયાળાની કડકડતી ઠંડી હોય તો પણ શું દરરોજ સ્નાન કરવું જરૂરી છે. શું શિયાળામાં પણ દરરોજ સ્નાન કરવું જોઈએ તેને લઈને હેલ્થ એક્સપર્ટે ખુલાસો કર્યો છે.
દરરોજ સ્નાન કરવું જરૂરી નથી, સંશોધનમાં ખુલાસો
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ શિયાળામાં દરરોજ સ્નાન કરવું તેવો કોઈ ચોક્કસ નિયમ નથી. ઠંડીમાં દરરોજ સ્નાન કરવું જરૂરી પણ નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે શિયાળામાં સ્નાન નહીં કરવાથી પણ ત્વચાને ફાયદો થાય છે. વૈજ્ઞાનિક કારણ મુજબ આપણી ત્વચામાં કુદરતી તેલનું રક્ષણાત્મક સ્તર હોય છે જે તેને હાઇડ્રેટેડ અને કોમળ મુલાયમ રાખે છે. શિયાળામાં ઠંડા પવનોના કારણે હવા શુષ્ક હોય છે. જેની ત્વચા પર અસર થાય છે. ઠંડી લાગવાના કારણે લોકો સ્નાન કરવા ગરમ પાણીનો ઉપયોગ વધુ કરે છે. ગરમ પાણી અને સાબુનો વારંવાર ઉપયોગ કરવાથી ત્વચા પરનું આ કુદરતી તેલ દૂર થઈ જાય છે.
ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચાને નુકસાન
આપણી ત્વચામાં "સારા બેક્ટેરિયા" હોય છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. દરરોજ સ્નાન કરવાથી આ રક્ષણાત્મક અવરોધ નબળા પડે છે. તેમજ વારંવાર સ્ક્રબિંગ કરવાથી ત્વચામાં રુક્ષતાપણું આવે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. વારંવાર ગરમ પાણીથી સ્નાન કરવાથી કુદરતી તેલનું રક્ષણાત્મક સ્તર દૂર થવાથી ત્વચામાં તિરાડો, ખંજવાળ અને ખરજવું જેવી સમસ્યા થાય છે. લાંબા સમય સુધી ગરમ પાણીના સંપર્કમાં રહેવાથી ત્વચાને નુકસાન થાય છે. ડોકટરોના મતે, શિયાળામાં હૂંફાળા પાણીમાં ફક્ત 5-10 મિનિટ જ સ્નાન કરવું જોઈએ.
શિયાળામાં કયારે સ્નાન કરવું, જાણો ટિપ્સ
શિયાળા દરમિયાન દર બીજા દિવસે સ્નાન કરવું ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે સ્નાન કર્યા પછી તરત જ તેલ અથવા લોશન લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ત્વચા મુલાયમ રહેશે. શિયાળામાં દરરોજ સ્નાન કરવું એ તમારી પસંદગી અને સ્વાસ્થ્યની જરૂરિયાત પર આધાર રાખે છે. જો તમારી ત્વચા મિશ્ર અને વધુ પડતી તૈલી હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારી ત્વચા શુષ્ક હોય, તો દરરોજ સ્નાન કરવાનો આગ્રહ છોડી દો.
આ પણ વાંચો : Morning Habits: સવારની શરૂઆત કરો માત્ર આ 4 યોગાસનથી, દિવસ રહેશે તાજગીભર્યો