બદલાતી ઋતુ અને વાતાવરણની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. હાલના સમયમાં ક્યારેક વરસાદ તો ક્યારેક તડકો એમ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે શરીરમાં કફ વધવાની સમસ્યા સર્જાય છે. કફ જમા થવાને કારણે શરદી, ખાંસી અને ગળામાં દુખાવાની તકલીફો સામાન્ય બની જાય છે. વારંવાર દવાઓ લેવા કરતાં જો ઘરેલું અને પ્રાકૃતિક ઉપાયો અપનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી સાબિત થાય છે. નિષ્ણાંતોના મતે ફેફસાંને ડિટોક્સિફાય કરવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે એક ખાસ હર્બલ ડ્રિંક ખૂબ જ ઉપયોગી છે, જે રસોડામાં રહેલી સામાન્ય સામગ્રીમાંથી જ સરળતાથી બની જાય છે.
હર્બલ ડ્રિંક બનાવવાની સરળ રીત
આ ફેફસાં ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે ૨૦૦ મિલી પાણીને સારી રીતે ઉકાળો અને પછી ગેસ બંધ કરો. ત્યારબાદ તેમાં ૨ થી ૩ લવિંગ, લસણની ૧ કળી, અને ૧/૪ ચમચી સૂકા આદુનો પાવડર અથવા તાજું વાટેલું આદુ ઉમેરો. આ બધી સામગ્રીના પોષક તત્વો પાણીમાં સારી રીતે ભળી જાય તે માટે તેને થોડીવાર ઢાંકીને મૂકી રાખો. જ્યારે આ પીણું હૂંફાળું કે થોડું ગરમ રહે ત્યારે તેને ગાળી લો અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીને ધીમે-ધીમે પીઓ. આ પીણું શ્વસનતંત્રને સાફ કરવામાં અને કફ દૂર કરવામાં મદદ કરે છે.
