ઉદ્ધવ અને રાજ બંને પાસે અત્યારે ખાસ કંઇ બચ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ સત્તાના મોહમાં ભાજપને છેહ દીધો હતો. એનું પરિણામ તે ભોગવે છે. બાલ ઠાકરે જેવી પ્રતિભા નથી ઉદ્ઘવ પાસે કે નથી રાજ પાસે. બંનેના દીકરાઓમાં પણ માથું કાઢી શકે એવું હીર નથી. બંને ભલે સાથે થઇ ગયા હોય પણ લોકોને હવે આ તલમાં બહુ તેલ દેખાતું નથી.


સમસ્યા ગમે એવા માણસને પણ સમાધાન કરવા માટે મજબૂર કરી શકે છે

આપણે ત્યાં કહેવત છે કે, ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે! સત્તા અને શક્તિ હોય ત્યારે લડી લેવાની વાતો કરનાર વ્યક્તિ કોઇ ભાવ પૂછતું ન હોય ત્યારે સહારો શોધતો હોય છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સ્થિતિ કંઇક આવી જ છે. બંનેએ આખરે ભેગા થવું પડ્યું છે. ઉદ્ધવ અને રાજ ઠાકરે એક સમયે શક્તિશાળી નેતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના જમણા અને ડાબા હાથ તરીકે ઓળખાતા હતા. બાલ ઠાકરે પછી કોણ એ સવાલ પહેલેથી પૂછાતો હતો. બધા એવું માનતા હતા કે, સગા દીકરા ઉદ્ધવ કરતા ભત્રીજો રાજ વધુ હોંશિયાર અને ટેલેન્ટેડ છે. બાલ ઠાકરે તેને જ પોતાનો વારસદાર બનાવશે. પુત્ર મોહથી બાલ ઠાકરે મુક્ત થઇ શક્યા નહોતા અને તેમણે ઉદ્ધવને જ પોતાનો રાજકીય વારસદાર ઘોષિત કર્યો હતો. રાજ ઠાકરેથી એ સહન થયું નહોતું. તેણે બાલ ઠાકરે સાથે છેડો ફાડી નાખ્યો હતો. રાજ ઠાકરેએ તારીખ 9મી માર્ચ, 2006ના રોજ પોતાના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. એમએનએસના ટૂંકા નામે ઓળખાતી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્રના રાજકારણમાં ખાસ કંઇ ઉકાળી શકી નથી. રાજ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્ત્વ માટે પહેલેથી ઝઝૂમતા રહ્યા છે.

બીજી તરફ બાલ ઠાકરેના નિધન પછી દીકરા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને ઠીકઠાક ચલાવી હતી

પિતાએ સ્થાપેલા વર્ચસ્વનો તેને પૂરો લાભ મળ્યો હતો. ઉદ્ધવનો એક પ્લસ પોઇન્ટ શિવસેના જેવી જ સમાન હિંદુત્ત્વની વિચારસરણી ધરાવતા ભાજપનો સાથ હતો. ઉદ્ધવને સત્તાનો મોહ જાગ્યો અને તેણે ભાજપ સાથે પંગો લીધો. ભાજપથી છૂટા પડ્યા એ સાથે જ તેની પડતી થવાની શરૂ થઇ. અત્યારે ઉદ્ધવ અને રાજની સ્થિતિમાં બહુ મોટો ફેર રહ્યો નથી. હવે જ્યારે બંને ભેગા થયા છે ત્યારે એક સવાલ એ ચર્ચાઇ રહ્યો છે કે, બંને સાથે મળીને પણ કંઇ ઉકાળી શકશે ખરા? થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંનેની હાલત ખરાબ થઇ ગઇ હતી. ભાજપ, અજીત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેનાના ગઠબંધને પોતાના ઝંડા ફરકાવી દીધા હતા. ભાજપે બધી મળીને 2,431 બેઠક, શિંદે શિવસેનાએ 1,025 બેઠક અને અજીત એનસીપીએ 966 બેઠકો જીતી હતી. તેની સામે કોંગ્રેસે 842, શરદ પવારની એનસીપીએ 256 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 244 બેઠકો જીતી હતી. આ પરિણામોએ ઉદ્ધવને એવું ભાન કરાવી દીધું છે કે, હવે કંઇક કરવું પડશે. આખરે તેણે પોતાના કઝિન રાજ ઠાકરેને સાથે લેવાનું નક્કી કર્યું.

