રશિયા અને યુક્રેનનું યુદ્ધ પતાવવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એનાથી થાય એ બધા જ પ્રયાસો કરી જોયા છે. હજુ એમનો મેળ પડ્યો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી વિશેની દુનિયાની ધારણાઓ ધરમૂળથી ખોટી પડી છે


આ યુદ્ધ કેટલું ચાલશે તે કોઇ કહી શકે એમ નથી

યુદ્ધનો ઇતિહાસ કહે છે કે, યુદ્ધ શરૂ કરવું જેટલું સહેલું છે એનાથી ક્યાંય અઘરું યુદ્ધ ખતમ કરવાનું કામ છે. યુદ્ધનો અંત ક્યારેય ગણતરીઓ કે ધારણાઓ મુજબ થતો નથી. યુદ્ધ શરૂ થયા પછી એ ક્યારે પૂરું થશે એ કોઇ કહી શકતું નથી. 24મી ફેબ્રુઆરીના રોજ રશિયા અને યુક્રેનને ચાર વર્ષ પૂરા થઇ ગયા. કોઇએ કલ્પના નહોતી કરી કે, આ યુદ્ધ આટલું લાંબું ચાલશે. તારીખ 24મી ફેબ્રુઆરી, 2022ના દિવસે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ છેડી દીધું હતું. એ સમયે આખી દુનિયાએ એવી આગાહીઓ કરી હતી કે, રશિયા એક અઠવાડિયામાં આ યુદ્ધ જીતી લેવાનું છે. બધાની ધારણાઓ ખોટી પડી. યુક્રેને હિંમતભેર સામનો કર્યો. યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધતી રશિયાની સેનાએ પીછેહઠ કરવી પડી. યુદ્ધ લંબાતું ગયું. ચાર વર્ષ તો થઇ ગયા, હજુ આ યુદ્ધ કેટલું ચાલશે તે કોઇ કહી શકે એમ નથી.

રશિયાએ હુમલો કર્યો એ પછી અમેરિકાએ તેને હથિયારો સહિત તમામ પ્રકારની મદદ કરી હતી

અમેરિકાના સાથી દેશો પણ યુક્રેનની પડખે રહ્યા હતા. જો બાઇડેન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યાં સુધી યુક્રેન રશિયા સામે જોશભેર લડતું રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી સ્થિતિ પલટાઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં એવું કહ્યું કે, હું જો પ્રેસિડેન્ટ બન્યો તો શપથ લઇશ એ પહેલા જ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવી દઇશ. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને પ્રેસિડેન્ટનો ચાર્જ સંભાળ્યો એને એક વર્ષ અને એક મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. હજુ ટ્રમ્પનો કોઇ મેળ પડ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીને સમજાવવાથી માંડીને ધમકાવવા સુધીના પ્રયાસો કરી જોયા છે. એક વખત તો સરાજાહેર બોલાચાલી થઇ ગયા બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કીને કાઢી મૂક્યા હતા. ટ્રમ્પે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટીનને રૂબરૂ મળીને યુદ્ધ રોકવા સંબંધે વાત કરી હતી. અમેરિકાએ વોર ખતમ કરવા માટે પીસ પ્લાન પણ જાહેર કર્યો. ટ્રમ્પના તમામ પ્રયાસો અત્યાર સુધી એળે ગયા છે. ટ્રમ્પ હજુ સમયે સમયે રશિયા અને યુક્રેન યુદ્ધ વિશે વાતો કરતા રહે છે. ટ્રમ્પના ઇરાદાઓ ક્યારે સફળ થશે એ કહેવું અઘરું છે.

યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી વિશેની બધી ધારણાઓ ખોટી પડી

યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટ બન્યા એ પહેલા કોમેડિયન હતા. યુક્રેનના લોકોએ જ્યારે તેમને ચૂંટ્યા ત્યારે સમગ્ર વિશ્વમાં એવું કહેવાયું હતું કે, યુક્રેનની પ્રજાએ એક કોમેડિયનને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. ઝેલેન્સ્કીને કંઇ અનુભવ નથી. એ દેશ ચલાવી નહીં શકે. એવી ઘણી બધી વાતો એ સમયે થઇ હતી. યુદ્ધ શરૂ થયું ત્યારે પણ ઝેલેન્સ્કી વિશે એવું કહેવાયું હતું કે, તેને લડવાનો અનુભવ નથી. રશિયાની તાકાત સામે યુક્રેન કંઇ જ નથી. યુદ્ધના પહેલા દિવસોમાં જ અમેરિકાના તત્કાલિન પ્રેસિડેન્ટ જો બાઇડેને ઝેલેન્સ્કીને એવો મેસેજ આપ્યો હતો કે, તમારે યુક્રેન છોડીને ભાગી જવું હોય તો અમે વ્યવસ્થા કરીએ. એ સમયે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, મરી જાવ તો ભલે, દેશ છોડવાનો સવાલ જ નથી. ઝેલેન્સ્કી લડતા રહ્યા. યુક્રેનના લોકોનો પણ ઝેલેન્સ્કીને જબરો સાથ મળ્યો છે. સેના તો મોરચે મંડાઇ જ ગઇ હતી, સામાન્ય લોકોએ પણ હથિયારો ઉપાડી લીધા હતા. એ વાતથી કોઇ ઇનકાર કરી શકે એમ નથી કે, યુક્રેને રશિયાને હંફાવી દીધું છે. રશિયા અને યુક્રેનને ચાર વર્ષ પૂરા થયા એ નિમિત્તે રાષ્ટ્રજોગ પ્રવચનનો ઓગણીસ મિનિટનો વીડિયો ઝેલેન્સ્કીએ રીલિઝ કર્યો છે. તેમણે કહ્યું કે, રશિયાના પ્રેસિડેન્ટ પુટિનના તમામ ખેલ નિષ્ફળ ગયા છે.

પુટિન પણ આસાનીથી મેદાન છોડે એવા નથી

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ અનેક ફટકા સહન કર્યા છે. આ યુદ્ધમાં કોના કેટલા સૈનિકો માર્યા ગયા અને કોને કેટલું નુકસાન ગયું તેના જુદા જુદા આંકડાઓ ચાર વર્ષ દરમિયાન સમયે સમયે વહેતા થયા છે. રશિયામાં માટે એવી સ્થિતિ સર્જાઇ કે, તેની પાસે યુક્રેન સામે લડવા માટે સૈનિકો જ બચ્યા નહીં. પુટિને જેલના કેદીઓથી માંડીને આતંકીઓને પણ લડવા માટે પટાવ્યા હતા. અંતિમ પ્રયાસ રૂપે પુટિને પોતાના મિત્ર અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પાસેથી પણ સૈનિકો મંગાવ્યા. યુદ્ધમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા હોવા છતાં પુટિને ક્યારેય નમતું જોખ્યું નથી. પુટિનને યુદ્ધ એ જ શરતે રોકવું છે કે, આ યુદ્ધ દરમિયાન યુક્રેનના જે વિસ્તારો પર રશિયાની સેનાએ કબજો જમાવ્યો છે એ તેને સોંપી દેવામાં આવે. યુક્રેનના લુહાંસ્ક, ડોનેસ્ટક, જાપોરેઝિયા અને ખેરસોન સહિતના વિસ્તારો રશિયાના કબજામાં છે. યુક્રેનનું ક્રીમિયા તો રશિયાએ 2014માં જ પડાવી લીધું હતું. બધો મળીને યુક્રેનના વીસ ટકા વિસ્તાર પર રશિયાનો કબજો છે. યુક્રેને કોઇપણ ભોગે પોતાની જમીન રશિયાને આપવી નથી.

બ્રિટન અને યુરોપના દેશો યુક્રેનની પડખે છે

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને એમ હતું કે, હું યુદ્ધમાંથી હાથ ખેંચી લઇશ એટલે યુક્રેન પાસે ઝૂકી જવા સિવાય બીજો કોઇ રસ્તો નહીં બચે. જોકે, એવું થયું નહીં. બ્રિટન અને યુરોપના દેશોએ કહ્યું કે, અમે યુક્રેનની સાથે છીએ. ટ્રમ્પ જે રીતે રશિયાની તમામ વાતો માનીને યુદ્ધ ખતમ કરવા તૈયાર થઇ ગયા એ યુરોપનો દેશોને પસંદ પડ્યું નથી. યુક્રેન અત્યારે બ્રિટન અને યુરોપના બીજા દેશોના સાથના કારણે જ ટકી રહ્યું છે. રશિયા કે યુક્રેન બેમાંથી કોઇ જરાયે નમતું જોખવા તૈયાર નથી, એટલે જ આ યુદ્ધ હજુ વધુ લંબાવાનું છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ રૂ.55 લાખ પડાવી દીધા



  • Follow us on: