- નેપાળના લોકોને લોકશાહી ખપતી નથી. નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને રાજાશાહીના પુન: સ્થાપન માટે લોકો આંદોલન કરી રહ્યા છે. આખરે લોકો કેમ અત્યારની સરકારથી કંટાળી ગયા છે?
- નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. એક સમયે નેપાળ હિન્દુ રાષ્ટ્ર પણ હતું. લોકોનું કહેવું છે કે, લોકશાહીના સ્થાપન પછી રાજકારણીઓએ દેશની ઘોર જ ખોદી છે. નેપાળને બરબાદ કરવામાં ચીનની ભૂમિકા પણ કંઇ ઓછી નથી!
આપણા પડોશી દેશ નેપાળમાં જબરજસ્ત ઉત્ત્પાત મચ્યો છે. ગરીબી અને બેકારીથી કંટાળેલા લોકો સરકાર સામે મેદાને ઉતર્યા છે. લોકોની મુખ્ય બે માંગણી છે. એક તો નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવો અને રાજાશાહીનું પુન: સ્થાપન કરો. લોકો કહે છે કે, જ્યારથી દેશે હિન્દુત્ત્વ સાથે બાંધછોડ કરી છે ત્યારથી દેશમાં સંસ્કૃતિ અને પરંપરાઓ ઘસાતી ગઇ છે. લોકશાહી આવી એ પછી દેશની સ્થિતિ વધુ ખરાબ થઇ છે. રાજકારણીઓએ દેશની ઘોર ખોદવામાં કંઇ બાકી રાખ્યું નથી. અત્યારની સરકાર કરતા તો રાજાશાહી સો દરજ્જે સારી હતી. રાજાને દેશ અને દેશના લોકોની ચિંતા હતી. રાજકારણીઓ પોતાનું જ હિત જોવે છે અને સત્તા માટે કોઇપણ સમાધાન કરી લે છે. નેપાળના કેટલાંક રાજકારણીઓ ચીનના ઇશારે નાચી રહ્યા છે. જો આવું જ ચાલ્યું તો દેશના પતનને કોઇ રોકી નહીં શકે. નેપાળમાં આ પહેલી વખત નથી કે, રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માંગ થઇ હોય, અગાઉ પણ અનેક વખત રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. નેપાળની દક્ષિણપંથી વિચારસરણી ધરાવતી આરપીપી એટલે કે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ આપેલા એલાન બાદ હજારો લોકો રોડ પર આવી ગયા હતા. લોકો અને પોલીસ વચ્ચે અથડામણો થઇ હતી. લોકો નારા લગાવતા હતા કે, લોકશાહી ખતમ કરો, રાજાશાહી લાવો અને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવો. નેપાળના લોકોમાં જે રીતે ઉશ્કેરાટ વધતો જાય છે એ જોઇને એવી આગાહીઓ થઇ રહી છે કે, થોડા સમયમાં નેપાળમાં કંઇક નવીજૂની થવાની છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની સરકારથી લોકો નારાજ છે. આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
નેપાળ હિમાલયની ગોદમાં વસેલો નાનકડો દેશ છે. ભારત અને નેપાળના સંબંધો પ્રાચીન સમયથી ઉમદા રહ્યા છે. બંને દેશોને જોડનાર સૌથી મોટી કડી બંને દેશોની સંસ્કૃતિ, પરંપરાઓ અને હિન્દુત્ત્વ છે. ભારતીયો સૌથી વધુ સંખ્યામાં નેપાળ ફરવા અને ભગવાન પશુપતિનાથના દર્શન કરવા જાય છે. ભારતે પહેલેથી જ નેપાળને નાના ભાઇ જેવું સમજીને ધ્યાન રાખ્યું છે. નેપાળમાં રાજાશાહી હતી ત્યારે ત્યારના રાજવી પરિવારો પણ ભારતની નજીક રહેતા હતા. નેપાળમાં લોકશાહીના સ્થાપન પછી પણ ત્યાંની સરકારનો ઝુકાવ ભારત તરફી રહેતા હતો. જો કે, બાદમાં કેટલાંક રાજકારણીઓ ચીનના રવાડે ચડ્યા અને ભારત સાથેના સંબંધો બગાડ્યા. નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કે પી શર્મા ઓલી તો ચીન કહે એટલું જ પાણી પીતા હતા. ચીન નેપાળના રાજકારણીઓને શામ, દામ, દંડ, ભેદ અને બીજી તમામ રીતોથી પોતાની પડખે કરવાના પ્રયાસો કરે છે. ભારત અને નેપાળની દોસ્તી ચીનથી સહન થતી નથી. ચીન નેપાળમાં ભારત વિરૂદ્ધ પ્રચાર કરાવે છે અને લોકોને ભડકાવવાના પ્રયાસો કરે છે. અલબત્ત, લોકોની લાગણી પહેલેથી ભારત તરફ રહી છે. લોકો લોકશાહી નથી ઇચ્છતા તેનું એક કારણ એ પણ છે કે, કેટલાંક રાજકારણીઓ પોતાનું હિત સાધવા ચીનનું કહ્યું માને છે. લોકો કહે છે કે, આખી દુનિયાને ચીનના ખરાબ અનુભવો થયા છે તેમાંથી પણ રાજકારણીઓ કોઇ ધડો લેતા નથી. ભારત જ નેપાળનું મિત્ર હતું, છે અને રહેવાનું છે. ચીન ક્યારેય કોઇનું થયું નથી અને થવાનું નથી.
નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગણી પાછળ પણ મોટું લોજિક છે. નેપાળે હિન્દુત્ત્વ સાથે સમજૂતી કરીને ધર્મ નિરપેક્ષ બંધારણ અપનાવ્યું એ પછી નેપાળમાં ધર્માતરણની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. ગોર્ડન કોનવેલ થિયોલોજિકલ સેમિન્રી નામના થિંક ટેન્ક ઓર્ગેનાઇઝેશને પોતાના રિપોર્ટમાં એવું કહ્યું હતું કે, નેપાળમાં જે હદે ચર્ચનો વધારો થઇ રહ્યો છે એ આખી દુનિયામાં સૌથી વધારે છે. માત્ર ક્રિશ્ચિયન જ નહીં, મુસ્લિમોની સંખ્યા પણ સતત વધી રહી છે. હિન્દુ અને બોદ્ધ ધર્મને માનનારા લોકોને જાતજાતની લાલચો આપીને ધર્માતરણ કરાવવામાં આવી રહ્યું છે. નેપાળના દલિતો પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મને અપનાવવા લાગ્યા છે. માત્ર ધર્મપરિવર્તન જ નથી કરાવાતું, ધાર્મિક ઉશ્કેરણીઓ પણ થઇ રહી છે.
એક લાખ 47 હજાર 516 ચોરસ કિલોમિટરમાં પહાડી વિસ્તારમાં ફેલાયેલા નેપાળની વસતિ 3 કરોડ જેટલી છે. નેપાળના 60 લાખ જેટલા લોકો ભારતમાં રહે છે. નેપાળની વસતિમાં 81 ટકાથી વધુ લોકો હિન્દુ છે. બીજા નંબરે 8.2 ટકા લોકો બોદ્ધ ધર્મ પાળે છે. પાંચ ટકાથી થોડીક વધુ વસતિ મુસ્લિમ છે. 1.8 ટકા લોકો ક્રિશ્ચિયન ધર્મ પાળે છે. એક સમયે નેપાળ પોતાની મોટા ભાગની જરૂરિયાતો માટે ભારત પર આધાર રાખતો હતો. ભારતીય રૂપિયો પણ નેપાળમાં ચાલે છે. ભારતીય સેનામાં ગુરખાઓની રેજિમેન્ટ છે. ભારત અને નેપાળ સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજો અને વેપારથી જોડાયેલા છે. જો કે, ચીન બંને દેશોના સંબંધોમાં ફાચર મારવાના સતત પ્રયાસો કરતું રહે છે અને હજુ પણ એ ચાલી જ રહ્યું છે.