ઉદ્ધવ અને રાજની નજર બીએમસીની ચૂંટણી પર છે

વીસ દિવસ પછી તારીખ 15મી જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઉદ્ધવની શિવસેના અને રાજની એમએનએસ કંઇ ઉકાળી શકી નથી. હવે બંનેનો મુખ્ય આધાર બીએમસી ઇલેકશન જ છે. ઉદ્ધવને મુંબઇમાં પોતાનું વર્ચસ્વ જળવાઇ રહે એવી દાનત છે. ઉદ્ધવ અને રાજ બીએમસીમાં કેટલા કામયાબ થશે એ સવાલ છે. બીએમસીમાં જીત મેળવવા માટે ભાજપ, એકનાથ શિંદની શિવસેના અને અજીત પવારની એનસીપીએ તમામ તૈયારીઓ કરી લીધી છે. બીએમસીની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જામવાનો છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ અને રાજ ભલે ભેગા થયા હોય પણ હવે બેમાંથી કોઇનો કરિશ્મા પહેલા જેવો રહ્યો નથી. બંને ભેગા થયા એ વખતે એવું કહ્યું કે, મરાઠી અસ્મિતા માટે અમે સાથે આવ્યા છીએ. રાજ ઠાકરે મરાઠી ભાષા માટે પહેલેથી લડતા રહ્યા છે. જો કે, તેના કારણે નેગેટિવ ઇમેજ પણ પેદા થઇ છે. મુંબઇ અને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં મરાઠી ભાષા બોલવા અને શીખવા વિશે રાજની પાર્ટી મનસેના કાર્યકરોએ બીનમરાઠી લોકોને માર માર્યાના અનેક કિસ્સાઓ પણ બન્યા છે. બીજી તરફ ભાજપ અને તેમના બંને સાથીઓ અત્યારે સક્ષમ છે. લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે.

ઉદ્ધવ અને રાજના ભવિષ્ય સામે સવાલો

ઉદ્ધવ ઠાકરે યંગ હતા ત્યારે તેને રાજકારણ કરતા વધુ રસ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં હતો. પિતાના આગ્રહથી જ તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા હતા. બાલ ઠાકરે અને ઉદ્ધવમાં બહુ મોટો ફેર છે. બાલ ઠાકરે તેની જિંદગીમાં ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા. તેઓ હંમેશાં કિંગમેકર બનવામાં માનતા હતા. ઉદ્ધવ ઠાકરે પોતે ચૂંટણી લડ્યા અને દીકરા આદિત્ય ઠાકરેને પણ ચૂંટણી લડાવી. મુખ્યમંત્રી બનવાના મોહમાં ભાજપ સાથે માથાકૂટ કરી ઉદ્ધવે પોતાના પગ પર જ કૂહાડો માર્યો. ઓક્ટોબર, 2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. બંનેને આરામથી સરકાર બનાવી શકે એટલી બેઠકો મળી ગઇ હતી. એ વખતે ઉદ્ધવ ઠાકરેએ અઢી અઢી વર્ષ સત્તા સંભાળવાની વાત કરી. ભાજપે ના પાડી. ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. આખરે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારની એનસીપી અને કોંગેસ સાથે મહાઅઘાડી ગઠબંધન રચીને સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બની ગયા. એ પછી એકનાથ શિંદેએ શિવસેનામાં અને અજીત પવારે એનસીપીમાં બળવો કર્યો. ઉદ્ધવના હાથમાંથી પાર્ટીની કમાન, નામ અને નિશાન બધું જ ચાલ્યું ગયું. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાઅઘાડીએ જબરદસ્ત ફટકો પડ્યો અને ભાજપે પોતાના બંને સાથીઓ સાથે મળીને સરકાર બનાવી. ઉદ્ધવ ત્યારથી પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા મથી રહ્યા છે. હજુ ઉદ્ધવ અને રાજ ઠાકરેના પોલિટિકલ ફ્યૂચર સામે ઘણા સવાલો લાગેલા છે, એના જવાબો શું હશે એ કોઇ કહી શકે એમ નથી.

શરદ પવારની એનસીપીનો સાથ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મળશે કે કેમ?

ઉદ્ધવે રાજ ઠાકરેનો સાથ લીધો છે એના કારણે મહાઅઘાડી ગઠબંધન સામે પણ સંકટ પેદા થયું છે. કોંગ્રેસે મહાઅઘાડીમાં રહેવાનો ઇન્કાર કરી દીધો છે. કોંગ્રેસનું માનવું છે કે, મહાઅઘાડીમાં રહીને આપણને ફાયદો કરતા નુકશાન વધુ થયું છે. કોંગ્રેસને હવે એકલા હાથે નસીબ અજમાવવું છે. એ વાત જુદી છે કે, કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ ડચકાં જ ખાઇ રહી છે. હજુ સવાલ શરદ પવારનો છે. તેઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે જાય તો એમાં નવાઇ પામવા જેવું નહીં હોય. આમ તો શરદ પવારનો જાદુ પણ હવે ઓસરી ગયો છે. અજીત પવારે એનસીપીમાં બળવો કરીને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. ઉદ્ધવ, રાજ, શરદ પવાર અને કોંગ્રેસ બધા ફાંફાં મારી રહ્યા છે. એ બધાનો માર્ગ ધાર્યા જેટલો આસાન રહેવાનો નથી.


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગરમાં કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2 વૃદ્ધના ઘટના સ્થળે મોત


  • Follow us on: