નાની ઉંમરે વાળ ખરવા, પાતળા થવા અને તૂટવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર મેથીના દાણા, ડુંગળીનો રસ, એરંડાનું તેલ અને એલોવેરાથી બનેલો હેર પેક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરાય છે કે આ નેચરલ પેક વાળની સંભાળ રાખવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે. જયપુરની સોનિયા ગોયલે આ હેર પેક બનાવવાની સરળ પદ્ધતિ જણાવી છે.
આ રીતે તૈયાર કરો હેર પેક
આ હેર પેક તૈયાર કરવા માટે સૌપ્રથમ ચાર ચમચી આખા મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે મેથી ફૂલી જશે અને પાણી ચીકણું થશે. હવે આ મેથીને તેના જ પાણી સાથે મિક્સરમાં બારીક પીસી લો અને મોટા ટુકડા ન રહે તે માટે તેને ગાળી લો. ત્યારબાદ એક ડુંગળીને છોલીને મિક્સરમાં પીસી લો અને સુતરાઉ કપડા કે ચાળણીની મદદથી ડુંગળીનો રસ કાઢી લો. તૈયાર થયેલી મેથીની પેસ્ટમાં આ ડુંગળીનો રસ અને એક ચમચી એરંડાનું તેલ ઉમેરો.
કેટલા કલાક સુધી હેરપેક લગાવી રાખવો?
આ મિશ્રણમાં શુદ્ધ એલોવેરાનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો, જેથી તમારો હેલ્ધી હેર પેક તૈયાર થઈ જાય. જો કોઈ ડુંગળીનો ઉપયોગ કરવા ન માંગતું હોય, તો તે ડુંગળીના બદલે અડધો કપ દહીં અથવા ઈંડાનો પણ ઉપયોગ કરી શકે છે. આ હેર પેકને સ્કેલ્પથી લઈને વાળની લંબાઈ સુધી સારી રીતે લગાવો. નિષ્ણાતોના મતે તેને માથા પર આશરે એક થી દોઢ કલાક સુધી લગાવી રાખવું જોઈએ. ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈને હળવા શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે.
અન્ય સમસ્યાઓ પણ હેરફોલ માટે જવાબદાર
જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મેથી, ડુંગળી અને એલોવેરા વાળ માટે ગુણકારી છે, પરંતુ તેનાથી વાળ ખરવાનું સંપૂર્ણ બંધ થઈ જશે તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. વાળ ખરવા પાછળ વિટામિન્સની ઉણપ, માનસિક તણાવ, હોર્મોનલ અસંતુલન કે સ્કેલ્પની સમસ્યાઓ પણ જવાબદાર હોઈ શકે છે. જો વાળ સતત ભારે પ્રમાણમાં ખરતા હોય, તો ઘરેલું ઉપચાર કરવાના બદલે ત્વચારોગ વિજ્ઞાની (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ લેવી હિતાવહ છે. વળી, પહેલીવાર આ હેર પેકનો ઉપયોગ કરતા પહેલા ત્વચા પર પેચ ટેસ્ટ અવશ્ય કરી લેવો જોઈએ.
આ પણ વાંચોઃ Indian Army માં મોટો ફેરફાર? બ્રિગેડિયર રેન્ક નાબૂદ કરી કર્નલને સીધા મેજર જનરલ બનાવવાની તૈયારી