- અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ત્રણ કંપનીઓને ચંદ્ર પર ચાલી શકે એવું કાર જેવું વાહન બનાવવાનું કામ સોંપ્યું છે. આ નવા વાહનને એલટીવી એટલે કે લૂનર ટરેન વ્હીકલ નામ આપવામાં આવ્યું છે. શું આ શક્ય બનશે ખરું?
- અમેરિકાએ ચાંદ પર કાર દોડાવવી છે ત્યારે જાપાન ચાંદ પર બુલેટ ટ્રેન દોડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. સાયન્સ ફેન્ટસી જેવી આ વાતો જેટલી રોમાંચક છે એટલી જ અઘરી છે. જો કે, દરેક મુશ્કેલ કામ પહેલા અઘરું અને અશક્ય જ લાગતું હોય છે!
કેટલીક વાતો એવી હોય છે જે વાંચીને કે જાણીને આંખો પહોળી થઇ જાય. હમણાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અને જાપાને જે વાત કરી છે એને ઘણા લોકો સાયન્સ ફેન્ટસીની ઉપમા આપી રહ્યા છે. નાસાએ ચંદ્ર પર કાર દોડાવવાની યોજના બનાવી છે. જાપાન તો એક ડગલું આગળ વધીને ચાંદ પર બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. આ વાત જાણીને લોકોને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, ખરેખર આવું શક્ય છે ખરું? નિષ્ણાતો એવું કહે છે કે, કોઇ નવી અને મોટી વાત હોય ત્યારે પહેલા અશક્ય જ લાગતી હોય છે. કોઇએ અગાઉ ક્યારેય કલ્પના કરી નહોતી કે, ભવિષ્યમાં સ્પેસ ટૂર પણ શક્ય બનશે. સ્પેસ સ્ટેશન અત્યારે અતંરીક્ષમાં ઘૂમી રહ્યું છે. ભારત સહિત અનેક દેશો પોતાના સ્પેસ સ્ટેશન પર પણ કામ કરી રહ્યા છે. ચંદ્ર પર હોટલ બનાવવાની યોજનાઓ પણ ઘડવામાં આવી રહી છે. કેટલીક સંસ્થાઓ તો ચંદ્ર જાણે પોતાનો હોય એમ ચંદ્રની જમીનો પણ વેચી રહ્યા છે. સાયન્સની ક્ષમતાઓ અપાર છે. વિચાર ક્યારેક સાર્થક પણ થતા હોય છે એટલે ભવિષ્યમાં ચાંદ પર કાર કે ટ્રેન ચાલતી હોય તો એમાં નવાઇ પામવા જેવું નહીં હોય. સ્પેસ સાયન્સ અત્યારે સૌથી વધુ ઝડપે આગળ વધી રહ્યું છે અને કોઇને સપનું પણ ન આવ્યું હોય એવા કારનામા કરી રહ્યું છે.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને પોતાના અર્ટેમિસ સ્પેસ મિશન માટે લુનર એક્સપ્લોરેશન વ્હીકલની યોજના હાથ ધરી છે. સાવ સાદી ભાષામાં કહીએ તો નાસાને ચાંદ પર ચાલી શકે એવી કાર બનાવવી છે. આ કારને નાસાએ એલટીવી એટલે કે લૂનર ટરેન વ્હીકલ નામ આપ્યું છે. નાસા પોતે આ કાર બનાવવાની નથી. નાસાએ ત્રણ ખાનગી કંપનીઓને એલટીવી બનાવવા માટે પસંદ કરી છે. નાસાના જોન્સન સ્પેસ સેન્ટરના ડાયરેકટર વનેસા વાઇસે કહ્યું કે, આ વ્હીકલ ચાંદ પર જનારા એસ્ટ્રોનટ્સની તાકાતમાં અનેકગણો વધારો કરી દેશે. આ વ્હીકલ માટે નાસા 38,374 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું છે. જેને કામ સોંપવામાં આવ્યું છે એ બધા પહેલા તો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરશે. નાસા પોતાની રિક્વાયરમેન્ટ આપશે એ મુજબ વ્હીકલ તૈયાર થશે. નાસાએ ત્રણ કંપનીઓ પસંદ કરી એની પાછળ પણ એવું લોજિક છે કે, બધી કંપનીઓ વ્હીકલ ન પણ બનાવી શકે. એક કંપની પણ જો સફળ રહે તો ધાર્યું કામ કરી શકે. માનો કે ત્રણેય કંપની વ્હીકલ બનાવી લે તો પણ સૌથી બેસ્ટ હોય એને મોકલવાનો ઓપ્શન મળી રહે. બીજી બે કાર સ્પેરમાં રહી શકે. જે ત્રણ કંપનીઓને આ કામ સોંપાયું છે તેમાં ઇન્ટ્યૂશિવ મશીન્સ, લૂનર આઉટ પોસ્ટ અને વેન્ટૂરી એસ્ટ્રોલેબનો સમાવેશ થાય છે. નાસાએ એસ્ટ્રોનટ્સને ચાંદ પર મોકલવા અર્ટેમિસ મૂન મિશન હાથ ધર્યું છે. આ મિશનના અધિકારીએ કહ્યું કે, એસ્ટ્રોનટ્સની સાથે જ આ વ્હીકલને ચાંદ પર મોકલવામાં આવશે. આ વ્હીકલમાં બેસીને એસ્ટ્રોનટ્સ ચાંદ પર આસાનીથી ફરી શકશે અને ચાંદના જુદા જુદા વિસ્તારો પર સંશોધન કરી શકશે. ચાંદ પર ચાલવાનું કામ સહેલું નથી. જો વાહન હોય તો આસાન રહે અને મિશનના જે હેતુઓ છે એ પૂર્ણ થાય. નાસાએ વર્ષ 2029 સુધીમાં એસ્ટ્રોનટ્સને ચાંદ પર મોકલવાનું પ્લાનિંગ કર્યું છે. ચાંદ પર ચાલી શકે એવું વ્હીકલ બની જાય એ પછી રિમોટથી તેની ટ્રાયલ થવાની છે. બધું ઓકે થાય એ પછી જ એ વ્હીકલને ચાંદ પર મોકલવામાં આવશે. જો આ મિશન સફળ થાય તો ભવિષ્યમાં આ પ્રકારના વ્હીકલનો કમર્શિયલ ઉપયોગ કરવા માટે પણ વિચાર કરવામાં આવશે. સાયન્સ વર્લ્ડમાં ઘણી વખત એવું પણ થયું છે કે, કંઇક નવો પ્રયોગ કરતા હોય અને કંઇ નવું જ અને ન ધાર્યું હોય એવું પણ બની શકે છે.













