ઉનાળા અને ચોમાસાની શરૂઆત સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેની સાથે મેલેરિયાનો ખતરો પણ તોળાય છે. સામાન્ય લોકોની સરખામણીએ ગર્ભવતી મહિલાઓ માટે આ રોગ વધુ ગંભીર સાબિત થઈ શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી પડતી હોવાથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.
માતા અને બાળક પર મેલેરિયાની અસર
મેલેરિયા માત્ર એક તાવ નથી, પરંતુ તે ગર્ભમાં રહેલા બાળકના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. અકાળ ડિલિવરી (Pre-term Birth): મેલેરિયાના પરોપજીવી લોહીના પ્રવાહને અસર કરે છે, જે પ્લેસેન્ટા (ગર્ભનાળ) સુધી પહોંચી શકે છે. આનાથી બાળકને પૂરતું પોષણ અને ઓક્સિજન મળતું નથી, પરિણામે સમય પહેલા ડિલિવરી અથવા જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવાનું જોખમ રહે છે. જો મેલેરિયાની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો માતાના શરીરમાં લોહીની ભારે ઉણપ (એનિમિયા) સર્જાઈ શકે છે, જે કસુવાવડ (Miscarriage) જેવી ગંભીર સ્થિતિમાં પણ પરિણમી શકે છે.
મુખ્ય લક્ષણોને નજરઅંદાજ ન કરો
ગર્ભાવસ્થા દરમિયાન નીચેના લક્ષણો દેખાય તો તરત જ સાવધાન થઈ જવું જોઈએ.
- અચાનક આવતો તેજ તાવ
- સતત માથાનો દુખાવો અને નબળાઈ
- શરીરમાં અને સાંધામાં અસહ્ય દુખાવો
- ઠંડી લાગવી અથવા ધ્રુજારી ઉપડ
બચાવ અને સાવચેતીના પગલાં
મેલેરિયાથી બચવા માટે ડરવાને બદલે સતર્ક રહેવું વધુ જરૂરી છે. મચ્છરદાનીનો ઉપયોગ: સૂતી વખતે હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરવાની આદત પાડો. સંપૂર્ણ કપડાં પહેરો: શરીર ઢંકાયેલું રહે તેવા હળવા અને પૂરી બાંયના કપડાં પહેરવાનો આગ્રહ રાખો. સ્વચ્છતા જાળવો: ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાવા ન દો, કારણ કે સ્થિર પાણી મચ્છરોનું સંવર્ધન કેન્દ્ર છે. તાવ જેવું જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને બ્લડ ટેસ્ટ કરાવો.
આ પણ વાંચો : Homemade Rose Water: બજારના મોંઘા ગુલાબ જળ ખરીદવાને બદલે ઘરે જ બનાવો નેચરલ રોઝ વોટર
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )