ગરમીમાં શાકભાજીનો સ્વાદ ફિક્કો લાગે છે. મોટાભાગે લોકો સવારે કેરીનો રસ સાથે વિવિધ પ્રકારના કોરા શાક બનાવે છે. પરંતુ જયારે રાત્રિના ડિનરની આવે ત્યારે શું બનાવું તેને લઈને મહિલાઓને મૂંઝવણ રહે છે. ઉનાળામાં ડિનરમાં તમે દૂધીનું આ ટેસ્ટી શાક બનાવી શકો છો. દૂધીનું ભડથું (ઓળો) એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાઠિયાવાડી વાનગી છે.

દૂધીનું ભડથું બનાવવા માટેની સામગ્રી

  • 1 મધ્યમ કદનો દૂધી (છીણેલું)
  • 1 ડુંગળી (બારીક સમારેલી)
  • 2 ટામેટાં (બારીક સમારેલા)
  • 2-3 લીલા મરચાં (ઝીણા સમારેલા)
  • 4-5 લસણની કળી (સમારેલી)
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી તેલ
  • કોથમીરના પાન (સજાવટ માટે)

દૂધીનું ભડથું બનાવવાની રીત

સ્વાદિષ્ટ કાઠિયાવાડી આ શાક બનાવવા સૌ પ્રથમ દૂધીને છોલીને, છીણી લો અને તેને હળવા હાથે નિચોવી લો. પછી તપેલીમાં થોડું પાણી ઉમેરી દૂધીને 8-10 મિનિટ સુધી રાંધો, પછી વધારાનું પાણી કાઢી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરો, પછી લસણ અને લીલા મરચાં ઉમેરો અને હળવા હાથે સાંતળો. ડુંગળી ઉમેરયા પછી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો. પછી તેમાં હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે રાંધેલા દૂધી ઉમેરી 5-7 મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરી લો. છેલ્લે આ શાકભાજીના લુક આકર્ષક બનાવવા કોથમીરથી સજાવો. દૂધી, ટામેટા, ડુંગળી અને લસણના વઘાર સાથે બનતું આ શાક રોટલા કે ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે. તે બનાવવા માટે દૂધીને બાફીને અથવા સીધી વઘારમાં સાંતળીને તૈયાર કરી શકાય છે.

ગરમીમાં કેમ ખાવું જોઈએ દૂધીનું શાક

દૂધીને ઘણીવાર એક સાદી શાકભાજી માનવામાં આવે છે, પરંતુ જ્યારે મસાલા સાથે શેકવામાં આવે છે, ત્યારે તે ખરેખર અસાધારણ સ્વાદ લે છે. આ રેસીપીમાં ઓછા તેલનો ઉપયોગ થાય છે, જે તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે. દૂધી ઉનાળામાં શરીરને ઠંડુ પાડે છે અને પાચનમાં સુધારો કરે છે. તેને રોટલી, પરાઠા અથવા ભાત સાથે પીરસી શકાય છે. આ વાનગી દરેકને પસંદ આવે છે.


આ પણ વાંચો : Lifestyle : શું ઉનાળામાં ગરમ ચા શરીરને ઠંડક આપે છે, જાણો હકીકત

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )