આજકાલ હોટલ અને રેસ્ટોરન્ટમાં હંમેશા ભીડ જોવા મળે છે. લોકો ઘર કરતાં બહારનું ખાવાનું વધુ ખાવા લાગ્યા છે. જો કે તેના કારણે જ છેલ્લા કેટલાક સમયમાં હાર્ટએટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. ઘરે બનાવેલા ખોરાક સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ કયારેક ઉતાવળ અથવા સીમિત મસાલાના કારણે ઘરનું ભોજન સ્વાદિષ્ટ લાગતું નથી. ખોરાકને જ્યારે યોગ્ય રીતે રાંધવામાં આવે તો તે ટેસ્ટી બનશે. પરિવારના લોકોને પસંદ પણ આવશે. જો રસોઈ પદ્ધતિ ખોટી હોય, તો પૌષ્ટિક ખોરાક પણ ઓછો ફાયદો આપે છે. રસોઈ બનાવવામાં આ સામાન્ય બાબતો ધ્યાનમાં રાખશો તો શાકભાજી, દાળ અને સામાન્ય રોટલી પણ સ્વાદિષ્ટ લાગશે.
રસોઈની પદ્ધતિમાં અપનાવો આ ટીપ્સ
શાકભાજી બનાવવાની ટીપ્સ: લાંબા સમય સુધી શાકભાજી ઉકાળવાથી તેમના વિટામિન અને ખનિજોનો નાશ થઈ શકે છે. તેથી, શાકભાજીને હળવા બાફવામાં અથવા ઓછા પાણીમાં રાંધવા શ્રેષ્ઠ છે. આનાથી તેમના પોષક તત્વો જળવાઈ રહે છે અને તેમનો સ્વાદ સુધરે છે. શાકભાજીને વધુ પડતા ન રાંધવાનો પ્રયાસ કરો.
તેલનો ઉપયોગ કરવાની પદ્ધતિ : તેલનો ઉપયોગ. ઘણા લોકો રસોઈ કરતી વખતે વધુ પડતા તેલનો ઉપયોગ કરે છે, જેનાથી ખોરાક ભારે અને બિનઆરોગ્યપ્રદ બને છે. હંમેશા તેલનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરો અને ધ્યાન રાખો કે ફરીથી ગરમ ન કરો અને એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરો. આનાથી હાનિકારક પદાર્થોનું નિર્માણ થઈ શકે છે.
દાળ રાંધવાની રીત : કઠોળ અને અનાજને રાંધતા પહેલા થોડા કલાકો સુધી પલાળી રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી તે ઝડપથી રાંધાય છે અને પચવામાં સરળ બને છે. ચણા કે મગ જેવા ફણગાવેલા કઠોળ વધુ પૌષ્ટિક હોય છે.
મસાલો કેટલો વાપરવો : બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે મસાલાનો યોગ્ય ઉપયોગ. વધુ પડતા મસાલા ઉમેરવાથી ખોરાક ભારે થઈ શકે છે. હળવા અને સંતુલિત મસાલાનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ અને સ્વસ્થ બંને બનાવે છે.
ફળો કે જ્યુસનું સેવન : આજકાલ લોકો જ્યુસ પીવાનું પસંદ કરે છે, પરંતુ ખરા ફાયદા આખા ફળો ખાવામાં રહેલ છે. આખા ફળોમાં ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને પાચન માટે સારું છે. તેથી, જ્યુસને બદલે ફળો ખાવા એ વધુ સારો વિકલ્પ છે.
બજારનું નહી ઘરનું વધુ ભોજન સ્વાસ્થ્ય માટે સારું
ભોજનમાં હંમેશા તાજો તૈયાર કરેલો ખોરાક ખાવો જોઈએ. ઘણા સમય પહેલા તૈયાર કરેલો અથવા ફરીથી ગરમ કરેલો ખોરાક પોષણમાં થોડો ઓછો હોઈ શકે છે. હોટલ અને રેસ્ટોરન્ટના ભોજનમાં અનેક વખત જીવાત પડયાના કિસ્સા સામે આવ્યા છે. લોકોને તાત્કાલિક સુવિધા આપવા હોટલોમાં અગાઉથી ભોજન રેડી રાખવામાં આવતું હોય છે. વધુ ગરમી અને ચોમાસામાં ભોજન લાંબો સમય રહેતા જલદી બગડી જાય છે. હોટલ અને રેસ્ટોરન્ટનું આવું ભોજન ખાઈ લોકોને ડાયરિયા અથવા વાયરલ બીમારીના શિકાર થાય છે. એટલે જ ઘરે આ સામાન્ય બાબતોનું ધ્યાન રાખી સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં આવે તો પરિવારના લોકો હોટલના ખાવાની જીદ કરશે નહી. સ્વાસ્થ્ય માટે બજારનું નહી ઘરનું વધુ ભોજન સારું છે.
આ પણ વાંચો : Lifestyle: ઘરની વસ્તુઓથી જ છોડને બનાવો હરિયાળા, જાણો અસરકારક દેશી નુસખાઓ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )