આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે અને પોતાના આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી રસોઈ કરવાની પદ્ધતિ જ તે ખોરાકને બિનઅસરકારક બનાવી શકે છે? ઘણીવાર આપણે શાકભાજી કે મસાલાને વધુ પડતા ઉકાળીએ છીએ અથવા ખૂબ ઊંચા તાપમાને રાંધીએ છીએ, જેના કારણે તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સનો નાશ થાય છે. ખોરાકની પોષણ ક્ષમતા જાળવી રાખવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે.

બ્રોકોલી: કાપ્યા પછી થોભવું જરૂરી

બ્રોકોલીમાં 'સલ્ફોરાફેન' નામનું અત્યંત શક્તિશાળી તત્વ હોય છે, જે સોજો ઘટાડવામાં અને મગજની સુરક્ષામાં મદદ કરે છે. મોટાભાગના લોકો બ્રોકોલી કાપ્યા પછી તરત જ તેને રાંધવા મૂકી દે છે, જે ભૂલભરેલું છે. બ્રોકોલીને કાપ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ખુલ્લી રહેવા દેવી જોઈએ. આમ કરવાથી તેમાં રહેલા એન્ઝાઇમ્સ સક્રિય થાય છે અને રાંધ્યા પછી પણ તેનું પોષણ જળવાઈ રહે છે.

હળદર અને કાળા મરીનો સંગમ

હળદરમાં રહેલું 'કર્ક્યુમિન' કેન્સર અને અન્ય રોગો સામે લડવામાં મદદ કરે છે. પરંતુ તકલીફ એ છે કે આપણું શરીર કર્ક્યુમિનને સીધું શોષી શકતું નથી. જો હળદરમાં ચપટી કાળા મરી ઉમેરવામાં આવે, તો તેમાં રહેલું 'પાઇપેરિન' હળદરના શોષણની ક્ષમતામાં 20 ગણો વધારો કરે છે. તેથી, માત્ર હળદરનો ઉપયોગ કરવાને બદલે તેને હંમેશા કાળા મરી સાથે વાપરવી જોઈએ.

ટામેટાં અને ઘી

ઘણા લોકો કાચા ટામેટાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ટામેટાંને રાંધીને ખાવા વધુ ફાયદાકારક છે. રાંધવાથી તેમાં 'લાઇકોપીન'નું પ્રમાણ વધે છે, જે હૃદય માટે અમૃત સમાન છે. લાઇકોપીન ચરબીમાં ઓગળતું હોવાથી, ટામેટાં રાંધતી વખતે તેમાં ઘી કે તેલ જેવી હેલ્ધી ફેટ ઉમેરવાથી તેનું શોષણ વધુ સારી રીતે થાય છે.
લસણ: 10 મિનિટનો નિયમ
લસણમાં રહેલું 'એલિસિન' રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લસણને કાપ્યા કે ક્રશ કર્યા પછી તરત જ ગરમ તેલમાં નાખવાથી એલિસિન નાશ પામે છે. સાચી રીત એ છે કે લસણને વાટ્યા કે કાપ્યા પછી 10 મિનિટ સુધી રહેવા દો, જેથી તેના રાસાયણિક સંયોજનો સક્રિય થાય અને ત્યારબાદ જ તેને વાનગીમાં ઉમેરો.
  • Follow us on: