ભારતીય થાળી દાળ વગર અધૂરી છે. મગ, અડદ, તુવેર કે ચણા - દરેક દાળમાં પ્રોટીન અને ફાઈબરનો ભરપૂર ખજાનો હોય છે. જો કે, મોટાભાગના લોકો દાળને સીધી કૂકરમાં રાંધવા મૂકી દે છે. પરંતુ નિષ્ણાંતોના મતે દાળને પલાળ્યા વગર રાંધવાથી તેના પોષક તત્વોનો પૂરો લાભ મળતો નથી અને પાચનની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
દાળ પલાળવી કેમ અનિવાર્ય છે?
દાળમાં 'ફાયટીક એસિડ' નામનું એન્ટિ-ન્યુટ્રિઅન્ટ હોય છે, જે શરીરમાં આયર્ન, કેલ્શિયમ અને ઝીંક જેવા ખનિજોના શોષણને અટકાવે છે. જ્યારે આપણે દાળને પલાળીએ છીએ, ત્યારે આ એસિડનું પ્રમાણ ઘટે છે અને પોષક તત્વો વધુ સુપાચ્ય બને છે. આ ઉપરાંત, પલાળવાથી દાળમાં રહેલા ઉત્સેચકો સક્રિય થાય છે, જે ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવી સામાન્ય ફરિયાદોને દૂર કરે છે.
કઈ દાળ માટે કેટલો સમય યોગ્ય?
દરેક દાળની પ્રકૃતિ અલગ હોય છે, તેથી તેનો પલાળવાનો સમય પણ અલગ-અલગ હોય છે:
આખા લીલા મગ: તેને પચવામાં અને રાંધવામાં વધુ સમય લાગે છે, તેથી તેને 6 થી 8 કલાક પલાળવા જોઈએ.
ચણાની દાળ: ચણા પેટ પર ભારે પડી શકે છે, તેને પણ 6 થી 8 કલાક પલાળવાથી તે હળવી બને છે.
કાળી અડદની દાળ: સૌથી વધુ ભારે મનાતી આ દાળને 8 થી 10 કલાક પલાળવી હિતાવહ છે.
તુવેર દાળ: રોજિંદા વપરાશની તુવેર દાળને 2 થી 3 કલાક પલાળવી જોઈએ જેથી પોષક તત્વો જળવાઈ રહે.
મગની ફોતરા વાળી દાળ: આ દાળ 2 થી 4 કલાકમાં તૈયાર થઈ જાય છે.
પીળી મગની દાળ અને મસૂર દાળ: આ દાળ ઝડપથી રાંધતી હોવા છતાં, પાચન સુધારવા માટે તેને 30 મિનિટ થી 2 કલાક પલાળવી જોઈએ.
