ભારતીય રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે મોટાભાગના લોકોએ ટ્રકની પાછળ રંગબેરંગી અક્ષરોમાં 'હોર્ન ઓકે પ્લીઝ' (Horn OK Please) લખેલું જોયું હશે. આ કોઈ એક કે બે ટ્રક પર નહીં, પરંતુ લગભગ દરેક માલવાહક વાહન પર જોવા મળતી સામાન્ય બાબત છે. આ લખાણ પાછળ કોઈ સરકારી નિયમ નથી, પરંતુ વાહન ચલાવતી વખતે સલામતી જાળવવાનો એક વ્યવહારુ રસ્તો છે.
ટ્રક ડ્રાઇવર ઓવરટેક કરવાની આપી શકે જગ્યા
પહેલાના સમયમાં ટ્રકોનું કદ મોટું હોવાથી અને પાછળના ભાગમાં વિઝિબિલિટી ઓછી હોવાથી, પાછળથી આવતા વાહનોને ઓવરટેક કરવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે ટ્રક ચાલકો પાછળ 'હોર્ન પ્લીઝ' લખાવતા જેથી પાછળનું વાહન હોર્ન વગાડીને પોતાની હાજરીની જાણ કરે અને ટ્રક ડ્રાઇવર તેને ઓવરટેક કરવાની જગ્યા આપી શકે.
વચ્ચે 'OK' કેમ લખવામાં આવે છે?
આ વાક્યનો સૌથી રસપ્રદ ભાગ તેની વચ્ચે રહેલો 'OK' શબ્દ છે. તેની ઉત્પત્તિ અંગે કોઈ સત્તાવાર પુરાવો નથી, પરંતુ અનેક લોકપ્રિય સિદ્ધાંતો પ્રચલિત છે:
દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય: એવું માનવામાં આવે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે ટ્રકોમાં કેરોસીનનું મિશ્રણ વપરાતું હતું, જેને 'On Kerosene' (OK) કહેવામાં આવતું હતું. આ ટ્રકો ખૂબ ધુમાડો કાઢતી હોવાથી પાછળના વાહનોને સાવચેત રહેવા માટે 'OK' લખવામાં આવતું હતું.
બ્રાન્ડ પ્રમોશન: એક અન્ય લોકપ્રિય માન્યતા મુજબ, ટાટા ઓઇલ મિલ્સ કંપનીએ 'OK' નામની ડિટર્જન્ટ બ્રાન્ડ શરૂ કરી હતી, જેના પ્રચાર માટે ટ્રકો પર 'OK' લખાવવામાં આવતું હતું.
ઓવરટેકિંગ સંકેત: ઘણા લોકો માને છે કે 'હોર્ન' અને 'પ્લીઝ' વચ્ચે 'OK' લખવાથી વાક્ય વિભાજિત થાય છે, જેનો અર્થ એ થાય કે જો રસ્તો સાફ હોય તો તમે ઓવરટેક કરી શકો છો.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિબંધ અને વર્તમાન સ્થિતિ
સમય જતાં આ સૂત્ર માત્ર એક સેફ્ટી ફીચર મટીને ભારતીય ટ્રકોની એક સાંસ્કૃતિક ઓળખ અને ક્રેઝ બની ગયું. જોકે, અતિશય હોર્ન વગાડવાથી થતા અવાજના પ્રદૂષણને (Noise Pollution) ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૫માં મહારાષ્ટ્ર સરકારના પરિવહન વિભાગે આ સૂત્રના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, આજે પણ ભારતીય રસ્તાઓ પર ફરતી ટ્રકો રંગબેરંગી કવિતાઓ અને આ લખાણ સાથે ચાલતી જોવા મળે છે.
આ પણ વાંચોઃ Vietnam માં ભરાય છે દુનિયાનું સૌથી અલગ પ્રેમ માર્કેટ, પોતાના એક્સ BF, GFને મળે છે લોકો