આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ આપણી નાની-નાની રોજિંદી આદતો સતત આપણી પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. આપણામાંથી ઘણા લોકો અજાણતાં જ એવી ટેવો ધરાવે છે, જે ગુપ્ત રીતે પૃથ્વીને વિનાશ તરફ ધકેલે છે. પર્યાવરણને બચાવવા માટે આપણે કોઈ સંપૂર્ણ (Perfect) બનવાની જરૂર નથી, પરંતુ આપણી દૈનિક લાઈફસ્ટાઈલમાં થોડો સકારાત્મક બદલાવ લાવીને મોટો તફાવત ચોક્કસ લાવી શકીએ છીએ.
જાણો તમારા રોજિંદા જીવનની આ આદતો પર્યાવરણ માટે વિલન
વીજળીનો બેદરકારીપૂર્વક ઉપયોગ: ઘણીવાર લોકો ઘરના કોઈ એક રૂમમાં બેઠા હોય છે, છતાં આખા ઘરની લાઈટો અને પંખા ચાલુ રાખે છે. આ આદત પર્યાવરણને સીધું નુકસાન પહોંચાડે છે કારણ કે વીજળી ઉત્પન્ન કરવા માટે મોટા પાયે કોલસો બળે છે. આ આદતમાં આ રીતે સુધારો કરી શકો છો. જ્યારે પણ તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે લાઈટ-પંખા બંધ કરવાની આદત પાડો. ઘરમાં જૂના બલ્બને હટાવીને LED બલ્બ લગાવો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરો.
ટૂંકા અંતર માટે પણ વાહન દોડાવવું : ગાડી કે બાઇક આપણને સુવિધા ચોક્કસ આપે છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલમાંથી નીકળતો ધુમાડો હવાને સતત ઝેરી બનાવી રહ્યો છે. શાકભાજી લેવા કે નજીકની દુકાને જવા માટે પણ વાહનનો ઉપયોગ કરવાની આદત પ્રકૃતિ માટે હાનિકારક છે. આ આદતમાં આ રીતે સુધારો કરી શકો છો. ટૂંકા અંતરની મુસાફરી માટે વાહન શરૂ કરવાને બદલે પગપાળા ચાલવાની અથવા સાયકલ ચલાવવાની આદત પાડો. આનાથી પર્યાવરણ પણ શુદ્ધ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ધૂમ્રપાન અને તમાકુનો કચરો : મોટાભાગના લોકો એવું વિચારે છે કે ધૂમ્રપાન માત્ર સ્વાસ્થ્યને નુકસાન કરે છે, પરંતુ તે પર્યાવરણ માટે પણ મોટો ચિંતાનો વિષય છે. રસ્તા પર ફેંકવામાં આવતા સિગારેટના ઠૂંઠા (Buds) માં ખતરનાક માઇક્રોપ્લાસ્ટિક અને હાનિકારક રસાયણો હોય છે, જે ઓગળતા નથી અને જમીન તેમજ પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે.
પાણીનો બેફામ બગાડ : બાથરૂમમાં કલાકો સુધી શાવર નીચે સ્નાન કરવું, બ્રશ કે સેવિંગ કરતી વખતે નળ ચાલુ રાખવો, અથવા ડીશવોશરમાં માત્ર બે-ચાર વાસણો ધોવા માટે મશીન ચાલુ કરી દેવું - આ બધી આદતો પાણીના સંકટને નોતરે છે. પાણીનો આવો બગાડ પૃથ્વીના અમૂલ્ય જળસ્ત્રોતને ખતમ કરી રહ્યો છે.
રૂરિયાત વગર 'ફાસ્ટ ફેશન' પાછળ દોડવું : આજકાલ સસ્તા કપડાં ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ યાદ રાખો કે, ખૂબ સસ્તા કપડાંમાં અત્યંત નબળી ગુણવત્તાવાળા અને સિન્થેટિક કાપડનો ઉપયોગ થાય છે. આ કાપડ બનાવતી ફેક્ટરીઓ મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે અને આવો કચરો ક્યારેય સડતો નથી. તમે જથ્થાબંધ સસ્તા કપડાં ખરીદવાને બદલે ઓછી પણ સારી ગુણવત્તાવાળી (Quality) વસ્તુઓ ખરીદો જે લાંબો સમય ચાલે.
વિશ્વ પર્યાવરણ દિવસ
દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને પ્રકૃતિના મહત્વને સમજવા અને તેના રક્ષણ માટે નાના પગલાં લેવાની પ્રેરણા આપે છે. આ ખાસ દિવસે વૃક્ષો વાવી અને સ્વચ્છતા અભિયાન દ્વારા આપણે વ્યક્તિગત અથવા સામૂહિક રીતે પર્યવારણ દિવસ ઉજવી શકીએ છીએ. પરંતુ જો આ શકય ના હોય તો આપણે આપણી સામાન્ય આદત બદલીને પર્યાવરણ બચાવ અભિયાનમાં ફાળો આપી શકીએ. જ્યાં સુધી આપણે આપણી જાતને નહીં સુધારીએ, ત્યાં સુધી દુનિયાને બહેતર નહીં બનાવી શકાય. આજે જ તમારી આ નાની આદતો બદલો અને પૃથ્વીને હરિયાળી તેમજ સુરક્ષિત બનાવવામાં પોતાનું યોગદાન આપો.
આ પણ વાંચો : Beauty Tips: 50ની ઉંમરે પણ 30 જેવો ગ્લો આપશે આ હોમમેઇડ કોલેજન જેલ, જાણો બનાવવાની રીત













