• અમેરિકનો પોતાના દેશ માટે સૌથી વધુ જોખમી અને ખતરનાક ચીનને માને છે. અમેરિકામાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, 40 ટકા અમેરિકનો ચીનને દુશ્મન નંબર વન ગણે છે. અમેરિકનો માને છે કે, દરેક વાતમાં અને દરેક કામમાં ચીનની દાનત બૂરી હોય છે
  • અમેરિકનો કેનેડા અને જાપાનને ફેવરિટ માને છે. એ પછી બ્રિટન, જર્મની, ફ્રાંસ અને તાઇવાનનું નામ આવે છે. ભારત અને અમેરિકા મિત્ર દેશો છે એમાં ના નહીં પણ આપણો દેશ અમેરિકાને એક હદથી વધુ ભાવ આપતું નથી એટલે ભારત બહુ વહાલું લાગતું નથી!

અમેરિકા સરવે અને રિસર્ચ પર જીવતો દેશ છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં જાતજાતના સરવે નિયમિત રીતે ચાલતા જ રહે છે. સુપર પાવરનો પોતાનો એક દબદબો હોય છે. અમેરિકનો પોતાને દુનિયાના બીજા દેશોના લોકો કરતા સક્ષમ અને ખમતીધર માને છે. અમેરિકાની જગત જમાદારી આખી દુનિયામાં ચાલે છે. પોતાને કંઇ લાગતું વળગતું ન હોય એવી બાબતોમાં પણ અમેરિકા પોતાનો અભિપ્રાય આપતું રહે છે. અમેરિકન પીપલ શું માને છે એ જાણવામાં આખી દુનિયાને રસ હોય છે. અમેરિકનો માટે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન છે એ વિશેના હમણાંના એક સરવેએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકનોને સૌથી વધુ નફરત ચીન માટે છે. એક સમય હતો જ્યારે અમેરિકાનું નંબર વન દુશ્મન રશિયા હતું. અમેરિકનો રશિયાને ધિક્કારતા હતા. આજની તારીખે અમેરિકનો રશિયાથી નારાજ તો છે જ પણ એનો નંબર બીજો આવે છે. ચીને છેલ્લા થોડા દાયકાઓમાં જે વિકાસ સાધ્યો છે એ કોઇને પણ આશ્ચર્યમાં મૂકવા માટે પૂરતો છે. વિકાસ સાધવાનો દરેકને અધિકાર છે. જે જેટલી મહેનત કરે અને જેનામાં જેટલી આવડત હોય એ એટલું આગળ વધે છે એ વાત સાચી પણ ચીન લુચ્ચો દેશ છે એ પોતાનો સ્વાર્થ સાધવા માટે બદમાશીની કોઇપણ હદ સુધી જઇ શકે છે. ચીન વિસ્તારવાદી વિકૃતિથી પીડાય છે. પોતાના તમામ પડોશીઓ સાથે ચીનને કોઇને કોઇ ઇશ્યૂ છે. જમીન પર તો ચીન પેશકદમી કરે જ છે, દરિયામાં પણ દાદાગીરી કરવાનું ચૂકતું નથી. ચીન પર એટલે જ કોઇને વિશ્વાસ બેસતો નથી.

કોરોના પછી તો અમેરિકનોને ચીન પ્રત્યે જબરજસ્ત ગુસ્સો હતો. ભલે એ વાત સાબિત ન થઇ હોય પણ અમેરિકનો સહિત દુનિયાના અનેક દેશો એવું જ માને છે કે, કોરોના ચીનનું પાપ હતું. ચીનના વુહાન શહેરની લેબોરેટરમાંથી જ કોરોના વાઇરસ ફેલાયો હતો. કોરોના પછી અમેરિકામાં થયેલા સરવેમાં પચાસ ટકા લોકોએ ચીન પ્રત્યે નારાજગી બતાવી હતી. હમણાં અમેરિકાની એનાલિસ્ટ કંપની ગેલેપ દ્વારા થયેલા સરવેમાં ચાલીસ ટકા અમેરિકનોએ કહ્યું કે, ચીન માટે અમને ગુસ્સો છે અને ચીન આખી દુનિયા માટે ખતરો છે. ચીન પછી બીજા નંબરે રશિયા માટે અમેરિકનોને નારાજગી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે બે વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા યૂક્રેનને તમામ મદદ કરી રહ્યું છે. યૂક્રેન વતી અમેરિકા જ રશિયા સામે લડી રહ્યું છે એમ કહીએ તો પણ વધુ પડતું નથી. અમેરિકનો માને છે કે, રશિયાએ યૂક્રેન પર હુમલો કરીને આખી દુનિયાની દશા બગાડી નાખી છે. ચીન અને રશિયા પછી અમેરિકનોને જેમના પર નારાજગી છે એ ઇરાન છે. ઇરાન અને અમેરિકા વચ્ચે દાયકાઓથી દુશ્મની છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ઇરાન સાથે પરમાણુ સંધી કરતા સંબંધો સુધર્યા હતા. જો કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે થયેલી ડીલ રદ કરી પછી સંબંધો ફરીથી વણસી ગયા હતા.

ચીન પ્રત્યેની અમેરિકનોની નારાજગીનું એક કારણ એ છે કે, ચીન દુનિયામાં ડોલરનું પ્રભુત્ત્વ ઘટાડવાના પ્રયાસો કરે છે. ચીને છેલ્લા થોડા સમયમાં ડી-ડોલરાઇઝેશન માટે ઘણા પગલાં ભર્યા છે. રશિયા સહિત કેટલાંક દેશો સાથે ચીન પોતાના ચલણ યુઆનથી બિઝનેસ કરી રહ્યું છે. ડોલર જો ઇન્ટરનેશનલ કરન્સી મટી જાય તો અમેરિકાની તાકાત ઘટી જાય. ચીન અમેરિકાના દુશ્મનો રશિયા, નોર્થ કોરિયા અને બીજા દેશોને પોતાની સાથે લઇને વર્ચસ્વ વધારી રહ્યું છે. ચીન ટેક્નોલોજીની ચોરી કરે છે. અમેરિકા અને દુનિયાના દેશો કોઇ નવી શોધ માટે તગડો ખર્ચ કરીને વર્ષો સુધી રીસર્ચ કરે છે. ચીન હેકિંગ કે બીજી કોઇ પણ રીતે એ શોધ, સંશોધન, ટેક્નોલોજી તફડાવી લે છે. ચીનની પ્રોડક્ટ પણ હલકી અને નબળી હોય છે. સસ્તા ભાવની વસ્તુઓ ચીન દુનિયામાં પધરાવે છે. ગયા વર્ષે એપ્રિલ, 2023માં પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા થયેલા એક સરવેમાં 85 ટકા અમેરિકનોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે, ચીન જો દુનિયામાં નંબર વન બની ગયું તો એ કોઇનું હિત નહીં જુવે અને કંઇ પણ કરશે.

હવે બીજો સવાલ, અમેરિકનો પોતાના મિત્ર કોને ગણે છે? એમાં સૌથી પહેલો નંબર કેનેડાનો આવે છે. કેનેડા અમેરિકાને અડીને આવેલું છે. અમેરિકાની દરેક બાબતમાં કેનેડા સાથ આપે છે. કેનેડા પછી અમેરિકનો જાપાનને સૌથી વધુ પસંદ કરે છે. અમેરિકાએ જાપાન પણ અણુબોંબ ફેંક્યો હતો એ જાપાન અને અમેરિકા આજે ખાસ દોસ્ત છે. બ્રિટન, જર્મની, ફ્રાંસ અને તાઇવાનના એ પછી નામ આવે છે. ભારત વિશે અમેરિકનો શું માને છે? એ વિશે સરવેમાં કોઇ વિગતો હતી નહીં પણ ભારતની જે ઇમેજ છે એ એવી છે કે, ભારત તટસ્થ દેશ છે. ભારતીયો સાહસિક અને મહેનતુ છે. ભારતીયો અમેરિકનો સાથે હળીમળીને રહે છે. જ્યાં સુધી ઇન્ટરનેશનલ રિલેશન્સને લાગે વળગે છે ત્યાં સુધી ભારત અને અમેરિકા એક-બીજાના મિત્ર છે. ભૂતકાળ જુદો હતો. આપણો દેશ આઝાદ થયો એ પછી આપણો ઝુકાવ રશિયા તરફ હતો. શસ્ત્રોથી માંડીને ઘણી બધી ચીજ વસ્તુઓ માટે આપણી નજર રશિયા તરફ જ રહેતી હતી. રશિયા અને ભારતની દોસ્તી અમેરિકાને પસંદ પડતી નહોતી. અમેરિકાએ આપણા દેશને ડરાવવા, ધમકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા પણ આપણા દેશે કોઇ ભાવ આપ્યો નહોતો. સમય જતાં ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારો થયો. બંને દેશ નજીક આવ્યા. અમેરિકા એ પછી પણ એવું જ ઇચ્છતું હતું કે, ભારત રશિયા સાથેના સંબંધો ઘટાડી દે. આપણો દેશ સ્પષ્ટ શબ્દોમાં કહેતો રહ્યો છે કે, રશિયા અમારું જૂનું અને નીવડેલું મિત્ર છે, અમે તેની સાથેના સંબંધો કાપી કે ઘટાડી ન શકીએ. રશિયા અને યૂક્રેનનું યુદ્ધ થયું એ પછી અમેરિકાએ રશિયા પર ઇતિહાસમાં કોઇએ ક્યારેય કોઇના પર ન લાદ્યા હોય એટલા પ્રતિબંધો લાદ્યા છે. આપણા દેશે એ પ્રતિબંધો પણ માન્યા નથી અને રશિયા સાથે સંબંધો ચાલુ રાખ્યા છે. અમેરિકા સાથે સંબંધો વધાર્યા એના કારણે રશિયા પણ ભારતથી નારાજ થયું હતું. યુદ્ધ પછી રશિયાને સમજાયું કે, ભારત સાચું મિત્ર છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન એક કરતા વધુ વખત એવું કહી ચૂક્યા છે કે, રશિયા ટકી ગયું એનું કારણ ભારતે નિભાવેલો સાથ છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ભારતને ખાત્રી આપી છે કે, ચીન સામે અમે તમારી સાથે છીએ. આપણા દેશે હવે આખી દુનિયામાં એટલું કાઠું કાઢી લીધું છે કે, અમેરિકા પણ ભારતને ઇગ્નોર ન કરી શકે. અમેરિકા સાથેના સારા સંબંધો ભારત માટે પણ ફાયદાકારક જ રહ્યા છે. આગામી સમયમાં અમેરિકનો ભારતને પણ પોતાનું ફેવરિટ માનવા લાગે તો એમાં જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય! 

  • Follow us on: