ફેબ્રુઆરી મહિનો આવતા જ ચારે બાજુ લાલ ગુલાબ, હૃદય આકારના ફુગ્ગા અને રોમેન્ટિક ડિનરની ધૂમ જોવા મળે છે. પરંતુ આ ભભકાદાર ઉજવણીની પાછળ એક એવો ઉદ્યોગ પણ ધમધમે છે જેનો સીધો સંબંધ તૂટેલા હૃદય સાથે છે. 14 ફેબ્રુઆરી માત્ર પ્રેમનો દિવસ નથી, પણ તે 'બ્રેકઅપ' માટેનો પણ સૌથી મોટો સમય બની જાય છે. આશ્ચર્યજનક રીતે, વેલેન્ટાઇન ડે પહેલા બ્રેકઅપના દરમાં 15 થી 20% નો ઉછાળો જોવા મળે છે.


'રેડ ટ્યુઝડે' અને સંબંધોનું ઓડિટ

વેલેન્ટાઇન ડે પહેલાના મંગળવારને મનોવૈજ્ઞાનિકો "રેડ ટ્યુઝડે" તરીકે ઓળખાવે છે. આ દિવસે લોકો વાસ્તવિકતાનો સામનો કરે છે. મોંઘી ભેટોના ખર્ચથી બચવા, ખોટી લાગણીઓનો દેખાવ ન કરવા અથવા ભવિષ્ય વગરના સંબંધોને અંત આપવા માટે આ દિવસ પસંદ કરવામાં આવે છે. લગભગ 41% લોકો માટે આર્થિક કારણો બ્રેકઅપનું મુખ્ય પરિબળ બને છે. ગૂગલ પર આ દિવસોમાં "બ્રેકઅપમાંથી કેવી રીતે બહાર આવવું" તે સૌથી વધુ સર્ચ થતો પ્રશ્ન છે.

બદલાનો અનોખો વ્યવસાય

જો તમે તમારા 'એક્સ' (ભૂતપૂર્વ સાથી) થી નારાજ છો, તો માર્કેટમાં તેના માટે પણ વિકલ્પો છે. અમેરિકાના બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલયે એક ટ્રેન્ડ શરૂ કર્યો જેમાં તમે નજીવી રકમ આપીને તમારા એક્સના નામ પર મેડાગાસ્કર વંદો (Cockroach) રાખી શકો છો. આ અભિયાનથી પ્રાણી સંગ્રહાલયોએ લાખો ડોલરનું ફંડ એકઠું કર્યું છે. એટલું જ નહીં, અમુક જગ્યાએ તો ઉંદરનું નામ એક્સ પર રાખીને તેને ઘુવડને ખવડાવવાના વિડિયો પણ મોકલવામાં આવે છે.

વ્યાવસાયિક બ્રેકઅપ સેવાઓ અને AI

ઘણીવાર લોકોમાં રૂબરૂ મળીને સંબંધ તોડવાની હિંમત હોતી નથી. આવા લોકો માટે હવે પ્રોફેશનલ બ્રેકઅપ સર્વિસીસ ઉપલબ્ધ છે. માત્ર $150 (આશરે ₹12,500) ખર્ચીને તમે વ્યાવસાયિકો પાસે તમારા સાથીને સંબંધ પૂરો થવાની જાણ કરાવી શકો છો. આ સિવાય AI-આધારિત એપ્લિકેશનો પણ આવી ગઈ છે જે માસિક સબ્સ્ક્રિપ્શન પર 'હાર્ટબ્રેક સપોર્ટ' આપે છે અને બ્રેકઅપ પછી તમારી ડેટિંગ પ્રોફાઇલ સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ  Korean star ઔરાનો શિવભક્તિનો અનોખો અંદાજ, 'શિવ તાંડવ' સોન્ગે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ!


  • Follow us on: