ફ્રાન્સમાં ચાલી રહેલી રાજકીય અને સામાજિક અશાંતિ બાદ હવે જર્મનીમાં પણ યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારે રાત્રે જર્મનીના વિવિધ શહેરોમાં Gen-Z (આધુનિક યુવા પેઢી)ના વિરોધીઓએ શિક્ષણ ભંડોળમાં વધારો કરવા અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘Gen Z Regelt’ નામના યુવા જૂથ દ્વારા આયોજિત આ આંદોલન બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત દેશના ૩૪ થી વધુ શહેરોમાં ફેલાઈ ગયું છે. આ પ્રદર્શન સમગ્ર યુરોપમાં યુવાનો દ્વારા વધુ આર્થિક સુરક્ષા અને સુધારેલી સરકારી સેવાઓની માંગ માટે ચલાવવામાં આવી રહેલી વ્યાપક ચળવળનો જ એક ભાગ છે.
ફ્રેન્કફર્ટ અને હેમ્બર્ગમાં હિંસક અંકડા
જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં વિરોધ પ્રદર્શને અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉપદ્રવીઓએ શહેરના કેન્દ્રમાં આવેલી ઘણી દુકાનોની બારીઓ તોડી પાડી હતી અને ઓછામાં ઓછા બે મોટા સ્ટોરમાં લૂંટફાટ ચલાવી હતી. સ્થિતિને અંકુશમાં લેવા પહોંચેલી ઇમરજન્સી સેવાઓ અને પોલીસ ટુકડીઓ પર તોફાનીઓએ મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) વડે હુમલા કર્યા હતા. બીજી તરફ, હેમ્બર્ગમાં વિરોધીઓએ રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકી તેમાં આગ ચાંપી દીધી હતી. હિંસાને પગલે ફ્રેન્કફર્ટ પોલીસે નાગરિકોને શહેરના મુખ્ય વિસ્તારોથી દૂર રહેવા અથવા તુરંત જગ્યા ખાલી કરવા માટે અપીલ કરી હતી.
