આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. સવારથી રાત સુધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ પર સ્ક્રોલ કરવું એ એક સામાન્ય આદત બની ગઈ છે. જોકે, આ આદત ધીમે ધીમે આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. તાજેતરમાં જર્મનીના માનસિક સ્વાસ્થ્ય સંશોધન કેન્દ્રમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ તણાવ અને હતાશાનું મુખ્ય કારણ બની રહ્યો છે.


સંશોધનના ચોંકાવનારા પરિણામો

રિપોર્ટ પ્રમાણે 642 લોકો પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં લોકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પરિણામોમાં જાણવા મળ્યું કે જે લોકોએ દિવસમાં માત્ર 30 મિનિટ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કર્યો અને તે સમય શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત માટે ફાળવ્યો, તેમના મૂડ અને જીવન પ્રત્યેના સંતોષમાં મોટો સુધારો જોવા મળ્યો. ખાસ કરીને જેમણે સોશિયલ મીડિયા ઘટાડવાની સાથે કસરત વધારી, તેમનામાં ડિપ્રેશનના લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

સોશિયલ મીડિયાનું વ્યસન અને માનસિક અસરો

નિષ્ણાતોના મતે, સોશિયલ મીડિયા પર આવતી સતત નોટિફિકેશન અને બીજાના જીવન સાથેની સરખામણી વ્યક્તિમાં અસુરક્ષા અને ચિંતા પેદા કરે છે. સોશિયલ મીડિયા એક પ્રકારના વ્યસન જેવું કામ કરે છે, જે માનસિક થાક તરફ દોરી જાય છે. બીજી બાજુ, જ્યારે આપણે ચાલવું, દોડવું કે યોગ જેવી શારીરિક પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ મુક્ત થાય છે જે તણાવ ઘટાડે છે અને કુદરતી રીતે ઉર્જા વધારે છે.

લાંબા ગાળાના ફાયદા

આ અભ્યાસની સૌથી મહત્વની વાત એ હતી કે તેના ફાયદા લાંબા સમય સુધી ટકી રહ્યા હતા. પ્રયોગના છ મહિના પછી પણ, જે લોકોએ પોતાની દિનચર્યામાં આ ફેરફાર કર્યો હતો, તેઓ વધુ ખુશ અને સંતુષ્ટ જોવા મળ્યા હતા. શારીરિક પ્રવૃત્તિ માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ મજબૂત બનાવે છે.

આ પણ વાંચોઃ Hidden Place : ઋષિકેશ-મસૂરી ભૂલી જશો! હરિદ્વારથી માત્ર બે કલાક દૂર આવેલું છે આ 'સ્વર્ગ' જેવું સ્થળ

  • Follow us on: