બાળપણમાં પહાડોની મુસાફરી દરમિયાન ઘોડા, ખચ્ચર કે ઊંટ પર સવારી કરવી એ એક રોમાંચક અનુભવ લાગતો હતો. શાળાનું વેકેશન પડે અને આપણે કયાં ફરવા જઈશું તેને લઈને પ્લાનિંગ કરતા. રાજસ્થાન, શિમલા, મનાલી અને ચારધામ યાત્રામાં લોકો પ્રાણી પર સવારી કરી મુસાફરીનો આનંદ માણતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. પ્રાણીઓ પ્રત્યેની વધતી જાગૃતિ અને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પ્રાણીઓ પર સવારી કરવા માટે 'વજન મર્યાદા' નક્કી કરવામાં આવી છે. જો તમારું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હશે, તો તમને સવારી કરતા અટકાવી શકાય છે.


ભારે વજન પ્રાણીઓ માટે કેમ જોખમી?

વૈજ્ઞાનિકો અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓએ સાબિત કર્યું છે કે ક્ષમતા કરતા વધુ ભાર વહન કરવાથી પ્રાણીઓની કરોડરજ્જુમાં ખેંચાણ, સાંધાનો દુખાવો અને સ્નાયુઓને કાયમી નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોએ અલગ-અલગ પ્રાણીઓને લઈને તેમના ભાર વહન કરવાની ક્ષમતા નક્કી કરી. જેના બાદ ગ્રીસથી લઈને ભારતમાં પણ પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

  • ઘોડા: પોતાની ક્ષમતાના માત્ર 20 ટકા વજન જ સુરક્ષિત રીતે ઉપાડી શકે છે.
  • ગધેડા: આશરે 50 કિલો સુધીનું વજન વહન કરવા સક્ષમ હોય છે.
  • ઊંટ: મર્યાદિત વજન સાથે લાંબુ અંતર કાપી શકે છે, પણ વધુ ભાર તેમને બીમાર કરી શકે છે.

વિશ્વના દેશોમાં પર્યટન સ્થળોમાં કડક નિયમો

પર્યટન સ્થળો પર પ્રાણીઓના શોષણને રોકવા માટે વિદેશમાં કાયદા અત્યંત કડક બન્યા છે. ગ્રીસમાં 100 કિલોથી વધુ વજન ધરાવતી વ્યક્તિ ગધેડા પર સવારી કરી શકતી નથી. તો સ્પેનમાં વજનની મર્યાદા 80 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. જયારે જોર્ડનમાં પ્રાણીઓને થતી પીડા રોકવા માટે હવે ત્યાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ થયો છે.

જાણો ભારતમાં શું છે એનિમિલ એક્ટ

ભારતમાં 'પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960' હેઠળ પ્રાણીઓના રક્ષણ માટે જોગવાઈઓ છે. 2025માં સરકારે યાત્રાધામો (જેમ કે કેદારનાથ, અમરનાથ) માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. 

  • નવી મર્યાદા: ગધેડા માટે 25 કિલો, ટટ્ટુ માટે 50 કિલો અને ઘોડા/ખચ્ચર માટે 80-90 કિલો વજન નક્કી કરાયું છે.
  • કામના કલાકો: પ્રાણીઓ પાસે રાત્રે કામ કરાવવા પર પ્રતિબંધ છે અને તેમને પૂરતો આરામ આપવો ફરજિયાત છે.
  • આરોગ્ય તપાસ: બીમાર પ્રાણીઓનો ઉપયોગ કરવા પર સખત મનાઈ છે અને તેમની નિયમિત તબીબી તપાસ જરૂરી છે.

પ્રાણીઓ સુરક્ષા મામલે જાગૃતિનો અભાવ 

ચારધામ યાત્રા તેમજ દેશના ફેમસ પર્યટન સ્થળો પર પ્રાણીઓ પર રોમાંચક સફરનો લોકો આનંદ લેતા હોય છે. સરકાર દ્વારા પ્રાણીઓને સુરક્ષાને લઈને કડક નિયમો લાદવામાં આવ્યા છે. છતાં શિમલા, મસૂરી જેવા હિલ સ્ટેશનો કે રાજસ્થાનમાં ઊંટ સફારી દરમિયાન ઘણીવાર આ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. પ્રવાસીઓ પણ વજનની મર્યાદાને ગંભીરતાથી લેતા નથી. પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી એ માત્ર કાયદો નથી, પરંતુ આપણી નૈતિક જવાબદારી પણ છે.

  • Follow us on: