આજે મોટાભાગે તમામ ઘરોમાં રેફ્રિજરેટરની સુવિધા હોય છે. લોકો માટે આજે રેફ્રિજરેટર એક સુવિધા નહી પરંતુ જરૂરિયાત બન્યું છે. શાકભાજી, બચેલો ખોરાક મૂકવા, દૂધ, દહીં અને બટર જેવી રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે આજે રેફ્રિજરેટરનો ઉપયોગ સામાન્ય બન્યો છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે લાંબા સમય સુધી વસ્તુઓ સુરક્ષિત રહે માટે રેફ્રિજરેટરમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ આજે પણ એવા કેટલાક વિસ્તારો છે જ્યાં દિવસ દરમિયાન વીજળી વારંવાર જાય છે. અને તેના કારણે રેફ્રિજરેટરમાં મૂકાતી વસ્તુઓ શરીર માટે ઝેર બને છે.
જો તમે પણ એવા વિસ્તારમાં રહેતા હોવ જ્યાં વારંવાર વીજળીકાપ થતો હોય તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખો. ભારત આજે જાપાનને પછાડી ચોથી અર્થવ્યવસ્થા બન્યો છે. છતાં પણ એવા વિસ્તારો છે જ્યાં દિવસમાં બે વખત તો કયાંક બે-ત્રણ દિવસમાં વીજળી ગુલ થઈ જાય છે. આવા વિસ્તારમાં રહેતા લોકોએ રેફ્રિજરેટમાં આ વસ્તુઓ મૂકવા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.
દૂધ અને ડેરી ઉત્પાદનો : આજે લગભ તમામ લોકો રેફ્રરિજરેટમા દૂધ, ચીઝ, બટર અને દહીં જેવા ડેરી ઉત્પાદનો રાખે છે. વારંવાર વીજળી જતા આ વસ્તુઓ ખૂબ જ ઝડપથી બગડી શકે છે. કારણ કે વીજળી જતા રેફ્રિજરેટરની ઠંડક જતી રહે છે ત્યારે આ વસ્તુઓમાં બેક્ટેરિયા ઘૂસી જાય છે. પરંતુ રેફ્રિજરેટરમાં હોવાના કારણે ધ્યાનમાં આવતું નથી. જયારે તેનું સેવન કરીએ ત્યારે પેટ ખરાબ થાય છે. કેટલાક કિસ્સામાં ઉલટી-ઝાડા થવા લાગે છે.
રાંધેલ ખોરાક : વ્યસ્ત જીવનશૈલી અને નિશ્ચિત આયોજનના અભાવે અનેક વખત રાંધેલા ખોરાક વધે છે. ત્યારે બીજા દિવસે તેનો ઉપયોગ કરવા રેફ્રિજરેટમાં રાખવામાં આવે છે. અને વીજળી જતા યોગ્ય તાપમાન ના મળતા આ રાંધેલો ખોરાક ઝડપથી સડી જાય છે. તાપમાનના અભાવે ખોરાકનો રંગ, સ્વાદ અને ગંધ બદલાય છે અને તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને શાકભાજી, ભાત, દાળ અને ગ્રેવીની વસ્તુઓ આ સ્થિતિમાં ઝડપથી બગડી જાય છે.
કાચું માંસ અને માછલી : માંસ અને માછલી એવા ખાદ્ય પદાર્થો છે જે તાપમાનમાં થતા વધઘટને સહન કરી શકતા નથી. આ ખૂબ જ ઝડપથી બગડી શકે છે અને તેમાં સાલ્મોનેલા અથવા ઇ. કોલી જેવા હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યાં સુધી યોગ્ય વીજળી ઉપલબ્ધ હોય ત્યાં સુધી જ તેમને ફ્રિજમાં રાખો.
ઈંડા : જોકે ઈંડા ઓરડાના તાપમાને પણ થોડા સમય માટે સુરક્ષિત રહી શકે છે, પરંતુ જો તમે તેને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કર્યું હોય અને રેફ્રિજરેટર વારંવાર ગરમ અને ઠંડુ થઈ રહ્યું હોય, તો ઈંડાની સપાટી પર બેક્ટેરિયા એકઠા થઈ શકે છે. આનાથી ઈંડાની અંદર ચેપનું જોખમ પણ વધે છે.
સમારેલા ફળો અને શાકભાજી : ફળો અને શાકભાજી કાપ્યા પછી, તેમની તાજગી ઝડપથી ખતમ થઈ જાય છે. જો તેમને રેફ્રિજરેટરમાં યોગ્ય તાપમાને રાખવામાં ન આવે તો, તે ઝડપથી સડવા લાગે છે. કાપેલા ટામેટાં, કાકડી, કેરી, તરબૂચ જેવી વસ્તુઓ ખૂબ જ ઝડપથી બગડી શકે છે અને તેનાથી ફંગલ ચેપનું જોખમ રહેલું છે.
વારંવાર વીજળી ગુલ થવાને કારણે રેફ્રિજરેટરનું તાપમાન સ્થિર રહી શકતું નથી, જેના કારણે રેફ્રિજરેટરની અંદર રાખેલી વસ્તુઓ ઝડપથી બગડવા લાગે છે. જ્યારે વીજળી આવતી-જતી રહે છે, ત્યારે રેફ્રિજરેટર વારંવાર ઠંડુ અને ગરમ થાય છે. આના કારણે, કેટલાક ખોરાક ઝડપથી સડવા લાગે છે અને તેમાં હાનિકારક બેક્ટેરિયા વધી શકે છે, જે ફૂડ પોઇઝનિંગ અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે.