ચોમાસામાં વરસાદની સાથે ઠંડા પવનો વાતાવરણને રોમાંચક બનાવે છે. પરંતુ વરસાદ પોતાની સાથે શરદી, ખાંસી, વાયરલ તાવ અને મોસમી ચેપ (Infections) નું જોખમ પણ વધારી જાય છે. આ જ કારણ છે કે ચોમાસામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને ઇમ્યુનિટી વધારવા માટે લોકો કુદરતી ઘરેલુ પીણાંનો આશરો લે છે. ભારતીય ઘરોમાં પેઢીઓથી પીવાતી આદુ-હળદરની ચા ચોમાસા માટે એક ઉત્તમ અને શક્તિશાળી હર્બલ ડ્રિંક છે. ચાલો જાણીએ આ કેફીન-મુક્ત ચાના ફાયદા અને તેને બનાવવાની સાચી રીત.

સામાન્ય ચા કરતાં કેવી રીતે અલગ છે આ હર્બલ ચા?

આપણે રોજ જે દૂધ, ખાંડ અને ચાની પત્તીવાળી નિયમિત ચા પીએ છીએ, તેના કરતાં આ આદુ-હળદરની ચા તદ્દન અલગ છે. આ એક શુદ્ધ હર્બલ ઉકાળો છે, જેમાં ચાના પાનનો ઉપયોગ થતો નથી. આથી તે કુદરતી રીતે કેફીન-મુક્ત (Caffeine-free) છે. જે લોકો કેફીનનું સેવન ઓછું કરવા માંગે છે તેમના માટે આ એક હેલ્ધી અને હળવો વિકલ્પ છે.

આદુ-હળદરની ચા પીવાના મુખ્ય ફાયદા

ઇમ્યુનિટી બૂસ્ટર: આદુમાં ‘જીંજરોલ’ અને હળદરમાં ‘કર્ક્યુમિન’ નામના શક્તિશાળી તત્વો હોય છે. આ બંને કુદરતી સંયોજનો એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

પાચનશક્તિમાં સુધારો: આદુ ચોમાસામાં થતા પેટના રોગો, અપચો, ઉબકા અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે.

ગળાની ખરાશ અને શ્વસનતંત્ર માટે ગુણકારી: વરસાદમાં થતી શરદી-સુરખાબ અને ગળાની બળતરાને શાંત કરવામાં આ ચા રામબાણ ઈલાજ સાબિત થાય છે.

ગુણોનું શોષણ વધારે છે કાળા મરી: આ ચામાં ઉમેરવામાં આવતા કાળા મરી હળદરમાં રહેલા ‘કર્ક્યુમિન’ને શરીરમાં સરળતાથી પચવામાં અને શોષાવવામાં મદદ કરે છે.

લો-કેલરી ડ્રિંક: આ ચામાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જે ચોમાસા દરમિયાન સંતુલિત આહાર અને વજન નિયંત્રણમાં મદદરૂપ બને છે.

આદુ-હળદરની હેલ્ધી ચા બનાવવાની સાચી રીત

આ ચા બનાવવા માટે પાવડરને બદલે તાજા ઘટકોનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે.  આ માટે તમારે તાજું આદુ, તાજી હળદર, કાળા મરી, લીંબુ, મધ (સ્વાદ અનુસાર) અને ઇચ્છા હોય તો તુલસીના પાન સહિતની સામગ્રી લેવાની રહેશે. એક વાસણમાં પાણી લઈ તેમાં ઝીણાં સમારેલા આદુ, હળદર અને તુલસીના પાન ઉમેરી ધીમા તાપે 10 મિનિટ ઉકાળો. આ પાણી થોડું ઉકળે એટલે તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરો. ચા બરાબર ઉકળી જાય એટલે તેને કપમાં ગાળી લો. ચા સહેજ નવશેકી થાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મધ અને તાજા લીંબુનો રસ ઉમેરો. આ ચા પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થશે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.


આ પણ વાંચો : VIDEO: એક એવો દેશ જ્યાં સાવરણીથી બને છે રોટલી, જાણો તેની ખાસિયત

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )