રસોડામાં રોજિંદા કામોમાં ડુંગળી કાપવું સૌથી સામાન્ય પરંતુ ઘણીવાર મુશ્કેલ લાગતું કામ છે. શાકભાજી હોય, ગ્રેવી બનાવવી હોય કે સલાડ તૈયાર કરવું હોય—ડુંગળી મોટાભાગની વાનગીઓમાં જરૂરી બને છે. છતાં, ઘણા લોકો આ કામ ટાળવા માંગે છે કારણ કે ડુંગળી કાપતી વખતે આંખોમાં બળતરા થાય છે અને આંસુ આવી જાય છે. સારા સમાચાર એ છે કે કેટલીક સરળ અને અસરકારક રીતો અપનાવીને આ સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
સલ્ફર ધરાવતા સંયોજનો
ડુંગળીમાં સલ્ફર ધરાવતા સંયોજનો હોય છે. જ્યારે આપણે ડુંગળી છોલીએ અથવા કાપીએ છીએ ત્યારે આ સંયોજનો હવાના સંપર્કમાં આવીને ગેસ છોડે છે. આ ગેસ આંખોમાં પહોંચે ત્યારે બળતરા થાય છે અને શરીર રક્ષણ માટે આંસુ ઉત્પન્ન કરે છે. એટલે, જો ગેસનું પ્રમાણ ઓછું કરવામાં આવે અથવા તેને આંખો સુધી પહોંચતા અટકાવવામાં આવે, તો આંસુ આવવાની સમસ્યા પણ ઘટે છે.
સૌથી સરળ રીત ડુંગળી કાપવાની
સૌથી સરળ રીત છે ડુંગળી કાપતા પહેલા તેને ઠંડી કરવી. ડુંગળીને 10 થી 15 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો અથવા ઠંડા પાણીમાં મૂકો. ઠંડક ગેસ બનવાની પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે આંખોમાં બળતરા ઓછી થાય છે. ખાસ કરીને જ્યારે ઘણી ડુંગળી કાપવાની હોય ત્યારે આ ઉપાય ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
બીજી અસરકારક રીત
બીજી અસરકારક રીત છે ડુંગળી છોલ્યા પછી તેને વહેતા પાણીની નીચે રાખવી અથવા કાપતી વખતે નળ પાસે કામ કરવું. પાણી ગેસને પોતાની અંદર ઓગાળી લે છે, જેથી તે હવામાં ફેલાતો નથી અને આંખોમાં ઓછું પહોંચે છે. આ પદ્ધતિ સરળ છે અને તરત જ રાહત આપે છે. ડુંગળી કાપતી વખતે હંમેશા તીક્ષ્ણ અને અણીદાર છરીનો ઉપયોગ કરવો જોઈએ. મંદ છરી ડુંગળીના કોષોને વધુ દબાવે છે અને તોડે છે, જેના કારણે વધુ ગેસ બહાર પડે છે. જ્યારે તીક્ષ્ણ છરીથી ડુંગળી ઝડપથી અને સ્વચ્છ રીતે કાપી શકાય છે, એટલે બળતરા ઓછી થાય છે અને કામ પણ ઝડપથી પૂરુ થાય છે.
એક રસપ્રદ રીત
ગ્રામ્ય વિસ્તારોમાં એક રસપ્રદ રીત પણ અપનાવવામાં આવે છે—ડુંગળી કાપતી વખતે મોઢામાં થોડું પાણી રાખવું. ઘણા લોકોનો અનુભવ છે કે આ રીતે શ્વાસ લેવાની રીત બદલાય છે અને ગેસનું પ્રમાણ આંખોમાં ઓછું પહોંચે છે. ભલે આ રીત સૌને યોગ્ય ન લાગે, પરંતુ કેટલાક માટે તે કારગર સાબિત થાય છે.
ફેન અથવા ચીમની ચાલુ રાખવી પણ ખૂબ ફાયદાકારક
આ ઉપરાંત રસોડામાં એક્ઝોસ્ટ ફેન અથવા ચીમની ચાલુ રાખવી પણ ખૂબ ફાયદાકારક છે. હવાનો સતત પ્રવાહ રહેતો હોવાથી ગેસ ઝડપથી બહાર નીકળી જાય છે અને રસોડામાં ફેલાતો નથી. સારી હવાની અવરજવર ડુંગળી કાપતી વખતે બળતરા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે, થોડા સરળ ઘરેલું ઉપાયો અપનાવીને તમે ડુંગળી કાપવાનું કામ સરળ, ઝડપી અને આંસુ વગર કરી શકો છો. રોજિંદા રસોઈમાં આ નાની ટિપ્સ સમય બચાવે છે અને રસોડામાં કામ કરવાની મજા પણ વધારી આપે છે.
આ પણ વાંચો : China marine corridor : 28 કિમી દરિયાઈ કોરિડોરથી 2 કલાકનું અંતર હવે 20 મિનિટ