લીવર આપણા શરીરનું અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. તે લોહીને શુદ્ધ કરવું, ઝેરી તત્વોને બહાર કાઢવું અને ખોરાકમાંથી ઊર્જા બનાવવાની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ બદલાતી જીવનશૈલી, વધુ ખાંડયુક્ત આહાર અને બિનઆરોગ્યપ્રદ પીણાંના વધતા સેવનને કારણે ફેટી લીવરની સમસ્યા ઝડપથી વધી રહી છે.
ડોક્ટરો ચેતવણી શું આપી ?
ડોકટરો ચેતવણી આપે છે કે જો ફેટી લીવર ધરાવતા લોકો સમયસર સાવચેતી ન રાખે, તો આ સ્થિતિ લીવર ડેમેજ, બળતરા અને અંતે લીવર સિરોસિસ જેવી જીવલેણ બીમારી તરફ દોરી શકે છે. ખાસ કરીને કેટલાક પીણાં એવા છે, જે લીવર પર સીધો પ્રભાવ પાડે છે અને સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેટી લીવર ધરાવતા દર્દીઓએ નીચે જણાવેલા ત્રણ પીણાંથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ.
1. સોફ્ટ ડ્રિંક્સ / કોલ્ડ ડ્રિંક્સ
સોડા અને કોલ્ડ ડ્રિંક્સ આજકાલ લોકોના રોંજીંદા જીવનનો ભાગ બની ગયા છે. ગરમીમાં તરસ છુપવા, ભોજન સાથે અથવા તાજગી માટે લોકો વારંવાર તેનો સહારો લે છે. પરંતુ આ પીણાંમાં ફ્રુક્ટોઝ અને વધારાની ખાંડનું પ્રમાણ અત્યંત વધારે હોય છે.
લીવર એક જ સમયે એટલી મોટી માત્રામાં ખાંડને પચાવી શકતું નથી. પરિણામે, આ ખાંડ સીધા ચરબીમાં રૂપાંતરિત થાય છે અને લીવરમાં જમા થવા લાગે છે. આ ચરબી બળતરા વધારે છે અને લીવર કોષોને નુકસાન પહોંચાડે છે, જે આગળ જઈને ફેટી લીવરથી સિરોસિસનો ખતરો ઊભો કરે છે.
2. એનર્જી ડ્રિંક્સ
એનર્જી ડ્રિંક્સ તરત ઊર્જા આપે છે એવો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં તેમાં ફ્રુક્ટોઝ, કૃત્રિમ ખાંડ અને અન્ય રાસાયણિક તત્વોનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. ફ્રુક્ટોઝને પ્રોસેસ કરવાની જવાબદારી માત્ર લીવર પર હોય છે. જ્યારે વારંવાર ખાંડયુક્ત એનર્જી ડ્રિંક્સ પીવામાં આવે છે, ત્યારે લીવર વધારાની ખાંડને ચરબીમાં ફેરવે છે. આ ચરબી લીવર કોષોની આસપાસ એકઠી થાય છે અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) તરફ દોરી જાય છે, જે સમય જતાં લીવર સિરોસિસમાં ફેરવાઈ શકે છે.
3. બબલ ટી
છેલ્લાં કેટલાક વર્ષોમાં બબલ ટી યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની છે. પરંતુ બબલ ટીમાં મોટા પ્રમાણમાં સીરપ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડનો ઉપયોગ થાય છે. તેમાં રહેલા ફ્રુક્ટોઝને માત્ર લીવર જ પચાવી શકે છે. જ્યારે એકસાથે એટલી મોટી માત્રામાં ખાંડ શરીરમાં જાય છે, ત્યારે લીવર તેને સંભાળી શકતું નથી અને તરત જ ચરબીમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે. પરિણામે, નોન-આલ્કોહોલિક ફેટી લીવર ઝડપથી વિકસે છે અને લીવર ડેમેજનો જોખમ વધી જાય છે.
આ પણ વાંચો : Lifestyle : દૂધ, બ્લેક કે લીલી ચા, જાણો કઈ ચા સ્વાસ્થ્ય માટે સારી છે?