• ગરમ તાસીરનું આદુ ઠંડીથી બચાવશે
  • શરદી-ખાંસી જેવી સીઝનલ બીમારીઓમાં આપશે રાહત
  • આદુ અને ગોળનું સેવન શિયાળામાં હેલ્થ માટે લાભદાયી રહેશે

શિયાળો આવી ગયો છે અને સાથે જ શરદી-ખાંસી જેવી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. ઠંડીના વાતાવરણમાં લોકો સીઝનલ રોગોથી પોતાને બચાવવા માટે અનેક વસ્તુઓ કરે છે. ઘણી બધી દવાઓની સાથે આપણે આપણા આહારમાં ગરમ ​​પ્રકૃતિની વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ. તો જાણો કે શિયાળામાં આદુનું સેવન કઈ રીતે કરવાથી તમે સીઝનલ બીમારીને હાથતાળી આપી શકો છો.

આદુની તાસીર ગરમ હોય છે અને સાથે આદુમાંથી બનેલી આ વાનગી તમારા સ્વાદની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે. જો તમે આ શિયાળામાં તમારી જાતને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવા માંગતા હોવ અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગતા હોવ તો આદુનો હલવો ચોક્કસ અજમાવો. આદુ અને ગોળમાંથી બનાવેલ આ એક એવી રેસીપી છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી તમામ લોકો હોંશે હોંશે ખાશે અને તેમને દરેક પ્રકારની સમસ્યાઓથી બચાવશે. તો જાણો બનાવવાની સરળ રેસિપી..

આદુનો હલવો બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ આદુ
  • 1 કપ ગોળ
  • 1/2 કપ બદામ
  • 1/2 કપ કાજુ
  • 20 કિસમિસ
  • 2 ચમચી ઘી
  • 1/4 કપ અખરોટ

આદુનો હલવો બનાવવાની રીત

સૌ પહેલા તો આદુને સારી રીતે ધોઈ લો અને પછી તેની છાલ કાઢી તેને સારી રીતે કાપો. આ પછી નાના ટુકડાને બ્લેન્ડરમાં નાખો અને તેની જાડી પેસ્ટ બનાવો. હવે ગ્રાઇન્ડરમાં કાજુ, અખરોટ અને બદામ નાખીને બરછટ મિશ્રણ બનાવો. આ પછી એક પેન લો અને ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં આદુનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને લગભગ 15 મિનિટ સુધી હલાવતા રહો અને તેને સારી રીતે ફ્રાય કરો. હવે તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને સંપૂર્ણપણે ઓગળવા દો. હવે આ સમયે તેમાં કિસમિસ અને ડ્રાય ફ્રૂટ્સ નાખીને લગભગ 5 મિનિટ સુધી અથવા ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. આ સમયે તમારો હલવો તૈયાર છે. તમે તેને બદામથી ગાર્નિશ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી લો. રોજ સર્વ કરો. તમે એક અઠવાડિયા સુધી આ હલવો સ્ટોર કરી શકશો. શિયાળામાં તેનું સેવન લાભદાયી રહેશે. 

  • Follow us on: