આજના ભાગદોડભર્યા જીવનમાં ધૂળ, પ્રદૂષણ અને બદલાતા હવામાનની સૌથી વધુ અસર આપણા પગ પર થાય છે. પગની ત્વચા ઘણીવાર શુષ્ક અને ફાટેલી દેખાવા લાગે છે. જો તમે પાર્લર ગયા વિના ઘરે જ પગને સાફ અને સુંદર બનાવવા માંગતા હોવ, તો નીચે મુજબની સરળ પ્રક્રિયા અનુસરો. આ માટે તમારે નેઇલ કટર, ફાઇલર, હૂંફાળું પાણી, સ્ક્રબ અને મોઇશ્ચરાઇઝર જેવી સામાન્ય વસ્તુઓની જરૂર પડશે.
સ્ટેપ 1: નખને આકાર આપવો
સૌ પ્રથમ, જૂની નેઇલ પોલીશને રીમુવરથી સાફ કરો. નખને નેઇલ કટરની મદદથી સીધા કાપો (ખૂબ ખૂણામાંથી ન કાપવા જોઈએ, જેથી ઇનગ્રોન નખની સમસ્યા ન થાય). ત્યારબાદ ફાઇલરની મદદથી નખની કિનારીઓને સરખી કરીને મનગમતો આકાર આપો.
સ્ટેપ 2: પગને પાણીમાં પલાળવા (Soaking)
એક ટબમાં હૂંફાળું પાણી લો જેમાં તમારા પગની ઘૂંટી સુધી ડૂબી જાય. તેમાં થોડું મીઠું (બાથ સોલ્ટ) અને શેમ્પૂ અથવા તમારું મનપસંદ ઓઈલ ઉમેરો. જો તમારી પાસે નાના લીસા પથ્થરો હોય તો તે પાણીમાં મૂકો, જેના પર પગ ઘસવાથી કુદરતી મસાજ મળશે. 15-20 મિનિટ સુધી પગ પલાળી રાખ્યા બાદ તેને ટુવાલથી લૂછી લો.
સ્ટેપ 3: એક્સ્ફોલિયેશન અને સફાઈ
પગ નરમ થયા હોય ત્યારે નખ પર ક્યુટિકલ ક્રીમ લગાવો. હવે 'ફૂટ સ્ક્રબ' અથવા પ્યુમિસ સ્ટોનનો ઉપયોગ કરીને એડી અને તળિયાની મૃત ત્વચા (Dead Skin) ને હળવા હાથે દૂર કરો. વધુ પડતું જોર ન આપવું. ત્યારબાદ ક્યુટિકલ્સને ધીમેથી પાછળ ધકેલી વધારાની ગંદકી સાફ કરો.
સ્ટેપ 4: મસાજ અને હાઇડ્રેશન
પગને ચોખ્ખા પાણીથી ધોઈને તેના પર સારી માત્રામાં મોઇશ્ચરાઇઝર અથવા ફૂટ ક્રીમ લગાવો. 5-10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ વધશે અને ત્વચા હાઇડ્રેટ થશે.
સ્ટેપ 5: ફાઇનલ ટચ
છેલ્લે, તમારા મનપસંદ રંગની નેઇલ પોલીશ લગાવો. પહેલા બેઝ કોટ લગાવો, પછી નેઇલ પેઇન્ટના બે કોટ લગાવો અને છેલ્લે ટોપ કોટ લગાવો જેથી ચમક લાંબો સમય ટકી રહે. જો તમે ઈચ્છો તો સુંદર પાયલ કે વીંછીયા પહેરીને તમારા પગની શોભા વધારી શકો છો.
આ પણ વાંચોઃ Lifestyle: રસોડામાં છે કીડીઓનો ત્રાસ? કેમિકલ છોડો અને અજમાવો આ 4 અસરકારક ઘરેલું નુસખા