રસોડામાં દરરોજ રસોઈ કરતી વખતે ગેસનો ચૂલો ગંદો થવો ખૂબ જ સામાન્ય બાબત છે. ક્યારેક શાક વઘારતી વખતે તેલના ટીપાં ઉડે છે, તો ક્યારેક દૂધ ઉકળીને બહાર આવી જાય છે. વરાળ, ધુમાડો, તેલ અને મસાલાના કણો ભેગા થઈને ગેસ સ્ટવ પર જમા થવા લાગે છે. ઘણા લોકો તેને માત્ર પાણીથી ઉપરછલ્લો સાફ કરીને છોડી દે છે, જેના કારણે ધીમે ધીમે ત્યાં ગ્રીસ અને ચીકાશનો એક મજબૂત પડ જામી જાય છે. જો તમારો ગેસ સ્ટવ પણ આવો જ ચીકણો અને ગંદો થઈ ગયો છે, તો તેને ચમકાવવા માટે તમે આ સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.


ગેસ સ્ટવના હઠીલા ડાઘ અને ચીકાશ દૂર કરવાના ઉપાયો

  • બેકિંગ સોડા અને લીંબુનો અકસીર ઈલાજ: જો સ્ટવટોપ પર ભારે ચીકાશ જામી ગઈ હોય, તો માત્ર સાદું પાણી કામ નહીં આવે. આખા ગેસ સ્ટવ પર એક ચમચી બેકિંગ સોડા છાંટી દો અને તેની ઉપર લીંબુનો રસ નીચોવો. આ મિશ્રણને ૧૫ મિનિટ માટે એમ જ રહેવા દો અને પછી સોફ્ટ સ્ક્રબર કે સ્પોન્જથી હળવા હાથે ઘસીને સાફ કરી લો. બધી જ ચીકાશ ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ જશે.
  • વિનેગર (સફેદ સરકો) નો મેજિક સ્પ્રે: વિનેગર રસોડાની સફાઈ માટે ઉત્તમ માનવામાં આવે છે. એક સ્પ્રે બોટલમાં વિનેગર અને થોડું પાણી મિક્સ કરીને ગેસ પર સ્પ્રે કરો. થોડીવાર તેને છોડી દીધા પછી ભીના સ્વચ્છ કપડાથી લૂછી લો. વિનેગર એસિડિક હોવાથી ગ્રીસ અને જંતુઓ બંનેનો નાશ કરે છે.
  • લિક્વિડ ડિશ સોપ અને ગરમ પાણી: વાસણ ધોવાના પ્રવાહી સાબુને થોડા ગરમ પાણીમાં મિક્સ કરો. આ પાણીમાં સ્પોન્જ પલાળીને ગેસ સ્ટવ સાફ કરવાથી ગમે તેવી ગ્રીસ અને તેલના ડાઘ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે અને ચૂલો ચમકવા લાગે છે.
  • બેકિંગ સોડાની ઘટ્ટ પેસ્ટ: એક નાના બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા લઈ તેમાં સહેજ પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ગેસના જે ભાગ પર વધુ ડાઘા હોય ત્યાં લગાવી દો. ૧૫ મિનિટ પછી નરમ બ્રશથી સ્ક્રબ કરીને સાફ કરી લો.
  • લીંબુ અને મીઠાનું કુદરતી ક્લીનર: એક લીંબુને અડધા ભાગમાં કાપી લો, તેના પર થોડું મીઠું છાંટો અને તેને સીધું ગેસ સ્ટવ પર ઘસો. આ કુદરતી ક્લીનર માત્ર ગેસ જ નહીં, પરંતુ રેફ્રિજરેટર, ઓવન અને ચીમનીના હઠીલા ડાઘ સાફ કરવા માટે પણ બેસ્ટ છે.

ગેસના બર્નરને આ રીતે કરો સાફ

રસોઈ પૂરી થયા પછી ગેસ થોડો ઠંડો થાય એટલે તરત જ તેને સાફ કરી લો. બર્નરની અંદર ઘણીવાર દૂધ કે દાળ છલકાવાને કારણે તેના છિદ્રો (કાણાં) બંધ થઈ જાય છે. આ માટે બર્નરને થોડીવાર ગરમ પાણી અને વિનેગરના મિશ્રણમાં પલાળી રાખો. તેનાથી તેમાં ભરાયેલો કચરો ઢીલો થઈ જશે. ત્યારબાદ બ્રશથી ઘસીને તેને સાફ પાણીથી ધોઈ લો અને બરાબર સુકાયા પછી જ ફરીથી સેટ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ગેસ સ્ટવને ઊંડે સુધી (Deep clean) સાફ કરવાનો આગ્રહ રાખો. નિયમિત સફાઈ રાખવાથી ગ્રીસ જામશે નહીં અને તમારો ગેસ સ્ટવ હંમેશા નવા જેવો ચમકતો રહેશે.


આ પણ વાંચો : Diabetesના દર્દીઓએ કેવું અને કેટલું દૂધ પીવું જોઈએ? જાણો નિષ્ણાત ડૉક્ટરનો સાચો અભિપ્રાય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: