એ.આર. રહેમાન અને અરિજિત સિંહ બંનેએ ગીત-સંગીત ક્ષેત્રમાં જે આપ્યું છે એ કાબિલેદાદ છે. એ.આર. રહેમાનના નામે ઓસ્કારથી માડીને અસંખ્ય એવોર્ડ્ઝ ચડેલા છે. તો પણ તેમને હજુ વાંધા વચકા છે. અરિજિતને ખરેખર સંતોષ થઇ ગયો છે કે પછી તેનું કારણ બીજું કંઇ છે એ વિશે જાતજાતની વાતો થઇ રહી છે.
દરેક ભારતીયના દિલમાં વસેલા લોકપ્રિય ગાયક અરિજિત સિંહ
દરેક ભારતીયના દિલમાં વસેલા લોકપ્રિય ગાયક અરિજિત સિંહે હવેથી ફિલ્મો માટે ગીતો ન ગાવાની વાત કરીને બધાને ચોંકાવ્યા છે. અરિજિતે કેમ આવું કર્યું તેની ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. અરિજિત પહેલા સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર એ.આર. રહેમાને કામ મળવા બાબતે થોડીક વિવાદાસ્પદ વાતો કરીને ચર્ચાઓ જગાવી હતી. એ.આર. રહેમાન અને અરિજિત બંને મહાન કલાકારો છે. બંનેએ ગીત સંગીત રૂપે લોકોને જે આપ્યું છે એ સરાહનીય અને ઉત્કૃષ્ઠ છે. લોકોએ પણ બંને કલાકારોને ખૂબ જ પ્રેમ અને આદર આપ્યો છે. પહેલા એ.આર. રહેમાનની વાત અને પછી અરિજિતના એલાનના પગલે બોલિવૂડમાં બંને વિશે એવી વાતો થઇ રહી છે કે, એક કલાકાર અને બીજા કલાકારમાં આટલો ફર્ક હોય છે. અરિજિતે પોતાની ગીતની માફક જ કહ્યું કે, અચ્છા ચલતા હૂં, ત્યારે એવી વાતો પણ ચાલી કે, શું ટોપ પર હોઇએ ત્યારે જ મેદાન છોડી દેવાનું અરિજિત માને છે? કે પછી તેને ડર લાગી રહ્યો છે કે, હવે મારી પાસે નવું આપવા જેવું કંઇ નથી? હું હવે કોઇ હિટ સોંગ આપી શકીશ નહીં. જેમ રાઇટર્સ બ્લોક હોય છે એમ સિંગર્સ બ્લોક પણ હોય છે? કોઇપણ કલાકાર અંતે તો પોતાની મરજીનો માલિક છે. સાચા કારણો માત્રને માત્ર તેને જ ખબર હોવાના છે. ઘણી વખત કલાકાર એવું પણ માનવા લાગે છે કે, જે પ્રાપ્ત કરવાનું હતું એ કરી લીધું છે. મહાનમાં મહાન કલાકારનો પણ ડાઉનફોલ આવ્યો છે. એક સમયે તો એવું થવાનું જ છે. એના કરતા સમય આવ્યે એક્ઝિટ કરી દેવામાં શાણપણ છે. અરિજિતે એમ પણ કહ્યું છે કે, હું બહુ ઝડપથી બોર થઇ જાવ છું. એકસરખું મને ગમતું નથી. એ કારણે જ પોતે પોતાના જ ગીતો લાઇવ કોન્સર્ટમાં જુદી રીતે ગાતા હોવાની વાત તેમણે કરી હતી. અરિજિતનું વર્તન આમ તો પહેલેથી જ અલગારી જીવ જેવું રહ્યું છે. બોલિવૂડની દુનિયા તેણે નજીકથી જોઇ છે. કદાચ તેને એનું ખોખલાપણું પણ વાજબી ન લાગ્યું હોય. ટોપ પર પહોંચ્યા પછી પણ ઘણી વખત એવા વિચારો આવતા હોય છે કે, હું જે કરું છું એ બરાબર કરું છુંને? આખરે હું જે કરું છું એનો અર્થ શું છે? આવા જ કોઇ પ્રશ્નનો ઉત્તર મેળવીને અરિજિતે પ્લે બેક સિંગિંગને રામરામ કરી દીધા લાગે છે.
એ.આર. રહેમાનને કેમ હજુ બળાપો છે?
એ.આર. રહેમાને એક ઇન્ટરવ્યૂમાં કેટલાંક વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા સાત આઠ વર્ષથી જોઇએ એવું કામ મળતું નથી. જ્યારે તેમણે એવું કહ્યું કે, કામ ન મળવાનું કારણ સાંપ્રદાયિક પણ હોય શકે છે ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે. તેનો કહેવાનો સીધો મતલબ એવો હતો કે, હું મુસ્લિમ છું એના કારણે મને કામ નથી મળતું. એ.આર. રહેમાન અગાઉ ભાગ્યે જ કોઇ કોન્ટ્રોવર્સીમાં આવ્યા છે. તેમની આ વખતની વાત પછી બોલિવૂડના કલાકારો સહિત લોકોએ પણ તેમને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ કર્યા. એ.આર. રહેમાન અત્યંત મોંઘા છે ત્યાંથી માંડીને એ.આર. રહેમાનને મળવું નાના પ્રોડ્યુસર માટે અઘરું છે ત્યાં સુધીની વાતો થઇ.
બીજી વાત એ પણ છે કે, એવું શું છે જે હજુ એ.આર. રહેમાનને નથી મળ્યું?
દેશ અને વિદેશના ટોપ એવોર્ડઝ તેમને મળી ચૂક્યા છે. ઓસ્કારની યાદીમાં પણ તેમનું નામ અંકે થઇ ગયું છે. બે ગ્રેમી એવોર્ડ અને એક બાફ્ટા એવોર્ડ તેમને મળ્યા છે. આપણી સરકારે તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી નવાજ્યા છે. છ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા છે. સાત વખત ફિલ્મફેર એવોર્ડ અને પંદર વખત ફિલ્મફેર સાઉથ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ સિવાય તેમને મળેલા એવોર્ડ અને પુરસ્કારનું લાંબુ લિસ્ટ છે. કોઇ કલાકારનું સપનું હોય એનાથી વધુ તેમને મળ્યું છે છતાં આવી વાત કરવી કેટલી વાજબી છે એવો સવાલ બધાને થાય એ સમજી શકાય એવી વાત છે. વિવાદ થયો એ પછી તેઓ પોતાનો બચાવ કરવા લાગ્યા હતા. એ.આર. રહેમાને એવું પણ કહ્યું કે, સંગીતના કામનો નિર્ણય એવા લોકોના હાથમાં છે જેને ક્રિએટિવિટી વિશે કંઇ ગતાગમ નથી. એ.આર. રહેમાન ભૂલી જાય છે કે, એ લોકોએ જ અગાઉ તમને કામ આપ્યું હતું. બીજી વાત એ કે દરેક ક્ષેત્રમાં આવું જ છે. બધે સ્પર્ધા અને મનમાની હોવાની જ છે. એ કંઇ તમને એકલાને જ નડતું કે લાગુ પડતું નથી, દરેક કલાકાર એનો સામનો કરે જ છે. અરિજિતે પણ કંઇ ઓછા પડકારો ઝીલ્યા નથી. કલાકાર માટે સૌથી મોટી અને મહત્ત્વની વાત પોતાનો ગ્રેસ જાળવવાની છે. જો તમે એ ન કરી શકો તો તમે ગમે એટલા મહાન હોવ તો પણ લોકોની નજરમાંથી ઉતરી જાવ છો. અરિજિતે કોઇ સંજોગોમાં પોતાનો ગ્રેસ ગુમાવ્યો નથી. એનામાંથી એ જ વાત શીખવા જેવી છે.
સલમાન અને અરિજિત વચ્ચે નાની વાતમાં મોટી બબાલ થઇ ગઇ હતી
સલમાન ખાનની ઇમેજ બોલિવૂડમાં પોતાનું ધાર્યું કરનાર વ્યક્તિની રહી છે. સલમાનની સામે પડ્યો એનું આવી બને એવી ધાક આજની તારીખે પ્રવર્તી રહી છે. આ સલમાન અને અરિજિત વચ્ચે એક એવોર્ડ સમારોહમાં લાઇટર ટોનમાં થયેલી વાતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાત છે, 2014ના સ્ટાર ગિલ્ડ એવોર્ડ સમારોહની. સલમાન ખાન આ એવોર્ડ સમારોહ હોસ્ટ કરતા હતા. અરિજિતનું ગીત તુમ હી હો જબરદસ્ત હિટ ગયું હતું. અરિજિત એવોર્ડ સમારોહમાં આવ્યા ત્યારે ખૂબ થાકેલા હતા. એવોર્ડ માટે તેનું નામ બોલાયું ત્યારે તેમને સ્ટેજ પર જતા થોડા સમય લાગ્યો હતો. સ્ટેજ પર ગયા ત્યારે સલમાને હળવાશમાં પૂછ્યું હતું કે, સો ગયે થે ક્યા? અરિજિતે પણ લાઇટર ટોનમાં જ એવું કહ્યું કે, આપ લોગોને સુલા દીયા યાર. આ વાતથી સલમાનને ખોટું લાગી ગયું હતું. આ ઘટના પછી સલમાને પોતાની ફિલ્મોમાંથી અરિજિતના ગીતો કઢાવી નાખ્યા હતા. જોકે, બાદમાં અરિજિતે સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. સલમાને પણ કહ્યું હતું કે, અમારા વચ્ચે જે મિસઅંડરસ્ટેન્ડિંગ હતી એ પૂરી થઇ છે. સલમાને ત્યાં સુધી કહ્યું હતું કે, ગેરસમજ મારા તરફથી થઇ હતી, અરિજિત તરફથી નહીં. એ પછી અરિજિતે સલમાનની ફિલ્મ ટાઇગર-3 માટે ગીત પણ ગાયું હતું. સલમાનની નારાજગી છતાં અરિજિતની કરિયરને ઉની આંચ આવી નહોતી. તેનું કારણ માત્રને માત્ર અરિજિતનો અવાજ હતો, જે લોકોના દિલમાં સોંસરવો ઉતરી જતો હતો.
આ પણ વાંચો : Ahmedabadમાં પાસપોર્ટ અરજદારો માટે વિશેષ કેમ્પ યોજાશે, અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે, જુઓ Video