આજની ભાગદોડ ભરી અને વ્યસ્ત જિંદગીમાં મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી અને તણાવપૂર્ણ બની ગઈ છે. અનિયમિત દિનચર્યા, ખરાબ ખાનપાન અને ડિજિટલ ડિસ્ટ્રેક્શન (મોબાઈલની લત) ના કારણે લોકો માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છે. આવા સમયે સવાલ એ થાય કે શું આપણે માત્ર 90 દિવસમાં આપણી જિંદગીને ફરીથી સુંદર અને હેલ્ધી બનાવી શકીએ?
આ સવાલનો જવાબ તાજેતરમાં વેલનેસ કોચ સૌમ્યા રાજેન્દ્ર પ્રસાદે એક વીડિયો પોસ્ટ કરીને આપ્યો છે. 35 વર્ષની ઉંમરે પોતાની જિંદગીને ફરીથી ટ્રેક પર લાવવા માટે તેમણે 90 દિવસનો 'લાઈફ રિસેટ ચેલેન્જ' (Life Reset Challenge) શરૂ કર્યો છે. આ ચેલેન્જ અંતર્ગત તેઓ 11 એવી આદતોને રોજિંદા જીવનમાં સામેલ કરી રહ્યા છે, જે લાંબા ગાળે અદ્ભુત પરિણામ આપી શકે છે. ચાલો જાણીએ આ 11 લાઈફ ચેન્જિંગ હેબિટ્સ વિશે:
જિંદગી બદલી નાખનારી 11 મહત્વની આદતો:
1. ડિજિટલ ડિટોક્સથી દિવસની શરૂઆત: સવારે ઉઠ્યા પછી પ્રથમ 30 મિનિટ સુધી ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો. આ આદત માનસિક ફોકસ વધારવામાં મદદ કરે છે.
2. રોજ 10 હજાર ડગલાં ચાલવું: શારીરિક ફિટનેસ જાળવી રાખવા માટે રોજ 7 થી 10 હજાર ડગલાં ચાલવું અથવા 1 કલાક વર્કઆઉટ કરવું જરૂરી છે, જેનાથી એનર્જી લેવલ બુસ્ટ થાય છે.
3. પ્રોટીનયુક્ત નાસ્તો: દિવસની શરૂઆત કંઈપણ આડુંઅવળું ખાવાને બદલે પ્રોટીનથી ભરપૂર હેલ્ધી નાસ્તા સાથે કરવી, જેથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
4. પૂરતું પાણી પીવું: શરીરને હાઇડ્રેટ રાખવા અને પાચનક્રિયા સુધારવા માટે દિવસભર દરમિયાન ઓછામાં ઓછું 2.5 લીટર પાણી પીવાની આદત પાડવી.
5. પોઝિટિવ અફર્મેશન (હકારાત્મક વિચારો): આત્મવિશ્વાસ વધારવા માટે સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતા પહેલા માત્ર પોઝિટિવ વાતો જ વિચારવી અને બોલવી.
6. આખો દિવસ શરીરને એક્ટિવ રાખવું: કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાને બદલે ઓફિસમાં કે ઘરે કામની વચ્ચે થોડું ચાલતા રહેવું.
"નાની-નાની પરંતુ નિયમિત આદતો લાંબા ગાળે જીવનમાં ખૂબ મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે."
7. હેલ્ધી મીલ પ્રિપેરેશન: જંક ફૂડ ખાવાથી બચવા માટે આગલી રાત્રે જ બીજા દિવસના હેલ્ધી ભોજનનું પ્લાનિંગ કે તૈયારી કરી લેવી.
8. રોજ કંઈક નવું શીખવું: પર્સનલ અને કરિયર ગ્રોથ માટે આખા દિવસમાંથી 30 થી 45 મિનિટનો સમય કોઈ નવી સ્કિલ કે જ્ઞાન મેળવવા પાછળ ખર્ચવો.
9. ડિસિપ્લિન સાથે ઓફિસ વર્ક: કામમાં પ્રોડક્ટિવિટી વધારવા માટે 8 થી 9 કલાક પૂરી લગન અને શિસ્ત સાથે ઓફિસનું કામ કરવું.
10. શુગરી ડ્રિંક્સને 'ના' કહેવું: ખાંડવાળી ચા, કોફી કે કોલ્ડ્રિંક્સને ડાયટમાંથી સંપૂર્ણપણે હટાવી દેવા. સૌમ્યાએ પણ ચા છોડીને ગ્રીન-ટી પીવાનું શરૂ કર્યું છે.
11. રોજ કંઈક નવું ક્રિએટ કરવું: સોશિયલ મીડિયા માટે રોજ એક નવું કન્ટેન્ટ કે કંઈક ક્રિએટિવ બનાવવું. ભલે કોઈ જુએ કે ન જુએ, પરંતુ આ આદત તમારી ક્રિએટિવિટી અને સ્કિલને ધારદાર બનાવશે.
આ પણ વાંચો:US : ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક 'SACRED Act' રજૂ કરાયો