બાળકોને મેગી મસાલાનો સ્વાદ એટલો બધો ગમે છે કે તેઓ દરેક શાકભાજી કે વાનગીમાં બસ આ જ ટેસ્ટ ઈચ્છે છે. બાળકોની આ જીદ પૂરી કરવા માટે તમારે પણ બજારમાંથી ₹5-5 વાળા ઘણા પેકેટો ખરીદીને ઘરમાં રાખવા પડે છે. જોકે, વારંવારના આ ખર્ચથી ઘરનું બજેટ ચોક્કસપણે વધે છે. જો તમે પણ બજારના મેગી મસાલા ખરીદીને કંટાળી ગયા છો, તો હવે ચિંતા છોડો! બજાર જેવો મેગી મસાલા બનાવવાની એક પરફેક્ટ અને સિક્રેટ રેસીપી શેર કરી રહ્યા છીએ. જાણી લો  હેલ્ધી અને ટેસ્ટી મેગી મસાલો ઘરે બનાવવાની રીત.

મેગી મસાલા માટે સામગ્રી

શેકેવાના (આખા મસાલા) મસાલા: આખા ધાણા અડધો કપ, આખું જીરું ૧ મોટી ચમચી, આખી વરિયાળી ૧ મોટી ચમચી, મેથીના દાણા અડધી ચમચી, આખા કાળા મરી ૪૦ નંગ, સૂકું આદુ (સૂંઠ): અડધો ઇંચનો ટુકડો (અથવા અડધી ચમચી સૂંઠ પાવડર), લવિંગ: ૫ નંગ, મોટી કાળી એલચી: ૧ નંગ, નાની લીલી એલચી: ૩ નંગ, મગફળીના દાણા: ૧૦ નંગ, તજનો ટુકડો: ૨ ઇંચની લાકડી, તમાલપત્ર: ૩-૪ નાના 

પાવડર મસાલા : કાશ્મીરી લાલ મરચું પાવડર: ૧ મોટી ચમચી, હળદર પાવડર: ૧ મોટી ચમચી, આમચૂર પાવડર: ૧ મોટી ચમચી, લસણ પાવડર દોઢ ચમચી, ડુંગળી પાવડર દોઢ ચમચી, કોર્નફ્લોર ૨ મોટી ચમચી, ઘઉંનો લોટ દોઢ ચમચી, ખાંડ: ૧ ચમચી, મીઠું: ૨ મોટી ચમચી, સૂકા સુંગધી પાનનો પાવડર, અજીનોમોટો ૧ ચમચી

મેગી મસાલો બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

  • સૌપ્રથમ એક પેન અથવા કડાઈ લો. તેમાં 'આખા મસાલા'ની યાદીમાં આપેલી તમામ સામગ્રી ઉમેરો અને ધીમા તાપે સૂકા શેકી લો. મસાલામાંથી સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
  • શેકેલા આખા મસાલાને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણ રીતે ઠંડા થવા દો. ઠંડા થયા પછી આ મસાલા એકદમ ક્રિસ્પી અને કડક થઈ જશે, જેથી તે સરળતાથી પીસાઈ જશે.
  • હવે આ ઠંડા થયેલા આખા મસાલાને મિક્સરના ગ્રાઇન્ડર જારમાં ઉમેરીને તેનો એકદમ બારીક (ફાઇન) પાવડર બનાવી લો.
  • આ તૈયાર થયેલા પાવડરની અંદર જ હવે ઉપર જણાવેલી તમામ 'પાવડર મસાલા'ની સામગ્રી (જેમ કે લસણ-ડુંગળી પાવડર, હળદર, મરચું, કોર્નફ્લોર, ખાંડ, મીઠું વગેરે) ઉમેરી દો.
  • બધી સામગ્રી મિક્સર જારમાં ઉમેર્યા પછી ફરીથી મિક્સરને ૪ થી ૫ સેકન્ડ માટે સરસ રીતે ફેરવી (બ્લેન્ડ કરી) લો, જેથી બધા મસાલા એકબીજા સાથે એકરસ થઈ જાય.

મેગી મસાલો સાચવવાની ટીપ્સ

બજાર જેવો જ સુગંધિત, સ્વાદિષ્ટ અને પરફેક્ટ હોમમેઇડ મેગી મેજિક મસાલો તૈયાર છે! તેને એક કાચની હવાચુસ્ત (Air-tight) બરણીમાં ભરીને સ્ટોર કરી લો. હવે જ્યારે પણ બાળકો માટે શાકભાજી, નૂડલ્સ કે પાસ્તા બનાવો, ત્યારે આ મસાલો ઉમેરીને વાનગીનો સ્વાદ બમણો કરો.


આ પણ વાંચો : Protein Myths: પ્રોટીન વિશેની માન્યતા અંગે શુ કહે છે નિષ્ણાંતો?, જાણો