જ્યારે પણ આપણે ઘરે પિઝા મંગાવીએ છીએ, ત્યારે બોક્સ ખોલતા જ મધ્યમાં એક નાનકડું ત્રણ પાયાવાળું પ્લાસ્ટિકનું ટેબલ જોવા મળે છે. ઘણા લોકો તેને રમકડું કે સજાવટની વસ્તુ માનીને ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે પિઝાને પરફેક્ટ હાલતમાં તમારા સુધી પહોંચાડવા માટે આ નાનકડી વસ્તુ કેટલી મહત્વની છે?
પિઝા સેવરનું મુખ્ય કાર્ય
આ નાની ટેબલ જેવી વસ્તુને ટેકનિકલ ભાષામાં "પિઝા સેવર" (Pizza Saver) કહેવામાં આવે છે. તેને પિઝા ટેબલ કે પિઝા સ્ટૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કામ પિઝાના ગરમાગરમ ચીઝ અને ટોપિંગ્સને બચાવવાનું છે.
જ્યારે પિઝા ગરમ હોય છે, ત્યારે તેમાંથી વરાળ નીકળે છે, જેના કારણે પિઝાનું કાર્ડબોર્ડ બોક્સ નરમ પડી જાય છે. જો આ પિઝા સેવર ન હોય, તો બોક્સની ઉપરની બાજુ નમીને પિઝાના ચીઝ સાથે ચોંટી જાય છે. પરિણામે, જ્યારે તમે બોક્સ ખોલો છો, ત્યારે અડધું ચીઝ અને મસાલા બોક્સના ઢાંકણ પર ચોંટેલા જોવા મળે છે. પિઝા સેવર આ ઢાંકણને પિઝાથી દૂર રાખે છે, જેથી ડિલિવરી દરમિયાન પિઝાનો દેખાવ અને સ્વાદ જળવાઈ રહે છે.
પિઝાનો રસપ્રદ ઇતિહાસ
પિઝાના ઉદ્ભવ વિશે વાત કરીએ તો, તે 18મી કે 19મી સદીમાં ઇટાલીના નેપલ્સ શહેરમાંથી શરૂ થયો હતો. તે સમયે નેપલ્સના શ્રમિક વર્ગ માટે તે એક સસ્તું, ઝડપી અને સ્વાદિષ્ટ ભોજન હતું. 1940ના દાયકામાં ઇટાલિયન શરણાર્થીઓ આ વાનગીને અમેરિકા લઈ ગયા.
અમેરિકન સૈનિકોને વળગ્યો હતો પિઝાનો સ્વાદ
ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીમાં રહેલા અમેરિકન સૈનિકો જ્યારે પરત ફર્યા, ત્યારે તેમને પિઝાનો સ્વાદ એટલો વળગ્યો હતો કે અમેરિકામાં પિઝાની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ. આજે 21મી સદીમાં પિઝા એક વૈશ્વિક ફૂડ બની ચૂક્યું છે, પરંતુ આ નાનકડું પ્લાસ્ટિક ટેબલ આજે પણ તેને સુરક્ષિત રાખવાનું મહત્વનું કામ કરી રહ્યું છે.
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ, આ માત્ર તમારી જાણ માટે છે.
