શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું શરીર એક પણ શબ્દ બોલ્યા વિના તમારી પ્રજનન ક્ષમતા (Fertility) વિશે મહત્વપૂર્ણ બાબતો કહી શકે છે? દર મહિને માસિક સ્રાવ (Periods) પહેલા અને પછી થતા સૂક્ષ્મ શારીરિક ફેરફારો ફક્ત સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ તે એ દર્શાવે છે કે તમારું શરીર ગર્ભાવસ્થા માટે કેવી રીતે તૈયારી કરી રહ્યું છે.

મહિલાઓએ શરીરના ફેરફારને ઓળખવા જરૂરી

હેલ્થ એક્સપર્ટ કહે છે કે ઘણી મહિલાઓ શરીરતમાં થતા કેટલાક સંકેતો પર ધ્યાન આપતી નથી, જોકે આ ફેરફારો સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી જાય છે. અલબત્ત, ફક્ત આ લક્ષણોના આધારે પ્રજનન ક્ષમતાનું સંપૂર્ણ મૂલ્યાંકન ન થઈ શકે, પરંતુ તમારા શરીરને વધુ સારી રીતે સમજવાનો આ એક ઉત્તમ માર્ગ છે. જાણો એવા 5 સામાન્ય સંકેતો વિશે જે સારી પ્રજનન ક્ષમતા તરફ ઈશારો કરે છે.

શરીરના આ સંકેતો સારા પ્રજનના ક્ષમતા તરફ ઇશારો

૧. નિયમિત માસિક ચક્ર : જો તમારા માસિક સમયસર આવે છે (આશરે દર ૨૭ થી ૩૨ દિવસની વચ્ચે), તો તે સ્ત્રી રોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. આનો અર્થ એ થાય છે કે તમારા શરીરના હોર્મોન્સ અને અંડાશય (Ovaries) યોગ્ય તાલમેલ સાથે કામ કરી રહ્યા છે અને દર મહિને ઓવ્યુલેશન (ઇંડા મુક્ત થવાની પ્રક્રિયા) સમયસર થઈ રહ્યું છે.

૨. ઓવ્યુલેશન દરમિયાન ચીકણો અને ખેંચાતો સફેદ સ્રાવ : બે માસિક સ્રાવની વચ્ચેના દિવસોમાં જો ઇંડાના સફેદ ભાગ (Egg white) જેવો સ્પષ્ટ, લપસણો અને આંગળીઓ વચ્ચે ખેંચાય તેવો સફેદ સ્રાવ (Cervical Mucus) જોવા મળે, તો તે ઓવ્યુલેશનનો સ્પષ્ટ સંકેત છે. આ સ્રાવ પ્રજનન પ્રક્રિયા માટે ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે.

૩. પેટની કોઈ એક બાજુએ હળવો દુખાવો : કેટલીક સ્ત્રીઓને મહિનાના મધ્ય ભાગમાં પેટના નીચેના ભાગમાં કોઈ એક તરફ હળવો દુખાવો અથવા ખેંચાણ અનુભવાય છે. જ્યારે અંડાશયમાંથી ઇંડું બહાર આવે છે ત્યારે આ પ્રતિક્રિયા થઈ શકે છે, જેને ઓવ્યુલેશનનો સામાન્ય અને તંદુરસ્ત સંકેત ગણવામાં આવે છે.

૪. સામાન્ય માસિક સ્રાવ : ૩ થી ૫ દિવસ સુધી ચાલતો અને પ્રમાણસર (ખૂબ વધારે ભારે કે સાવ ઓછો નહીં) માસિક સ્રાવ તંદુરસ્ત ગર્ભાશયની નિશાની છે. માસિક દરમિયાન ખૂબ જ ઓછો અથવા અતિશય ભારે સ્રાવ ક્યારેક હોર્મોનલ અસંતુલન તરફ ઈશારો કરે છે.

૫. ઉર્જાના સ્તરમાં વધારો અને સારો મૂડ : ઘણી સ્ત્રીઓ માસિક ચક્રના મધ્યના દિવસોમાં એટલે કે ઓવ્યુલેશનની આસપાસના સમયમાં વધુ ઉર્જાવાન, ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવે છે. શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધવાને કારણે મૂડ અને એનર્જીમાં આ પોઝિટિવ ફેરફાર જોવા મળે છે.

મહિલાઓએ સારી પ્રજનન ક્ષમતા માટે શું કરવું

જો મહિલાઓને શરીરમાં આ સંકેતો દેખાયો તો સાવધાન થવું. સારી પ્રજનન ક્ષમતા માટે તેમણે રોજિંદી જીવનશૈલીમાં બદલાવ કરવો. આહારમાં લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. હોર્મોન્સના સંતુલન અને યોગ્ય વજન જાળવી રાખવા માટે રોજ હળવી કસરત કે યોગા કરો. માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાન (Meditation) કરો અને ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ લો. ધૂમ્રપાન કે નશાની આદતોથી દૂર રહો અને સમયસર તબીબી સલાહ તેમજ ચેકઅપ કરાવો.


આ પણ વાંચો : Lifestyle: વરસાદમાં થતી શરદી અને ઉધરસમાં વરદાન છે આદુ હળદરની ચા