લોકશાહીના સ્થાપન બાદ નેપાળના લોકોને એમ હતું કે, દેશમાં લોકોનું શાસન આવશે એ પછી સ્થિતિ કંઇક સુધરશે. જો કે થયું છે સાવ ઉલટું જ. દેશની સ્થિતિ બગડતી રહી છે. વચ્ચે તો એવી વાતો પણ આવી હતી કે, શ્રીલંકાની જેમ નેપાળ પણ આર્થિક પતન તરફ ઢસડાઇ રહ્યું છે. નેપાળની બગડતી દશા જોઇને જ લોકો ફરીથી રાજાશાહીની માંગણી કરવા લાગ્યા છે. નેપાળમાં 1769થી 2008 સુધી એટલે કે બસોને ચાલીસ વર્ષ રાજાશાહી હતી. નેપાળના છેલ્લા રાજા જ્ઞાનેન્દ્રએ વર્ષ 2001માં રાજાપદે સ્થાપવામાં આવ્યા હતા. જ્ઞાનેન્દ્ર રાજા બન્યા એની પાછળ પણ એક કરૂણ કથા છે. જ્ઞાનેન્દ્ર પહેલા તેમના મોટા ભાઇ બિરેન્દ્ર રાજાપદે હતા. તારીખ 1 જૂન, 2001ના રોજ રાજા બિરેન્દ્રના દીકરા દિપેન્દ્રએ રાજમહેલમાં ખૂની ખેલ ખેલ્યો હતો. દિપેન્દ્રએ આડેધડ ગોળીબાર કરીને પિતા બિરેન્દ્ર, માતા ઐશ્વર્યા, ભાઇ નિરંજન, બહેન શ્રુતિ, કાકા ધીરેન્દ્ર, બે ફઇબા શાંતિ અને શારદા, ફૂઆ કુમાર ખડગા અને પ્રિન્સેસ જયતિ સહિત નવની હત્યા કરી નાખી હતી. પોતાના જ સ્વજનોને મારીને દિપેન્દ્રએ પણ આપઘાત કરી લીધો હતો. દિપેન્દ્રએ આવડો મોટો કાંડ કર્યો એની પાછળ એની લવસ્ટોરી હોવાનું માનવામાં આવે છે. અલબત્ત, આ હત્યાકાંડના સાચા કારણ વિશો હજુ તર્કવિતર્કો જ થઇ રહ્યા છે. દિપેન્દ્રના મોત બાદ તારીખ 4 જૂન, 2001ના રોજ જ્ઞાનેન્દ્રનો રાજ્યાભિષેક થયો હતો.
જ્ઞાનેન્દ્રના રાજમાં થોડો સમય તો બધુ બરાબર ચાલવા લાગ્યું પણ દેશમાં ધીમે ધીમે લોકશાહીની માંગણી થવા લાગી. માઓવાદીઓએ ચલાવેલા આંદોલન બાદ રાજાએ સત્તા છોડી. તારીખ 28મી મે 2008ના રોજ રાજાશાહીનો અંત આવ્યો અને લોકશાહીનું સ્થાપન થયું. નેપાળના છેલ્લા રાજા જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહ અત્યારે 76 વર્ષના છે અને નેપાળની રાજધાની કાઠમંડુમાં આવેલા નારાયણહિતી પેલેસમાં રહે છે. તેઓ પણ દેશની સ્થિતિ જોઇને દુ:ખ વ્યક્ત કરતા રહે છે. નેપાળમાં રાજાશાહીની અને હિન્દુ રાષ્ટની માંગણી જોર પકડતી જાય છે ત્યારે કેટલાંક લોકોને એ પણ ભય સતાવી રહ્યો છે કે, આ દેશ અંધાધૂંધીનો ભોગ બની ન જાય તો સારું!