દેશના અનેક રાજ્યોમાં સ્વાઇન ફ્લૂ (Swine Flu) ના કેસો ઝડપથી વધી રહ્યા છે. તાવ, ઉધરસ, શરદી અને શરીરના દુખાવા જેવા લક્ષણો દેખાતાં જ ઘણા લોકો મેડિકલ સ્ટોર પરથી જાતે જ એન્ટિબાયોટિક્સ (Antibiotics) ખરીદીને ખાવા લાગે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો અને ડૉક્ટરોના મતે આ પદ્ધતિ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે કયારેક સામાન્ય દેખાતા લક્ષણોને તેઓ વાયરલ બીમારી સમજી એન્ટીબાયોટિક લેતા સ્વાસ્થ્ય જોખમ વધે છે. કોઈપણ બીમારીમાં જાતે એન્ટીબાયોટિક લીધા વગર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાઇન ફ્લૂ વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ નહીં

 ડોક્ટરના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ એ ઇન્ફલ્યુએન્ઝા A (Influenza A) વાયરસથી થતો ચેપ છે, કોઈ બેક્ટેરિયાથી નહીં. એન્ટિબાયોટિક્સ માત્ર બેક્ટેરિયલ ચેપ સામે કામ કરે છે, વાયરસ સામે નહીં. તેથી વાયરલ ફ્લૂમાં બિનજરૂરી રીતે એન્ટિબાયોટિક્સ લેવાનો કોઈ ફાયદો થતો નથી.

બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવાના ગંભીર પરિણામો

વાયરલ ઇન્ફેક્શન દરમિયાન એન્ટિબાયોટિક્સ ખાવાથી રોગ મટતો નથી, પરંતુ શરીરમાં રહેલા બેક્ટેરિયામાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) ઉત્પન્ન થાય છે. પરિણામે, ભવિષ્યમાં જ્યારે ખરેખર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થશે ત્યારે આ દવાઓ શરીર પર અસર કરવાનું બંધ કરી દેશે.

સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો અને તેની સાચી સારવાર

આ બીમારીમાં શરૂઆતમાં જ તેના લક્ષણો ઓળખી લેશો તો જલદી નિદાન થશે. ૧૦૦ થી ૧૦૪ ડિગ્રી સુધીનો સખત તાવ, સૂકી ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું કે બંધ નાક, માથાનો દુખાવો, પેટની તકલીફો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા ફેરફરા શરીરમાં વારંવાર દેખાય ત્યારે સાવધાન થઈ જાઓ. આ લક્ષણો દેખાતા તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો. જો ડૉક્ટરને સ્વાઇન ફ્લૂની શંકા હોય, તો તેઓ ટેસ્ટ કરાવ્યા બાદ એન્ટિવાયરલ દવાઓ (જેમ કે Oseltamivir / Tamiflu) સૂચવે છે. યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરવાથી રોગને ગંભીર બનતો અટકાવી શકાય છે.

કયા લોકોએ વધુ સાવચેતી રાખવી જોઈએ?

ડોક્ટરના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્દીઓ યોગ્ય આરામ અને સારવારથી થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે. પરંતુ: ૬૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓ, ડાયાબિટીસ, હૃદયરોગ કે અસ્થમા જેવી અન્ય બીમારી ધરાવતા દર્દીઓ, તેમણે લક્ષણો દેખાતા જ તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ખાસ સાવધાની રાખવી જોઈએ.


આ પણ વાંચો : Hot Tea : શું ખરેખર ખૂબ ગરમ ચા પીવાથી કેન્સરનું જોખમ રહે છે? ડોક્ટર પાસેથી જાણો સત્ય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )