આજકાલ સોશિયલ મીડિયા અને મિત્રો વચ્ચે એક વાત ખૂબ પ્રચલિત છે કે દરરોજ હેલ્મેટ પહેરવાથી વાળ ખરે છે. જોકે, હકીકત થોડી અલગ છે. હેલ્મેટ પોતે સીધી રીતે વાળ ખરવાનું કારણ નથી, પરંતુ તેને પહેરવાની ખોટી પદ્ધતિ અને માથાની સ્વચ્છતાનો અભાવ વાળના મૂળને ચોક્કસપણે નબળા બનાવી શકે છે.
વાળ કેમ ખરે છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે લાંબો સમય સુધી હેલ્મેટ પહેરીએ છીએ, ત્યારે માથાની ચામડી (Scalp) પર હવા પહોંચતી નથી. આનાથી પરસેવો થાય છે અને ભેજ જમા થાય છે. જો આ પરસેવો લાંબો સમય માથામાં રહે, તો તે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખોડો (Dandruff) પેદા કરે છે, જે વાળના મૂળને નબળા પાડે છે. વધુમાં, હેલ્મેટ જો ખૂબ જ ટાઈટ હોય, તો તે વાળ પર દબાણ લાવે છે જેને 'ટ્રેક્શન એલોપેસીયા' કહેવાય છે. વારંવાર હેલ્મેટ પહેરવા અને ઉતારતી વખતે થતા ઘર્ષણને કારણે પણ વાળ તૂટી શકે છે.
વાળને સુરક્ષિત રાખવાના અસરકારક ઉપાયો
કોટન રૂમાલ કે કેપનો ઉપયોગ: હેલ્મેટ પહેરતા પહેલા માથા પર સુતરાઉ (કોટન) રૂમાલ અથવા સર્જિકલ કેપ પહેરો. આનાથી પરસેવો શોષાઈ જશે અને હેલ્મેટનું સીધું ઘર્ષણ વાળ સાથે થશે નહીં.
ભીના વાળમાં ભૂલ ન કરો: સ્નાન કર્યા પછી તરત જ કે ભીના વાળમાં હેલ્મેટ ક્યારેય ન પહેરો. ભીના વાળના મૂળ અત્યંત નબળા હોય છે અને હેલ્મેટના દબાણથી તે સરળતાથી ખરી શકે છે.
હેલ્મેટની સફાઈ: આપણે હેલ્મેટ બહારથી સાફ કરીએ છીએ પણ અંદરથી નહીં. હેલ્મેટની અંદરની ગાદી (Padding) માં પરસેવો અને ગંદકી જમા થાય છે. તેને નિયમિત અંતરે સાફ કરવી અથવા ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રેનો ઉપયોગ કરવો જરૂરી છે.
યોગ્ય ફિટિંગ: હેલ્મેટ હંમેશા તમારા માથાના માપ મુજબનું હોવું જોઈએ. તે બહુ ઢીલું પણ ન હોવું જોઈએ. જેથી સુરક્ષા સચવાય અને એટલું ટાઈટ પણ ન હોવું જોઈએ કે લોહીનું પરિભ્રમણ અટકી જાય.
આ પણ વાંચોઃ Home Pedicure Tips: પાર્લર જેવું પેડિક્યોર હવે ઘરે કરો,એક પણ રૂપિયાનો નહીં થાય ખર્ચ!