ક્રિસમસ બાદ અને નવા વર્ષની નજીક આવતા જ મોટા ભાગના લોકો પહાડોમાં ફરવાનો પ્લાન બનાવે છે. ખાસ કરીને બરફબારી જોવાની ઇચ્છા હોય ત્યારે શિમલા અને મનાલી સૌપ્રથમ યાદ આવે છે. પરંતુ જો તમે આ ભીડભાડવાળા ટૂરિસ્ટ સ્થળોથી દૂર, શાંતિ અને કુદરતની વચ્ચે બરફનો આનંદ લેવા માંગો છો, તો ઉત્તરાખંડનું મુનસ્યારી તમારા માટે એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે.
મુનસ્યારી બરફ અને શાંતિનો સુંદર સંગમ
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું મુનસ્યારી લગભગ 2,300 મીટરની ઊંચાઈ પર વસેલું એક મનોહર હિલ સ્ટેશન છે. “મુનસ્યારી” શબ્દનો અર્થ થાય છે – બરફથી ઢંકાયેલું સ્થાન. ગોરીગંગા નદીના કિનારે વસેલું આ સ્થળ હજી પણ મોટાભાગે ઓછું ભીડવાળું અને કુદરતી સ્વરૂપમાં જાળવાયેલું છે.
આ જગ્યા ખાસ કરીને ટ્રેકિંગ, પર્વતારોહણ અને કુદરતપ્રેમીઓ માટે બેઝ કેમ્પ તરીકે જાણીતી છે. અહીંથી અનેક હાઇ-એલ્ટિટ્યુડ ટ્રેક્સ શરૂ થાય છે, જે સાહસપ્રેમીઓને આકર્ષે છે.
પંચચૂલી શિખરોનો અદભુત નજારો
મુનસ્યારી કુમાઉં હિમાલયમાં સ્થિત છે અને અહીંથી પંચચૂલીના બરફથી ઢંકાયેલા શિખરોનો અદભુત દ્રશ્ય જોવા મળે છે. આ કારણસર મુનસ્યારીને ઘણીવાર “નાનું કાશ્મીર” પણ કહેવામાં આવે છે. અહીંના અલ્પાઇન મેદાનો, ખુલ્લું આકાશ અને શુદ્ધ હવા મનને સંપૂર્ણ શાંતિ આપે છે.
શિયાળામાં મુનસ્યારીનું સૌંદર્ય
ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મુનસ્યારીમાં શિયાળો ખુબ જ ઠંડો રહે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન -3°C થી 8°C સુધી રહે છે અને આસપાસના પર્વતો બરફથી ઢંકાઈ જાય છે. જોકે, ભારે બરફબારીના કારણે ક્યારેક રસ્તાઓ બંધ થઈ શકે છે, તેથી મુસાફરી પહેલાં હવામાન અને રોડ કન્ડિશન ચકાસવી અત્યંત જરૂરી છે.
મુનસ્યારી કેવી રીતે પહોંચશો?
મુનસ્યારી સીધા હવાઈ કે રેલ માર્ગથી જોડાયેલું નથી, પરંતુ ત્યાં પહોંચવું મુશ્કેલ પણ નથી.
ટ્રેન દ્વારા: નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ અથવા ટનકપુર છે. ત્યાંથી ટેક્સી અથવા બસ દ્વારા મુનસ્યારી પહોંચી શકાય છે.
માર્ગ દ્વારા: અલ્મોડા અને પિથોરાગઢ જેવા શહેરોથી મુનસ્યારી માટે નિયમિત બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે.
વિમાન દ્વારા: નજીકનું એરપોર્ટ પિથોરાગઢ છે, પરંતુ ફ્લાઇટ્સ મર્યાદિત હોવાથી મોટાભાગના પ્રવાસીઓ ટ્રેન અને રોડ માર્ગ પસંદ કરે છે.
શાંતિ, બરફ અને કુદરત બધું એક સાથે
જો તમે આ શિયાળે ભીડથી દૂર રહીને બરફબારીનો આનંદ માણવા માંગતા હો, તો મુનસ્યારી એક શ્રેષ્ઠ પસંદગી છે. અહીંની શાંતિ, કુદરતી સુંદરતા અને હિમાલયના નજારા તમારી મુસાફરીને યાદગાર બનાવી દેશે.
આ પણ વાંચોઃ વજન ઘટાડવા આહારમાંથી શું દૂર કરવું, રોટલી કે ભાત, શું કહે છે એક્સપર્ટ