મમતા બેનરજીની હાલત ઉદ્ધવ ઠાકરે જેવી થઇ છે. મમતા પાસે પક્ષનું નામ અને નિશાન પણ નહીં રહે. મમતાના રાજકીય ભવિષ્ય સામે અનેક પ્રશ્નાર્થો લાગી ગયા છે. મમતાએ એકલા હાથે પક્ષનું સર્જન કર્યું હતું. તેમની નજર સામે જ ઋતબ્રતે બધું પડાવી લીધું


રાજકારણમાં વફાદારી સત્તા અને સ્વાર્થ પર નિર્ભર હોય છે. એકલા હાથે તૃણમૂલ કોંગ્રેસનું સર્જન3 કરનાર મમતા બેનરજીને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ તેની નજર સામે જ તેણે જે બનાવ્યું છે એ લૂંટી લેવાશે. બંગાળ વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી તારીખ 4 મે ના રોજ યોજાઇ હતી. એક મહિનામાં મમતા બેનરજી એકલા પડી ગયા. પંદર વર્ષ સુધી બંગાળનું શાસન સંભાળનારા મમતા બેનરજીની રાજકીય કરિયર સામે એક નહીં, અનેક સવાલો લાગી ગયા છે. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે મમતાની પાર્ટી ટીએમસીને 80 બેઠકો મળી હતી. આ 80માંથી 58 ધારાસભ્યોએ ઋતબ્રત બેનરજીની આગેવાનીમાં અલગ ચોકો રચી નાખ્યો છે. ચૂંટણીના પરિણામો આવ્યા એ પછી ઋતબ્રતે મમતા બેનરજીના નેતૃત્ત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા. મમતા બેનરજીએ તરત જ ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. ઋતબ્રતે મમતાથી નારાજ ધારાસભ્યોને ભેગા કર્યા હતા અને બળવો પોકારી દીધો. ધારાસભ્યોએ સાથે મળીને ઋતબ્રતને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે. ઋતબ્રતે વિધાનસભાના સ્પીકર રથીન્દ્ર બોઝને ધારાસભ્યોની યાદી આપી અને સ્પીકરે તેમને માન્યતા આપી દીધી. મમતા બેનરજી પાસે હવે ગણીને બાવીસ ધારાસભ્યો રહ્યા છે. એમાંથી પણ ઘણાયે વાડ પર જ બેઠા છે. કૂદીને ક્યારે ઋતબ્રતના ડાયરામાં ચાલ્યા જાય એ નક્કી નથી. કેટલાંક લોકો એવી આગાહી કરી રહ્યા છે કે, છેલ્લે મમતા બેનરજી સાવ એકલા પડી જશે.

મમતા બેનરજી સાથે આવું કેમ થયું?

તૃણમૂલ કોંગ્રેસના બહુમતી ધારાસભ્યો છોડીને ચાલ્યા ગયા એમાં સૌથી વધુ જો કંઇ જવાબદાર હોય તો એ મમતા બેનરજીનો તુંડમિજાજ છે. મમતાના ભત્રીજા અભિષેક બેનરજીની જોહુકમીથી પણ બધા થાક્યા હતા. મમતાએ એકહથ્થું શાસન કર્યું છે. દરેક નિર્ણયો એણે પોતે જ લીધા છે. ક્યારેય કોઇને વિશ્વાસમાં નથી લીધા. કોઇ તેની સામે કંઇ બોલી શકતું નહીં. બધાને લાગ્યું કે, મમતાને પાઠ ભણાવવાનો આ મોકો છે અને બધાએ ખેલ પાડી દીધો. અત્યારના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ એક સમયે મમતા બેનરજીના નજીકના સાથીદાર હતા. તેમને મમતાએ ક્યારેય જે માન આપવું જોઇએ એ આપ્યું નહોતું. ઉલટું પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને આગળ લાવવા માટે મમતાએ સુવેન્દુ અધિકારીને કટ-ટુ-સાઇઝ કરી નાખ્યા હતા. મમતાની નીતિરીતિથી કંટાળીને આખરે સુવેન્દુ અધિકારી છેડો ફાડીને ભાજપ સાથે જોડાઇ ગયા હતા. સુવેન્દુને સાચવી રાખ્યા હોત તો કદાચ મમતાની આજે છે એ હાલત થઇ ન હોત. ચૂંટણીના પરિણામો બાદ એવું મનાતું હતું કે, મમતા સક્રિય વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં કંઇ બાકી નહીં રાખે. હવે તો એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે પણ નથી રહી શકવાના. બંગાળમાં મમતા બેનરજીનો ઉદય થયો એ સાથે સામ્યવાદીઓના અસ્ત થવાની શરૂઆત થઇ હતી. જોકે, સામ્યવાદીઓનો અસ્ત ધીમે ધીમે થયો હતો. ઘણો સમય લાગ્યો હતો. મમતાનું પતન એક ઝાટકે થયું હતું. મમતાને એવો ફટકો પડ્યો છે કે એની કળ વળતા બહુ વાર લાગશે. મમતા બેનરજીને પહેલેથી વાઘણ કહેવામાં આવે છે. હવે એ વાઘણ પાસે નથી રહ્યા દાંત કે નથી રહ્યા નહોર. કેટલાંક લોકો હજુયે એવું માને છે કે, મમતા બેનરજીને અંડરએસ્ટિમેટ કરી શકાય એમ નથી, એ ફરી પાછા બેઠાં થશે. અમુક નિષ્ણાતો એવું પણ કહે છે કે, હવે મમતા બેનરજીની પોલિટિકલ કરિયરનું નામું નખાઇ જવાનું છે. તૃણમૂલ કોંગ્રેસમાં જે કંઇ થયું એની પાછળ કેટલાંક લોકો ભાજપનો હાથ હોવાનું કહે છે. હોય શકે છે. રાજકારણમાં કંઇ પણ શક્ય છે. ભાજપે ભૂતકાળમાં આના કરતા પણ મોટો ખેલ કર્યા છે. તમે જો તમારા લોકોને સાચવી ન શકો તો કોઇ પણ બાજી મારી જવાના છે.

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે સરખામણી

મમતા સાથે જે થયું એવું જ અગાઉ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે થયું હતું. લોકો બંગાળની ઘટનાની તેની સાથે સરખામણી કરે છે. ઋતબ્રતને એકનાથ શિંદે અને અજિત પવાર સાથે સરખાવે છે. અલબત્ત, બંને ઘટનામાં બહુ મોટો ફેર છે. મહારાષ્ટ્રમાં જે કંઇ થયું એ ભારતીય જનતા પક્ષે સત્તા મેળવવા માટે કર્યું હતું. સરકાર બનાવવા માટેના સરવાળા સુધી પહોંચવા માટે આખો ખેલ થયો હતો. બંગાળમાં ભારતીય જનતા પક્ષને એવી કોઇ ચિંતા છે જ નહીં. ભવિષ્યમાં પણ ભાજપની સરકારને ઉની આંચ ન આવે એટલી બેઠકો તેની પાસે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પાસેથી જેમ પક્ષનું નામ અને નિશાન ગયું એમ જ મમતા બેનરજીના પક્ષનું નામોનિશાન ચાલ્યા જવાના છે. બળવાખોર જૂથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમે જ સાચી તૃણમૂલ કોંગ્રેસ છીએ. ઋતબ્રત બેનરજી ધીમે ધીમે બાકીના પત્તા ચાલવાના છે. મમતા બેનરજી મૂંગા મોઢે ખેલ જોઇ રહ્યા છે. આમ તો તેઓ બીજું કંઇ કરી શકે એમ પણ નથી. મમતાના ભત્રીજા અભિષેક બેનરજી સામે શિક્ષક ભરતી કૌભાંડ સહિત ચાર મોટા કેસ છે. એણે હજુ લાંબી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનો છે. અભિષેક પર નારાજ લોકોએ હુમલો કર્યાની ઘટના પણ બની હતી. હજુ કેટલાંક કેસ અભિષેક સામે નોંધાય એવી શક્યતાઓ છે. મમતા બેનરજી માટે હવે પછીનો સમય આસાન રહેવાનો નથી. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા!

કોણ છે મમતા બેનરજી સામે બળવો પોકારનાર નેતા ઋતબ્રત બેનરજી?

મમતા બેનરજી સામે બાંયો ચડાવનાર 46 વર્ષના ઋતબ્રત બેનરજીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ, વિવાદાસ્પદ અને ઉતાર-ચડાવવાળી રહી છે. ડાબેરી વિચારધારા છોડીને તેઓ મમતા બેનરજીની સાથે જોડાયા હતા અને તેમના ખાસ બની ગયા હતા. તેઓ એક નંબરના ગણતરીબાજ છે. કોલેજકાળથી જ રાજનીતિ કરનાર ઋતબ્રતને 2014માં સીપીઆઇએમે રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ 2017માં તેમને સીપીઆઇએમે પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. એ પછી તેઓ મમતા બેનરજી સાથે જોડાઇ ગયા હતા. મમતાએ પણ તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં તેઓ ઉલુબેરિયા પુરબા બેઠક પર જીતીને ધારાસભ્ય બન્યા હતા. ચાલાક ઋતબ્રત હજુયે મમતા બેનરજીનો વિરોધ કરતા નથી પણ અભિષેક બેનરજીને જ બધો દોષ આપે છે. તેમના વિશે એવી જ વાતો થઇ રહી છે કે, તેઓ ભાજપ કહે એમ જ કરવાના છે. આ બળવાથી ઋતબ્રત અને તેની સાથે જનારાને શું ફાયદો થાય છે એ તો આવનારો સમય જ કહેશે. આ તો શરૂઆત છે, પિક્ચર હજુ ઘણું બાકી છે.


  • Follow us on: