- દુનિયાભરમાં ફરજ બજાવતા અમેરિકાના અધિકારીઓને ચક્કર આવવા લાગે છે, ઉલટીઓ થવા લાગે છે અને મગજ કામ કરતું બંધ થઇ જાય છે. અમેરિકાએ હવે એવું કહ્યું છે કે, આ બધા કરતૂતો રશિયા કરે છે! આ ભેદી બીમારીને હવાના સિન્ડ્રોમ નામ અપાયું છે
- રશિયા કોઇ ભેદી રીતે એટેક કરે છે. ખરેખર આ શું છે એની કોઇને ખબર પડતી નથી. રશિયા એવું તે શું કરે છે કે, અમેરિકન અધિકારીઓની મતિ મૂંઝાઇ જાય છે? અમેરિકાના લેટેસ્ટ રિપોર્ટ બાદ હવાના સિન્ડ્રોમ વધુ એક વખત ચર્ચામાં છે!
સ્પેશિયલ મિશન પર કામ કરતા અમેરિકાના અધિકારીઓને કંઇક એવું થવા લાગે છે જે કોઇને સમજાતું નથી. તદ્દન સાજાસારા અમેરિકન ઓફિસર્સને અચાનક જ કાનમાં તમરાં સંભળાવા લાગે છે. ધીમે ધીમે એ ભેદી અવાજ સતત વધતો જાય છે. આ અવાજથી માથું દુખવા માંડે છે. ચક્કર આવવા લાગે છે. ઉલટીઓ થવા લાગે છે. શરીર દુખવા લાગે છે. શું કામ કરતા હતા એ ભુલાઇ જાય છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો કંઇ જ ખબર પડતી નથી કે, આખરે આ થઇ શું રહ્યું છે? અમેરિકાના અધિકારીઓ સાથે જુદા જુદા દેશોમાં આવી ઘટનાઓ બનવા લાગતા અમેરિકાની સરકાર હલી ગઇ અને તપાસ આદરી. આજની તારીખે આ વિશે ખરી હકીકતો તો બહાર આવી જ નથી પણ હમણાં અમેરિકાના એક રિપોર્ટમાં એવું કહેવાયું કે, જે થઇ રહ્યું છે એ રશિયાનું કરતૂત છે. રશિયા કોઇ ભેદી રીતે એટેક કરે છે જેના કારણે અધિકારીઓના મગજમાં સીધી અસર થાય છે. વાત છે વર્ષ 2021ની. અમેરિકાનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વિએતનામની મુલાકાતે ગયા હતા. તેઓ વિએતનામ પહોંચે એ પહેલા જ વિએતનામની રાજધાની હનોઇમાં આવેલી અમેરિકન એમ્બેસીના અધિકારીઓને ચક્કર આવવા લાગ્યા અને મગજ સુન્ન મારી ગયું. અમેરિકાએ કહ્યું કે, જે થઇ રહ્યું છે એ હવાના સિન્ડ્રોમ છે!
અમેરિકાએ જાહેર કર્યું એ પહેલા હવાના સિન્ડ્રોમનું નામ કોઇએ સાંભળ્યું નહોતું. આખી દુનિયામાં ચર્ચા ચાલી કે, આખરે આ હવાના સિન્ડ્રોમ છે શું? આ એક ભેદી બીમારી છે, જેનું કોઇ ચોક્કસ નામ નથી. સૌથી પહેલા હવાનામાં અમેરિકન અધિકારીઓ સાથે ભેદી ઘટના બની હતી એટલે તેને હવાના સિન્ડ્રોમ નામ આપવામાં આપી દેવાયું હતું. હવાના અમેરિકાના પડોશી દેશ ક્યૂબાનું પાટનગર છે. ક્યૂબા અને અમેરિકાને બહુ બનતું નથી. 2014માં જ્યારે બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે બંને દેશ થોડાક નજીક આવ્યા હતા. એ પછી અમેરિકાએ ક્યૂબામાં એમ્બેસી શરૂ કરી હતી. 2016માં ક્યૂબામાં અમેરિકન અધિકારીઓ ભેદી રોગમાં સપડાવવા માંડ્યા. એ જ ભેદી અવાજ, ચક્કર, ઉલટી અને મગજનું કામ કરવું બંધ થઇ જવું. અમેરિકાએ થોડા જ સમયમાં પોતાના તમામ અધિકારીઓને હવાનાથી પાછા બોલાવી લીધા. જેવું હવાનામાં થયું હતું એવું તો પછી બીજા દેશોમાં પણ અમેરિકનો સાથે થવા લાગ્યું. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં અમેરિકાના એમ્બેસેડર અને તેના પત્નીને ભેદી અવાજો સંભળાવવા લાગ્યા. એ બંનેને પણ અમેરિકાએ પાછા બોલાવી લીધા હતા. એ વાત પતી નહોતી ત્યાં 2018માં ચીનના ગુઆંગઝુમાં પણ અમેરિકન રાજદ્વારી સાથે એવું જ થયું. પહેલા તો અમેરિકાએ ક્યૂબા અને ચીન સામે એવા આક્ષેપ કર્યા હતા કે, તમે જ કંઇક કરો છો. હવે વાત રશિયાની આવી છે. રશિયાએ આવું કંઇ કરતા હોવાનો ઇનકાર કર્યો છે.
અત્યાર સુધીમાં અમેરિકાના 130 અધિકારીઓએ હવાના સિન્ડ્રોમની ફરિયાદ કરી છે. આ અધિકારીઓ રશિયા, ચીન, ક્યૂબા, પોલેન્ડ, જ્યોર્જિયા, જર્મની, તાઇવાન, કિર્ગિસ્તાન, ઓસ્ટ્રિયા વગેરે દેશમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાનમાં આપણા દેશમાં પણ હવાના સિન્ડ્રોમનો એક કેસ નોંધાયો હતો. 2021માં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએના ડિરેકટર વિલિયમ બર્ન્સ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, એ વખતે ભારત ખાતેના એક અમેરિકન અધિકારીમાં હવાના સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઘટના પછી આપણા દેશે એવો ખુલાસો કર્યો હતો કે, એ અધિકારીને શું થયું એની અમને સમજ પડતી નથી. અમેરિકાએ અનેક રીતે આ ભેદી બીમારીનો અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં જુદા જુદા કારણો બહાર આવ્યા હતા. અમેરિકાની નેશનલ એકેડેમી એન્ડ સાયન્સે 2020માં એક અહેવાલ આપ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, હવાના સિન્ડ્રોમ એટેકનું કારણ માઇક્રોવેવ વેપન્સ હોઇ શકે છે. માઇક્રોવેવ વેપન્સ અવાજ, લેસર અથવા તો માઇક્રોવેવ્સ સ્વરૂપમાં કોઇ ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી શકે છે. આવું હથિયાર સૌપ્રથમ સોવિયેત સંઘ દ્વારા જ વિકસાવવામાં આવ્યું હતું. અમેરિકા અને ચીને પણ બાદમાં આવા હથિયારો તૈયાર કર્યા હતા. ડાયરેક્ટ એનર્જી વેપન્સ તરીકે ઓળખાતા આ હથિયારો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી એટેક કરે છે. રેડિયો ફ્રિકવન્સી ડિવાઇસ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતના એટેકથી કોઇ માણસનું મોત થતું નથી પણ એની હાલત એવી થઇ જાય છે કે, એ કામ કરી શકતા નથી. સ્પેશિયલ મિશન માટે કામ કરતા એક્સપર્ટસ નકામા થઇ જાય એનાથી વધુ દુશ્મન દેશોનું શું જોઇએ?
અમેરિકાનું માઇક્રોવેવ વેપન સૌથી પહેલા વર્ષ 2007માં જોવા મળ્યું હતું. અમેરિકાએ તેને એક્ટિવ ડિનાયલ સિસ્ટમ નામ આપ્યું હતું. એ પછી તો ચીને પણ આવું હથિયાર બનાવી લીધું હતું. 2014માં ચીને એક એર શો યોજ્યો હતો. આ એર શોમાં ચીને પહેલી વખત પોલી ડબલ્યૂબી-વન નામનું માઇક્રોવેવ વેપન રજૂ કર્યું હતું. હજુ એ સવાલ તો છે જ કે, આ ખરેખર કોઇ દ્વારા કરવામાં આવતો એટેક છે કે પછી કોઇ ભેદી બીમારી છે? જો બીમારી હોય તો માત્ર અમેરિકના અધિકારીઓ જ કેમ તેનો ભોગ બને છે? બીજાને પણ આ બીમારી થવી જોઇએને? અમેરિકન અધિકારીઓ ભોગ બને છે તેના ટાઇમિંગ પણ ભેદી છે. અમેરિકાના કોઇ નેતા કે ઉચ્ચ અધિકારીની મુલાકાત વખતે જ કેમ આવું થાય છે? રશિયા જો આવું કરતું હોય તો તેને અમેરિકા કેમ પકડી શકતું નથી? રશિયા આ ખતરનાક તરંગો ક્યાંથી રિલીઝ કરે છે? હજુ ઘણા સવાલોના જવાબો મળતા નથી.
હવાનામાં સૌથી પહેલી ઘટના બની એ પછી ક્યૂબાના સાયન્ટિસ્ટોએ પણ આ વિશે તપાસ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આખી વાત જ ભ્રામક અને પાયાવિહોણી છે. ક્યૂબાએ તો તેને હવાના સિન્ડ્રોમ નામ આપવા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. હવાનાનું નામ લઇ અમને બદનામ કરવાનું બંધ કરો. અમેરિકા કહે છે કે, જે થઇ રહ્યું છે એની પાછળ રશિયાની જીઆરયુ યુનિટ જવાબદાર છે. જીઆરયુનું ફૂલ રશિયન નામ ગ્વાવનોયે રઝવેદયાવાતેલ્નોયે અપારાવ્લેની થાય છે. આ રશિયાનું ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન છે. સોવિયત સંઘ હતું ત્યારે જીઆરયુની સ્થાપના કરવામાં આવી હતી. જીઆરયુએ અનેક રહસ્યમય મિશનો હાથ ધર્યા છે. હવાના સિન્ડ્રોમ તેની જ નિપજ છે? અમેરિકા અને ચીન પાસે પણ માઇક્રોવેવ વેપન્સ છે ત્યારે એ સવાલ પણ પૂછવામાં આવે છે કે, શું આ બંનેએ અથવા તો બંનેમાંથી કોઇએ આ હથિયારનો ઉપયોગ કર્યો છે? અલબત્ત, તેની કોઇ વિગતો બહાર આવી નથી. માનો કે હવાના સિન્ડ્રોમ રશિયાનું કાવતરું છે તો અમેરિકા પાસે તેનો કોઇ તોડ છે ખરો? અમેરિકા દુનિયાના દેશોમાં આવેલી પોતાની એમ્બેસીએ દરેક પ્રકારના અત્યાધુનિક ઉપકરણો લગાવે છે જેથી દુશ્મનોની કોઇ કારી ફાવે નહીં. શું રશિયા પાસે એવા હથિયાર છે જેને કોઇ પકડી ન શકે? અમેરિકા અત્યારે તો હવાના સિન્ડ્રોમ વિશે ગોથે ચડ્યું છે પણ અમેરિકન એક્સપર્ટસ એવું કહે છે કે, અમે ગમે તેમ કરીને તેના મૂળ સુધી પહોંચીશું!