વિદેશની ધરતી પર ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ગયેલા ગુજરાતીઓ માટે છેલ્લા કેટલાક દિવસો અત્યંત કાળમુખા સાબિત થયા છે. વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે માત્ર એક જ અઠવાડિયામાં જ્યોર્જિયા, અમેરિકા અને કેનેડામાં ત્રણ ગુજરાતી યુવાનોની હત્યા અથવા શંકાસ્પદ મોતના કરૂણ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાઓને પગલે ગુજરાતમાં રહેતા તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
જ્યોર્જિયાની યુનિવર્સિટીમાં ભણતા ધ્વનિત રાજદીપનો નદીમાંથી મળ્યો મૃતદેહ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો અને જ્યોર્જિયાની પ્રતિષ્ઠિત ‘કોકેસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી’માં MBBSના અંતિમ વર્ષોમાં અભ્યાસ કરતો 22 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ ગત 14 મેના રોજ પોતાના રૂમ પરથી અચાનક ગુમ થઈ ગયો હતો. સતત 16 દિવસની રહસ્યમય ગેરહાજરી બાદ, જ્યોર્જિયા પોલીસની તપાસ દરમિયાન ત્યાંની એક સ્થાનિક નદીના પટમાંથી ધ્વનિતનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ્યોર્જિયામાં અભ્યાસ કરતા અન્ય ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
મકાન માલિક સાથેનો વિવાદ અને જ્યોર્જિયા પ્રશાસનનું નકારાત્મક વલણ
ધ્વનિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ સામાન્ય મોત કે આત્મહત્યા નથી પરંતુ તેની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોઈ શકે છે. ધ્વનિતને તેના સ્થાનિક જ્યોર્જિયન મકાન માલિક સાથે કોઈ બાબતે મોટો વિવાદ થયો હતો અને મકાન માલિક દ્વારા તેને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ધ્વનિત ગુમ થયો ત્યારે તેનો સગો ભાઈ તાત્કાલિક જ્યોર્જિયા પહોંચ્યો હતો, પરંતુ ત્યાંના સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા કડક કાયદાઓનું બહાનું ધરીને કોઈ જ સહકાર આપવામાં આવ્યો ન હતો. જ્યોર્જિયા તંત્રએ કોઈ પણ વિગત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે ન્યાય મેળવવામાં વિલંબ થયો હોવાનો જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારે દાવો કર્યો છે.
જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારના ચોંકાવનારા ખુલાસા
સમગ્ર મામલે જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારે 'સંદેશ ડિજિટલ' સાથેની ખાસ વાતચીતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ધ્વનિત ગુમ થયો હોવાની જાણ થતાં જ તેનો સગો ભાઈ તાત્કાલિક પોતાની કક્ષાએ શોધખોળ કરવા માટે જ્યોર્જિયા પહોંચી ગયો હતો. જોકે, ત્યાં તેને સ્થાનિક પોલીસ કે, પ્રશાસન તરફથી કોઈ જ પ્રકારનો સહકાર મળ્યો ન હતો. સ્થાનિક તંત્ર દ્વારા યુરોપના દેશ જ્યોર્જિયન કાયદાઓ અને ગુપ્તતાનું બહાનું ધરીને ધ્વનિત વિશેની કોઈ પણ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો હતો. કલ્પેશ પરમારે વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે દબાણ અને મદદ મળ્યા બાદ જ ત્યાંની સ્થાનિક પોલીસે સાચી દિશામાં તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહની સત્તાવાર ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડીએનએ સેમ્પલ લેવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે.
અમિત શાહ અને હર્ષ સંઘવીની દરમિયાનગીરી બાદ તપાસ તેજ થઈ
ધ્વનિતના પરિવારે અમદાવાદથી સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ભારત સરકારને ગુહાર લગાવી હતી. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી. ભારત સરકારના રાજદ્વારી દબાણ બાદ જ્યોર્જિયા પ્રશાસન એક્શનમાં આવ્યું હતું. હાલ મૃતદેહની સત્તાવાર ઓળખ માટે ડીએનએ (DNA) સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આ હત્યા છે કે, આત્મહત્યા, તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
અમેરિકામાં વિજાપુરની દીકરી મેઘના પટેલની ગોળી મારી હત્યા
બીજી તરફ, અમેરિકાથી પણ એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ, જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા, તેમની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અમેરિકામાં વધુ એક ગુજરાતીની સરેઆમ હત્યા થતાં ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેનેડામાં લૂંટના ઇરાદે આણંદની વિદ્યાર્થિની વિધિ મેઘાની છરીના ઘા ઝીંકી હત્યા
આ સિવાય કેનેડામાં પણ લૂંટના ઇરાદે એક ગુજરાતી દીકરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિદ્યાર્થિની વિધિ કલ્પેશકુમાર મેઘા ચાર વર્ષ પહેલાં નાયગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે કેનેડા ગઈ હતી અને હાલ વર્ક પરમિટની તૈયારી કરતી હતી. ગત 15 મેના રોજ વિધિ પોતાના ઘરેથી નીકળી ત્યારે જાહેરમાં એક લૂંટારુએ લૂંટના ઇરાદે તેના પર તીક્ષ્ણ છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિધિને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, કેનેડિયન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કેસના આરોપીની ધરપકડ કરી લીધી છે.
પીડિત પરિવારોની ભારત સરકારને ન્યાય અપાવવા આજીજી
એક જ સપ્તાહમાં ત્રણ આશાસ્પદ ગુજરાતી યુવાનોના વિદેશમાં જીવ જતાં ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીડિત પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને આજીજી કરી છે કે, તેમના બાળકોના મૃતદેહને વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે જ વિદેશી સરકારો પર રાજદ્વારી દબાણ લાવીને આ તમામ ગુનાઓના દોષિતોને કડક સજા અપાવી ન્યાય કરવામાં આવે તેવી માગ બુલંદ બની છે.
બાળકોને વિદેશ મોકલતા ગુજરાતી પરિવારોમાં પ્રવર્તતી ભારે ચિંતા
એક જ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી આ ત્રણેય મોટી ઘટનાઓએ સમગ્ર ગુજરાતના વાલી મંડળો અને ગુજરાતી સમાજને હચમચાવી મૂક્યો છે. દર વર્ષે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કે ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા, અમેરિકા કે જ્યોર્જિયા જેવા દેશોમાં મોકલતા પરિવારોમાં હવે ભારે ચિંતા અને ભયનો માહોલ છે. વિદેશમાં વસતા ગુજરાતી સંગઠનોએ પણ માગ કરી છે કે, સ્થાનિક દૂતાવાસ દ્વારા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક વિશેષ હેલ્પલાઇન અને સેફ્ટી પ્રોટોકોલ તૈયાર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ધ્વનિત, વિધિ કે મેઘના આવા ગુનાઓનો ભોગ ન બને.
આ પણ વાંચો - Ahmedabad : જ્યોર્જિયામાં MBBSનો વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ 10 દિવસથી લાપતા, પરિવાર આઘાતમાં