- ચોમાસામાં સ્કિનનો ખાસ રાખો ખ્યાલ
- પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જરૂરી
- ભેજ હોવાને કારણે સ્કિન થાય છે ચીકણી
વરસાદી માહોલમાં પ્રકૃતિને માણવાની તથા વરસાદી માહોલનો એક અલગ જ અંદાજ છે. વરસાદમાં એક તો ફરવાની મજા આવે.. ગરમા ગરમ ખાવાની મજા આવે. પરંતુ વરસાદની મોસમમાં વાળ અને સ્કિન એટલી ઓઇલી અને ખરાબ થઇ જાય છે કે ન પૂછો વાત. વાળ કર્લી થઇ જાય છે. સ્કિન ઓઇલી અને ડલ થવા લાગે છે. ત્યારે આવા સમયમાં સ્કિનની કેવી રીતે કાળજી રાખશો, આવો જાણીએ.
ચહેરો સાફ કરો
ચોમાસાની ઋતુમાં ભેજને કારણે ચહેરો ચીકણો થઈ જાય છે. તમારા ચહેરા પરથી વધારાનું તેલ અને ગંદકી દૂર કરવા માટે તમારા ચહેરાને દિવસમાં બે વાર ધોવાનું ભૂલશો નહીં. જો શક્ય હોય તો તમારા ચહેરાને સારા ક્લિન્ઝરથી સાફ કરો. રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવાનું ભૂલશો નહીં.
ટોનર લગાવવાનું ભૂલશો નહીં
વરસાદની મોસમમાં ખીલ અને પિમ્પલ્સથી બચવા માટે ટોનરનો ઉપયોગ કરો. ટોનર આપણી ત્વચાનું PH સંતુલન જાળવી રાખે છે અને ખુલ્લા છિદ્રોને ઘટાડે છે.
મોઇશ્ચરાઇઝર જરૂરી છે
વરસાદની ઋતુમાં મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. આ સિઝનમાં, વ્યક્તિએ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ જે ત્વચાને ઓઇલી બનાવતી નથી પણ હાઇડ્રેટ રાખે છે. આ માટે તમે જેલ આધારિત મોઈશ્ચરાઈઝર પસંદ કરી શકો છો.
સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં
કેટલાક લોકો વિચારે છે કે ચોમાસામાં સનસ્ક્રીન લગાવવાની શું જરૂર છે. પરંતુ મોસમ ગમે તે હોય ચહેરા પર સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. સનસ્ક્રીન રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. આ સિઝનમાં તે ચહેરાને ચેપ અને યુવી કિરણોથી બચાવે છે.
એક્સફોલિએટ કરવું
વરસાદની ઋતુ દરમિયાન ડેડ સ્કિનને દૂર કરવા અને છિદ્રો ખોલવા માટે એક્સફોલિએટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે અઠવાડિયામાં એક કે બે વાર એક્સફોલિએટ (સ્ક્રબ) કરવું જોઈએ.
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો
ઘણા લોકો ચોમાસામાં પીવાનું પાણી ઓછું કરી દે છે. આપણે આવું કરવાનું ટાળવું જોઈએ. આ ઋતુમાં આપણને વધુ પરસેવો આવે છે. તેથી આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તે આપણી ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખે છે, જેના કારણે ત્વચા ગ્લોઇંગ રહે છે.
તંદુરસ્ત આહાર લો
હેલ્ધી ડાયટ માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સારી ત્વચા માટે પણ જરૂરી છે. આ માટે તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળોનો સમાવેશ કરી શકો છો.