સુંદર અને મજબૂત વાળ માત્ર સ્ત્રીઓ જ નહીં, પણ પુરુષોના વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે છે. જોકે, આજની પ્રદૂષિત જીવનશૈલી અને કેમિકલના અતિશય ઉપયોગને કારણે વાળ ખરવા અને તેની વૃદ્ધિ અટકી જવી એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. નિષ્ણાતોના મતે, વાળને બહારથી પ્રોડક્ટ્સ લગાવવા કરતા અંદરથી પોષણ આપવું વધુ અસરકારક છે. આ માટે અળસી (Flaxseeds), ચિયા (Chia Seeds) અને કદ્દૂના બીજ (Pumpkin Seeds) વરદાન સમાન સાબિત થઈ શકે છે.

1. કદ્દૂના બીજ (Pumpkin Seeds)

કદ્દૂના બીજ ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન અને પ્રોટીનનો ભંડાર છે. આ તત્વો વાળના મૂળને મજબૂત કરે છે અને નવા વાળ ઉગાડવામાં મદદરૂપ થાય છે. તમે તેને હળવા રોસ્ટ કરીને નાસ્તામાં અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.

2. અળસીના બીજ (Flaxseeds)

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે સ્કાલ્પના સોજા ઘટાડે છે અને વાળના રોમછિદ્રોને જરૂરી પોષણ પૂરું પાડે છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ વાળને ચમકદાર બનાવે છે. તેને પીસીને સ્મૂધી કે દહીંમાં મિક્સ કરીને લેવાથી જલ્દી ફાયદો થાય છે.

3. ચિયા સીડ્સ (Chia Seeds)

ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, પણ વાળની લંબાઈ વધારવા માટે પણ શ્રેષ્ઠ છે. તેમાં રહેલું પ્રોટીન અને ફાઈબર વાળને તૂટતા અટકાવે છે. રાત્રે પાણીમાં પલાળેલા ચિયા સીડ્સ સવારે પીવાથી કે નાસ્તામાં લેવાથી બ્લડ ફ્લો વધે છે અને વાળ ઘાટા બને છે.