• કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છૂટકારો પામનાર અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ
  • ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઇ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત પડખે ઊભું રહેશે

કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઉઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવ પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠે આઠ લોકોને હમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતા વેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમરીન હૈ! કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઇ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતા કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઇ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતા હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે.

દુબઇમાં ગયા વર્ષના અંતે ક્લાયમેન્ટ ચેન્જ કોન્ફરન્સ કોપ-28ની બેઠક મળી હતી. એ વખતે દુબઇમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઇ હતી. કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત 1973માં થઇ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના 90 ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતા ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2016માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દરવખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઇ પણ રહ્યું છે.

કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા આપવામાં આવે તો ભારત સાથેના સંબંધો વણસી જશે. કતાર સમૃદ્ધ છે એમાં ના નહીં પણ કતાર પણ દૂધે ધોયેલું તો નથી જ. કતાર સામે અમેરિકા સહિત ઘણા દેશોએ એવા આક્ષેપ કર્યા છે કે, કતાર દુનિયાભરના આતંકવાદીઓને આર્થિક મદદ કરી રહ્યું છે. કતારે હમાસ, અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ, હિઝબુલ્લાહ, મુસ્લિમ બ્રધરહૂડ, અલ નુસરા ફ્રંટ સહિતના આતંકી સંગઠનનો મદદ કર્યાની વાત અગાઉ ચર્ચાનું કેન્દ્ર બની છે. અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે કતારના સંબંધો જગજાહેર છે. તાલિબાનોનું ઇન્ટરનેશનલ હેડ ક્વાટર જ કતારમાં છે. અમેરિકા અને તાલિબાનો વચ્ચે કતારમાં જ બેઠકો યોજાતી હતી. કતારની મધ્યસ્થીમાં જ તાલિબાનો અને અમેરિકા વચ્ચે સમાધાન થયું હતું. તાલિબાનો સમાધાનની શરતોનું પાલન કર્યા વગર જ અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયા હતા. અત્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના નેતાઓ પણ કતારમાં પડ્યા પાથર્યા રહે છે. ઇઝરાયેલ યુદ્ધ પૂરું કરે એ માટેની ઘણી બેઠકો કતારમાં યોજાઇ છે. કતારને ખબર છે કે, ભવિષ્યમાં આપણને ભારતની જરૂર પડવાની છે. આતંરરાષ્ટ્રીય લેવલ પર કોઇ વિવાદ થશે ત્યારે ભારત જ આપણી પડખે ઊભું રહેશે. ભારતે ભૂતકાળમાં એવું કર્યું પણ છે. ભારતીય નાગરિકોને છોડીને કતારે દોસ્તીનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

ભારતના જે ભૂતપૂર્વ જવાનોને કતારે ફાંસીની સજા ફરમાવી હતી એ બધા આપણા દેશની નૌસેનામાં મહત્ત્વની પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યા છે. કેપ્ટન નવતેજસિંહ ગિલ અને કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને તો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. એ બંને અને ભારતીય નૌસેનામાં ફરજ બજાવી ચૂકેલા કમાન્ડર સુગુનાકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્રકુમાર વર્મા અને નાવિક રોગેશ કતારની નૌસેનાને તાલીમ આપતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સાથે જોડાયા હતા. ઓમાન એરફોર્સના રિટાયર્ડ સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજમી આ કંપનીના ચીફ છે. કતારના સ્ટેટ સિક્યોરિટી બ્યૂરોએ તારીખ 30મી ઓગસ્ટ, 2022ના રોજ તમામની ધરપકડ કરી હતી. ભારતીય અધિકારીઓ સામે એવો આક્ષેપ મૂકાયો હતો કે, તેણે કતારની સબમરીન વિશેની સંવેદનશીલ માહિતી ઇઝરાયેલને આપી હતી. જાસૂસીના કાયદા હેઠળ આઠેય સામે કેસ ચાલ્યા હતા. કતારમાં જાસૂસીની સજા મોત છે. તારીખ 26મી ઓકટોબર, 2023ના રોજ કતારની અદાલતે આઠેયને ફાંસીની સજા ફરમાવી હતી. ભારતની દરમિયાનગીરી અને લિગલ એક્સેસ બાદ તારીખ 28મી ડિસેમ્બર, 2023ના રોજ મૃત્યુદંડની સજા આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. એ સમયે એવો હાશકારો થયો હતો કે, હવે એ આઠેયના જીવ બચી ગયા છે. એ બધા આટલા ટૂંકા સમયમાં ભારત પાછા આવી શકશે એની કોઇએ કલ્પના કરી નહોતી. આઠમાંથી સાત ભારત પહોંચી ગયા ત્યાં સુધી વાત ગુપ્ત રાખવામાં આવી હતી. હજુ આખા મામલમાં સવાલ જાસૂસીનો તો છે જ! વાત તો ત્યાં સુધીની આવી છે કે, એક મોટું ષડયંત્ર રચીને ભારતના આઠેયને ફસાવી દેવામાં આવ્યા હતા. આખું કાવતરું પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇએ ઘડ્યું હોવાની વાત પણ થઇ હતી. એક સમયે કતાર અને બીજા મુસ્લિમ દેશો પોતાને ત્યાં નોકરીઓ માટે પાકિસ્તાનીઓ પર પસંદગી ઉતારતા હતા. જો કે, પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ જે રીતે થોડા વર્ષોમાં બદનામ થયા એ પછી દુનિયાના દેશોએ પાકિસ્તાનીઓ પર ભરોસો કરવાનું બંધ કરી દીધું હતું. કતાર માટે ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓની પસંદગી થઇ એ પાકિસ્તાનથી સહન થયું નહોતું. જે થયું હોય તે, હવે એક પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. આ ઘટનાથી ભારત અને કતારના સંબંધો વધુ મજબૂત બનવાના છે એ નક્કી છે!

  • Follow us on: