સુંદર અને ડાઘરહિત ત્વચા મેળવવાની ઇચ્છામાં લોકો અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. બજારમાં મળતી ગોરી બનાવતી ક્રીમ, એન્ટી-પિગમેન્ટેશન ક્રીમ અને ખીલ દૂર કરતી પ્રોડક્ટ્સ પણ ખૂબ લોકપ્રિય છે.

સોશિયલ મીડિયા પર તેમના જાહેરાતો અને ઇન્ફ્લુએન્સર્સના પ્રમોશનલ વીડિયો લોકોને ઝડપથી પરિણામ મળવાનો વિશ્વાસ અપાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચહેરા પર લગાવાતી કોઈ ક્રીમ તમારી કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે? કેરળમાંથી સામે આવેલો એક કિસ્સો આ જોખમ તરફ ધ્યાન દોરે છે.

તાજેતરમાં કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કિશોરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ફેયરનેસ ક્રીમ ખરીદી હતી અને તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.

ક્રીમના પ્રચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના નિયમિત ઉપયોગથી ખીલ, ડાઘ અને પિગમેન્ટેશન જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહેવાલો અનુસાર, કિશોરીએ ઓગસ્ટ 2025થી આ ક્રીમનો ઉપયોગ શરૂ કર્યો હતો.

શરૂઆતમાં તેને ક્રીમ અસરકારક લાગી, પરંતુ થોડા સમય બાદ તેની તબિયત બગડવા લાગી. તેને અચાનક બ્લડ પ્રેશર ઘટવું, બેભાન થઈ જવું અને પગમાં સોજા જેવી સમસ્યાઓ થવા લાગી. સ્થિતિ ગંભીર બનતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

ગંભીર કિડનીની બીમારી હોવાનું સામે આવ્યું

ડૉક્ટરોની તપાસમાં કિશોરીને મેમ્બ્રેનસ નેફ્રોપેથી નામની ગંભીર કિડનીની બીમારી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ ડૉક્ટરોને શરીરમાં કોઈ ઝેરી પદાર્થના સંપર્કમાં આવવાની શંકા થઈ.

તપાસમાં તેના શરીરમાં પારો (Mercury)નું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું. તે જે ક્રીમનો ઉપયોગ કરતી હતી, તેની લેબોરેટરી તપાસમાં પણ પારાનું પ્રમાણ 12,500 પાર્ટ્સ પ્રતિ મિલિયન (PPM) હોવાનું જાણવા મળ્યું.

ક્રીમમાં રહેલો પારો કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

પારો એક ઝેરી ધાતુ છે. કેટલીક ગેરકાયદે અથવા ભેળસેળવાળી સ્કિન લાઇટનિંગ ક્રીમમાં ત્વચાનો રંગ હળવો કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચામાં મેલાનિનના નિર્માણને અસર કરી શકે છે, પરંતુ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર પણ કરી શકે છે.

પારાવાળી ક્રીમ વારંવાર ત્વચા પર લગાવવાથી તેના કેટલાક ઘટકો શરીરમાં શોષાઈ શકે છે. ત્યારબાદ પારો લોહી મારફતે શરીરના અન્ય અંગો સુધી પહોંચે છે. કિડનીનું કામ લોહીમાંથી કચરાના પદાર્થોને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢવાનું છે. પરંતુ પારાના સંપર્કથી કિડનીના ફિલ્ટર કરતા ભાગોને નુકસાન થઈ શકે છે, જેના કારણે ગંભીર કિડનીની બીમારી થઈ શકે છે.

ક્રીમ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

દરેક સ્કિન લાઇટનિંગ કે ફેયરનેસ ક્રીમમાં પારો હોતો નથી અને દરેક કોસ્મેટિક પ્રોડક્ટ કિડનીને નુકસાન પહોંચાડે એવું પણ નથી. જોખમ એવા ઉત્પાદનોમાં છે જેમાં પારા જેવા પ્રતિબંધિત અથવા હાનિકારક પદાર્થો ભેળવવામાં આવ્યા હોય.

ખાસ કરીને યોગ્ય માહિતી, ઉત્પાદકની ઓળખ અને વિશ્વસનીય ગુણવત્તા તપાસ વગરના ઓનલાઇન ઉત્પાદનોનો ઉપયોગ જોખમી બની શકે છે. ત્વચાની સમસ્યા માટે કોઈ ક્રીમ ખરીદતા પહેલાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

હંમેશાં વિશ્વસનીય બ્રાન્ડ અને અધિકૃત વેચાણકર્તા પાસેથી જ કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની જાહેરાત જોઈને કોઈ ક્રીમને સુરક્ષિત ન માનો. થોડા જ દિવસોમાં ગોરા થવાના કે ડાઘ સંપૂર્ણ દૂર કરવાના દાવા કરતી પ્રોડક્ટ્સથી સાવચેત રહો. ક્રીમનું પેકેજિંગ, ઉત્પાદકનું નામ, ઘટકો અને જરૂરી નિયમનકારી માહિતી ચોક્કસ તપાસો.

આ પણ વાંચો:Agniveer Rules: અગ્નિવીરો માટે મોટા સમાચાર! 4 વર્ષ પછી લગ્નની મંજૂરી, રજાના નિયમોમાં પણ થઈ શકે ફેરફાર