વોશિંગ મશીન આપણા કપડાંને સાફ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે કપડાંની ગંદકી, ડિટર્જન્ટ અને હાર્ડ વોટર (ખારા પાણી) ના કારણે મશીનની અંદર પણ સ્કેલિંગ અને બેક્ટેરિયા જમા થાય છે? જો વોશિંગ મશીનને સમયસર સાફ ન કરવામાં આવે, તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે અને કપડાં પણ બરાબર સાફ થતા નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો કોઈ મોંઘા કેમિકલ વગર, ઘરમાં હાજર વસ્તુઓથી વોશિંગ મશીનની સરળતાથી સફાઈ કરી શકશો.
વ્હાઇટ વિનેગર અને બેકિંગ સોડાની અદભુત ટ્રિક
વોશિંગ મશીનના ટબ કે ડ્રમને સાફ કરવા માટે વિનેગર અને બેકિંગ સોડા (ખાવાનો સોડા) સૌથી ઉત્તમ ઉપાય છે. સૌથી પહેલા મશીનના ટબમાં ૨ કપ વ્હાઇટ વિનેગર અને અડધો કપ બેકિંગ સોડા નાખો. હવે મશીનને સૌથી ગરમ પાણીના સેટિંગ પર સેટ કરો અને એક સામાન્ય વૉશ સાઇકલ ચલાવો. વિનેગર મશીનની અંદર જામેલા સ્કેલિંગ (ક્ષાર) ને ઓગાળી નાખશે અને બેકિંગ સોડા બધી દુર્ગંધ દૂર કરશે.
ડિટર્જન્ટ ડ્રોઅર અને ફિલ્ટરની સફાઈ
ઘણીવાર ડિટર્જન્ટ બોક્સ અને ફિલ્ટરમાં સાબુના અવશેષો અને કચરો જમા થઈ જાય છે, જેના કારણે ફૂગ (Mold) લાગવાનું જોખમ રહે છે. મશીનનું ડિટર્જન્ટ ડ્રોઅર બહાર કાઢીને તેને નવશેકા પાણીમાં જૂના ટૂથબ્રશની મદદથી ઘસીને સાફ કરો. મશીનની નીચે અથવા અંદર આપેલા લિન્ટ ફિલ્ટર (Lint Filter) ને પણ બહાર કાઢીને તેમાં જમા થયેલો કચરો સાફ કરો.
રબર ગેસ્કેટની સફાઈ
ફ્રન્ટ લોડ વોશિંગ મશીનમાં દરવાજાની આસપાસ આપેલા રબરની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે કાળા ડાઘ અને ચરબી જમા થાય છે. વિનેગરવાળા પાણીમાં કપડું પલાળીને આ રબરને અંદરથી બરાબર લૂછી લો. યાદ રાખો કે વોશિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી તેનો દરવાજો થોડીવાર માટે ખુલ્લો રાખો જેથી અંદરની ભેજ સુકાઈ જાય અને દુર્ગંધ ન આવે. દર મહિને એકવાર આ રીતે સફાઈ કરવાથી વોશિંગ મશીનની લાઈફ ડબલ થઈ જશે!
આ પણ વાંચો : LPG Gas Cylinder Hack: તમારો ગેસ સિલિન્ડર ઝડપથી ખાલી થઈ જતો હોય તો સાવધાન, માત્ર 5 મિનિટમાં લીકેજ ચેક કરો