ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ સૂર્યનો આકરો તાપ અને વધતું તાપમાન આપણા શરીર પર સીધી અસર કરે છે. ઘણીવાર થોડો સમય તડકામાં રહેવાથી પણ ભારે થાક, ચક્કર આવવા, માથાનો દુખાવો કે નબળાઈનો અનુભવ થાય છે. આ સમસ્યાઓનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) અને અતિશય ગરમી છે. જોકે, જીવનશૈલી અને આહારમાં થોડા ફેરફાર કરીને તમે આખો દિવસ સક્રિય રહી શકો છો.
તડકો તમારી ઉર્જા કેવી રીતે છીનવી લે છે?
જ્યારે આપણે તડકામાં બહાર નીકળીએ છીએ, ત્યારે શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા માટે વધુ પરસેવો પાડે છે. આ પ્રક્રિયામાં પાણીની સાથે શરીરના મહત્વના ઇલેક્ટ્રોલાઇટ્સ પણ બહાર નીકળી જાય છે. પાણીની અછતને કારણે લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે અને મગજ તેમજ સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળતો નથી, પરિણામે આપણે સુસ્તી અને થાક અનુભવીએ છીએ.
દિવસભર એક્ટિવ રહેવા માટેના સુવર્ણ નિયમો
1. હાઇડ્રેશન પર ભાર: દિવસભર થોડા-થોડા અંતરે પાણી પીતા રહો. માત્ર સાદું પાણી જ નહીં, પણ નાળિયેર પાણી, છાશ, લીંબુ શરબત અને ORS જેવા પીણાં શરીરમાં ખનિજોની પૂર્તિ કરે છે. તરબૂચ, કાકડી અને સંતરા જેવા જલયુક્ત ફળોને આહારમાં અચૂક સામેલ કરો.
2. ખાન-પાનમાં સાવધાની: ઉનાળામાં તળેલું, મસાલેદાર અને ભારે ભોજન પચાવવામાં શરીરની વધુ ઉર્જા વપરાય છે અને ગરમી વધે છે. તેના બદલે દહીં, સલાડ અને મગ જેવો હળવો ખોરાક લો. સવારે પલાળેલા બદામ અને કેળા ખાવાથી તાત્કાલિક શક્તિ મળે છે.
3. સૂર્યથી રક્ષણ: બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી સૂર્યપ્રકાશ સૌથી વધુ પ્રચંડ હોય છે, તેથી આ સમયગાળામાં બહાર જવાનું ટાળો. જો જવું પડે, તો સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરો તથા માથાને ટોપી કે રૂમાલથી ઢાંકીને રાખો.
તડકામાંથી આવ્યા પછી શું ન કરવું?
ઘણા લોકો બહારથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે અથવા એસી (AC) માં બેસી જાય છે. આ ભૂલ ગંભીર બીમારી નોતરી શકે છે. તડકામાંથી આવ્યા બાદ ૫-૧૦ મિનિટ આરામ કરો અને શરીરનું તાપમાન સામાન્ય થયા પછી જ પાણી પીવો. એ જ રીતે, તરત જ સ્નાન કરવાનું પણ ટાળવું જોઈએ.
આ પણ વાંચોઃ Chardham Yatra 2026: ચારધામ યાત્રા કરતા પહેલા આ સ્માર્ટ ટિપ્સ વાંચી લેજો, તમારી યાત્રા બનશે એકદમ સુખદ