જીન્સ એ માત્ર કપડાંનો ટુકડો નથી, પણ સ્ટાઇલ અને આરામનો પર્યાય છે. ઓફિસ હોય કે કેઝ્યુઅલ મીટિંગ, જીન્સ હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. જોકે, જીન્સના મજબૂત કાપડ (ડેનિમ) ને કારણે ઘણા લોકો તેને ગમે તેમ ધોતા હોય છે, જેનાથી તેનો રંગ ઝાંખો પડી જાય છે અને ફિટિંગ બગડે છે. ખરેખર જીન્સને ક્યારે અને કેવી રીતે ધોવા જોઈએ, તે સમજવું ખૂબ જરૂરી છે.

તમારે જીન્સ કેટલી વાર ધોવા જોઈએ?

ફેશન નિષ્ણાતોના મતે, જીન્સને વારંવાર ધોવા હિતાવહ નથી. પ્રખ્યાત બ્રિટિશ ફેશન ડિઝાઇનર ટેન ફ્રાન્સ તો દર 20 વાર પહેર્યા પછી જીન્સ ધોવાની સલાહ આપે છે. સામાન્ય સંજોગોમાં જો તમે એસી ઓફિસમાં કામ કરો છો, તો 10 થી 12 વાર પહેર્યા પછી ધોવા પૂરતા છે. ઉનાળામાં કે પરસેવો વધુ થતો હોય ત્યારે 2 3 વાર પહેર્યા પછી ધોવા જોઈએ, જ્યારે શિયાળામાં તમે 7 8 વાર પહેર્યા પછી ધોઈ શકો છો. ટૂંકમાં, જીન્સમાં જ્યાં સુધી દેખીતી ગંદકી કે ગંધ ન આવે ત્યાં સુધી તેને ધોવાનું ટાળવું જોઈએ.

જીન્સ ધોતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો

તમારા જીન્સને લાંબા સમય સુધી નવા જેવા રાખવા માટે નીચેની ટિપ્સ અનુસરો.

1. જીન્સને ઉંધા કરીને ધોવો: જીન્સને વોશિંગ મશીન કે હાથથી ધોતા પહેલા હંમેશા અંદરનો ભાગ બહાર (Inside-out) કરી નાખો. આનાથી ડિટર્જન્ટ અને પાણી સીધા બહારના રંગના સંપર્કમાં નથી આવતા અને રંગ જળવાઈ રહે છે.

2. ઠંડા પાણીનો આગ્રહ: ગરમ પાણી ડેનિમના રેસાને નુકસાન પહોંચાડી શકે છે અને જીન્સ સંકોચાઈ શકે છે. હંમેશા ઠંડા અથવા નવશેકા પાણીનો જ ઉપયોગ કરો.

3. માઈલ્ડ ડિટર્જન્ટ: કઠોર કેમિકલવાળા પાવડરને બદલે હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરો. તેનાથી કાપડ ખરબચડું નથી થતું અને ચમક જળવાય છે.

4. સૂકવવાની સાચી રીત: જીન્સને ક્યારેય ધોમધખતા સૂર્યપ્રકાશમાં ન સૂકવવા. સીધો તડકો રંગને ઝડપથી ઉડાડી દે છે. તેને છાંયડામાં અથવા જ્યાં હવાની અવરજવર વધુ હોય ત્યાં સુકવવા જોઈએ.

આ પણ વાંચોઃ Summer Hair Care: શેમ્પૂ કર્યા વિના આ ટિપ્સથી મિનિટોમાં તમારાં ચિકણા વાળ સ્વચ્છ અને ફ્રેશ લાગશે