આજના વ્યસ્ત જીવનમાં ઇલેક્ટ્રિક કેટલ ગરમ પાણી કે ચા માટે અનિવાર્ય બની ગઈ છે. જોકે, વારંવાર ઉપયોગ કરવાથી પાણીમાં રહેલા મિનરલ્સ કેટલના તળિયે સફેદ પથ્થર જેવી પરત જમાવી દે છે, જેને 'લાઇમસ્કેલ' કહેવામાં આવે છે. આ ક્ષારને કારણે કેટલ પાણી ગરમ કરવામાં વધુ સમય લે છે અને તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. ઘણા લોકો તેને વિનેગર (સરકો) થી સાફ કરે છે, પરંતુ તેની ઉગ્ર ગંધ લાંબા સમય સુધી જતી નથી. આવા સમયે સાઇટ્રિક એસિડ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે.
સાઇટ્રિક એસિડ જ કેમ?
સાઇટ્રિક એસિડ એ લીંબુનો કુદરતી અર્ક છે જે પાવડર સ્વરૂપે બજારમાં કે ઓનલાઇન સરળતાથી મળે છે. તે ક્ષારને જડમૂળથી ઉખાડી ફેંકે છે અને તેની કોઈ ખરાબ ગંધ પણ આવતી નથી.
સાફ કરવાની રીત (Step-by-Step):
કેટલમાં એટલું પાણી ભરો કે અંદર જમા થયેલો તમામ ક્ષાર તેમાં ડૂબી જાય. હવે સ્વીચ ચાલુ કરી પાણીને બરાબર ઉકાળો.પાણી ઉકળી જાય એટલે કેટલ બંધ કરી દો. હવે આ ગરમ પાણીમાં 1 થી 2 મોટા ચમચા સાઇટ્રિક એસિડ પાવડર નાખો.જ્યારે એસિડ અને ક્ષાર વચ્ચે પ્રતિક્રિયા થશે ત્યારે પાણીમાં પરપોટા દેખાશે. કેટલને 15-20 મિનિટ સુધી એમ જ રહેવા દો. કોઈ પણ વસ્તુથી અંદર ઘસવાની જરૂર નથી. ક્ષાર ઓગળી જાય એટલે પાણી ફેંકી દો અને કેટલને સાદા પાણીથી ધોઈ લો. છેલ્લે એક વાર ચોખ્ખું પાણી ભરીને ફરી ઉકાળો અને તે પાણી ફેંકી દો. તમારી કેટલ અંદરથી નવી જેવી ચમકવા લાગશે.
સુરક્ષા માટેની સાવચેતીઓ:
સફાઈ કરતા પહેલા હંમેશા પ્લગ કાઢી નાખો જેથી શોર્ટ સર્કિટ કે કરંટનો ભય ન રહે.
ગરમ પાણી અને એસિડના ઉપયોગ દરમિયાન બાળકોને દૂર રાખો.
કેટલના બહારના ઇલેક્ટ્રિક પોઇન્ટ પર પાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
નિયમિત અંતરે આ રીતે સફાઈ કરવાથી તમારી કેટલનું આયુષ્ય વધશે અને તે વીજળીની પણ બચત કરશે.
આ પણ વાંચોઃ Lifestyle: લાંબા અને ઘટ્ટ વાળનું રહસ્ય, ડાયેટમાં સામેલ કરો આ 3 પાવરફુલ બીજ, બુલેટની ગતિએ વધશે લંબાઈ