Oven Cleaning Tips:
વરસાદી સિઝનમાં રસોડાની સફાઈ મહિલાઓ માટે સમસ્યા બને છે. તેમાં પણ ઓવન જેવા સાધનોની સફાઈ કરવી એક મોટો પડકાર લાગે છે. કયાંક ઓવન બગડી ના જાય માટે તેઓ પ્રોફેશનલ કલીનર્સને સફાઈ માટે કોલ કરતા હોય છે. જો કે પ્રોફેશનલ પણ કહે છે કે ઓવનની સફાઈ બહુ સરળ છે. મહિલાઓ ઓવન સાથે આવતી બુકમાંથી આ માહિતી લઈ શકે છે.
ઓવનની સફાઈ બનશે સરળ
આજના લેખમાં તમને પ્રોફેશનલ કલીનર્સ દ્વારા જણાવવામાં આવેલ ઓવનની સફાઈ કરવાની સરળ રીત જણાવીશું. આપણે વાનગીઓ બનાવવા ઓવનનો ઉપયોગ કરીએ છીએ. તેમાં વારંવાર બેકિંગ કે રોસ્ટિંગ કરવાના કારણે ગ્રીસ પર ડાઘ પડી જાય છે. દરેક વાનગી બનાવ્યા બાદ તમે તેની યોગ્ય રીતે સફાઈ કરી શકતા નથી. પરંતુ મહિને એક વાર આ સરળ રીતે તમે ઓવનની સફાઈ કરી શકો છો. જો કે આ માટે તમારા ઘરમાં સરકો અને બેકિંગ સોડા જેવી સામગ્રી હોવી જરૂરી છે.
ઓવનની સરળ રીતે સફાઈ
ઓવન સાફ કરવા માટે પહેલા તેને 300 ડિગ્રી ફેરનહીટ (લગભગ 150 ડિગ્રી સેલ્સિયસ) પર પ્રીહિટ કરો. પછી તેમાં ઉપયોગમાં લેતા હોય એવું વાસણ લો અને તેમાં 1-2 કપ વિનેગર રેડો. આમાં તમે વધુ સારી સફાઈ માટે લીંબુના ટુકડા ઉમેરી શકો છો જેથી અંદર રહેલ ખોરાકની દુર્ગંધ દૂર થાય. પછી આ વાસણને અંદરના રેક પર મૂકી ઓવનનો દરવાજો બંધ કરી 30 મિનિટનો ટાઈમ સેટ કરો. આ વાસણને લગભગ 30 મિનિટ સુધી અંદર રહેવા દો.
ઓવનના જીદ્દી ડાઘ પણ દૂર થશે
વિનેગરની આ સ્ટીમ ઓવનમાં જમા થયેલી ગ્રીસ અને ડાઘને છૂટા કરશે. ત્યારબાદ 30 મિનિટ થઈ જાય એટલે સ્વીચ બંધ કર્યા બાદ ઓવનનો દરવાજો ખોલો. ત્યારબાદ ભીના કપડા અથવા સ્પોન્જની મદદથી ઓવનની અંદરના ભાગને સારી રીતે સ્વચ્છ કરો. તમે બેકિંગ સોડા અથવા કોઈપણ સર્વ-હેતુક ક્લીનર લગાવીને જીદ્દી ડાઘ સાફ કરી શકો છો.